સૂચના:પાલાવાસણા ONGC સર્કલની બાજુમાં ગંદકી દૂર કરી જગ્યા ડેવલપ કરો: સાંસદ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના એન્ટ્રી પોઇન્ટમાં જ ગંદકી અંગે શારદાબેન પટેલે તંત્રનું ધ્યાન દોર્યું
  • રામોસણા વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યા હલ કરવા કલેક્ટરની સીઓને સૂચના

મહેસાણા કલેક્ટર કચેરીમાં શનિવારે જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં સાંસદ શારદાબેન પટેલે મહેસાણાના એન્ટ્રીપોઇન્ટ ઓએનજીસી સર્કલ પાલાવાસણા પાસે અમદાવાદથી મહેસાણા આવતાં ડાબી બાજુમાં ખૂબ ગંદકી છે, આ જગ્યાને લેન્ડ સ્કેપિંગ કરી ડેવલપ કરવા સૂચન કર્યું હતું. જ્યારે રાધનપુર રોડ પર નવીન લાયબ્રેરી બનાવવા, સંસદસભ્યની ગ્રાન્ટમાંથી ઊંઝા સિવિલ માટે એમ્બ્યુલન્સની વહેલી તકે ખરીદી કરવા જણાવ્યું હતું.

જ્યારે બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે મહેસાણા શહેરના રામોસણા વિસ્તારની રાધેકુટિર, રાધેકૃષ્ણ, જ્યોતિ બંગલોઝ, વેલકમ સહિત સોસાયટીઓમાં ઉભરાતી ગટરનો મુદ્દો ઉઠાવતાં કલેક્ટરે તાત્કાલિક સમસ્યાનું હલ કરવા પાલિકાના ચીફ ઑફિસરને સૂચના આપી હતી. અલોડા ગામના સર્વે નંબર 418/419માં બિન અધિકૃત દબાણ કરી થયેલ બાંધકામ તોડી પાડવા કલેક્ટરે ટીડીઓને સૂચના આપી હતી.

બહુચરાજીની કેટલીક સોસાયટીમાં પીવાનું પાણી પ્રદૂષિત આવતું હોઇ લોકોના સ્વાસ્થ પર અસર પહોંચતી હોઇ પીવાનું પાણી શુદ્ધ મળતું થાય તેમજ ગણેશપુરા (કાલરી) અને સૂરજ ગામમાં ગ્રામ પંચાયતના મકાન જર્જરિત હોઇ તેનાં કામ તાત્કાલિક મંજૂર કરવા જણાવ્યું હતું.

પ્રદૂષણ ફેલાવતી કંપની બંધ કરાવો : ભરતજી ઠાકોર
જોટાણાના મરતોલી ગામે માધવ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાતું હોવા અંગે વારંવાર લોકોની રજૂઆત છતાં પ્રદૂષણ વિભાગ દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવતાં ન હોવાનો મુદ્દો ધારાસભ્યએ ઉઠાવતાં આ સમસ્યાનો ઉકેલ લાવવા કલેક્ટરે સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...