તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂધનું રાજકારણ:ઘીમાં ભેળસેળ મામલે ડેરીના વા.ચેરમેન, પૂર્વ MD સહિત 3ની અટકાયત, ચેરમેન સહિત 5 સામે ગુનો

મહેસાણાએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલાં હોદ્દેદારો સામે થયેલી ફરિયાદને પગલે દૂધનું રાજકારણ ગરમાયું
 • ઘીમાં ડેરીને 40 કરોડનું નુકસાન પહોંચાડ્યું ,મહેસાણા બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ઘીમાં ભેળસેળ મામલે સ્પેશિયલ મિલ્ક ઓડિટરે મંગળવારે મોડી રાત્રે મહેસાણા દૂઘ સંઘ (દૂધસાગર ડેરી)ના ચેરમેન, વાઇસ ચેરમેન, પૂર્વ એમડી સહિત 5 સામે બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યાના ગણતરીના સમયમાં પોલીસે ડેરીના વાઇસ ચેરમેન મોંઘજીભાઇ દેસાઇ, પૂર્વ એમડી નિશીથ બક્ષિ અને લેબોરેટરી હેડ અલ્પેશ જૈનની અટકાયત કરાતાં સહકારી રાજકારણ ગરમાયું છે. રાજસ્થાન પોલીસે પકડેલ ભેળસેળયુક્ત ઘી ભરેલું ટેન્કર પુન: મહેસાણા પોલીસના હાથે ગોઝારિયાથી ઝડપાયાના 12 દિવસ બાદ મંગળવારે રાજકોટથી મોડી રાત્રે 3 વાગે બી ડિવિજન પોલીસ સ્ટેશન પહોંચેલા સ્પે. મિલ્ક ઓડિટર શૈલેશભાઇ જોશીએ દૂધસાગર ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન સહિત 5 હોદ્દેદારો અને અધિકારીઓ વિરુદ્ધ પુન્હાનાથી ઘી મહેસાણા આવે ત્યારે તે ઘીનું સેમ્પલ લઇ ટેસ્ટીંગ કરવાના બદલે ભેળસેળવાળુ ઘી ઓકે કરી પેકિંગ માટે જવા દેવાનું કૌભાંડ વર્ષોથી સુવ્યવસ્થિત રીતે ચલાવી મિલાવટી ઘીને શુદ્ધ ઘી તરીકે દર્શાવી તે વેચાણ માટેની તૈયારી કરી તેનો વેપાર પણ કરી મહેસાણા દૂધ સંઘને રૂ.40 કરોડ જેટલી રકમનું ભેળસેળયુક્ત ઘી દ્વારા નુકસાન કરવા બદલ કલમ 406, 409, 272, 273, 120 બી અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ દાખલ થતાં પહેલાં જ ડેરીના વાઇસ ચેરમેન મોંઘજીભાઇ દેસાઇને મંગળવારે બપોરે 3 વાગે બોલાવ્યા બાદ તેમનું નિવેદન અને પૂછપરછ કલાકો સુધી ચાલી હતી અને બુધવારે વહેલી સવારે તેમની અટકાયત કરી વિસનગર સિવિલમાં કોરોના સેમ્પલ માટે લઇ જવાયા હતા. આજ રીતે પોલીસે પૂર્વ એમડી નિશિથ બક્ષી અને ડેરીના લેબોરેટરી હેડ અલ્પેશ જૈનની પણ અટકાયત કરી વિસનગર કોરોના સેમ્પલ માટે મોકલી આપ્યા હતા. જ્યારે આ કેસની તપાસ વિસનગર ડીવાયએસપીને સોંપાતાં તેમણે મહેસાણા એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને સાથે રાખી બુધવારે બપોરે ડેરીના સ્ટોરરૂમમાં મૂકેલા ઘીના જથ્થાનું પંચનામું સહિતની કાર્યવાહી કરી હતી.

આ ચૂંટણી પહેલાંનું રાજકીય કાવતરું છે
સરકાર માન્ય લેબમાં ઘીના તમામ 250 સેમ્પલ પાસ થયા છે. આધુનિક મશીનથી રાબેતા મુજબ પણ ટેસ્ટીંગ કરાતું હોય છે. ત્રણ વખતથી ચૂંટણી આવે ત્યારે જ કેમ કસ્ટોડિયન નીમવા અને ફરિયાદ કરવાનું સરકારને સુઝે છે. આ રાજકીય કાવતરું છે. અમને એક વખત નહીં 10 વખત જેલમાં પૂરાવો પણ ડેરી તેમના હાથમાં નહીં આવે. હાઇવે પર ચોરીમાં અમારો કોઇ રોલ નથી. - મોંઘજી દેસાઇ, વાઇસ ચેરમેન દૂધસાગર ડેરી

આ 5 સામે ફરિયાદ
1.આશાબેન ઠાકોર (દૂધ સંઘના ચેરમેન)
2.મોંઘજીભાઇ દેસાઇ (વાઇસ ચેરમેન)
3.નિશિથ બક્ષી (પૂર્વ મેનેજિંગ ડિરેકટર)
4.અલ્પેશ જૈન (લેબોરેટરી હેડ)
5.ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર અને તપાસમાં નીકળે તે તમામ

દૂધસાગર ડેરીના હોદ્દેદારો સામેની પોલીસ ફરિયાદના મહત્વના મુદ્દા

 • 1. દૂધસંઘ મહેસાણા દ્વારા હરિયાણા પ્લાન્ટથી ઘી ટેન્કર (જીજે 02 ઝેડઝેડ 1800) દ્વારા મહેસાણા જતાં ગત 29 જૂને રાજસ્થાનમાં ઘી ચોરી કરી તેમાં પામ ઓઇલ ભેળસેળ કરતાં 7 વ્યક્તિ ઝડપાયા હતા. ત્યાર બાદ ભેળસેળયુક્ત ઘી ભરેલું ટેન્કર દૂધસાગર ડેરી મહેસાણા લવાયું હતું.
 • 2. ભેળસેળયુક્ત ઘી ભરેલું ટેન્કર 1 જુલાઇથી 20 દિવસ સુધી ડેરીના કમ્પાઉન્ડમાં પડ્યું રહ્યું હોવા છતાં કોઇપણ જાતની કાર્યવાહી કરી નથી.
 • 3. ડેરીના હોદ્દેદારો અને અધિકારીઓએ ઘીમાં ભેળસેળની જાણ હોવા છતાં કરી ભેળસેળયુક્ત ઘીનું ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર સાથે મેળાપીપણું કરી બદઇરાદાપૂર્વક ટેન્કર જવા દીધું.
 • 4. ફેડરેશને ભેળસેળ પકડી શકાય તે માટે જીસીએફઆઇડી નામનું મશીન તેમજ ટેસ્ટીંગ મશીન તાત્કાલિક ખરીદવા અને તેની નાણાકીય સહાય ફેડરેશન કરશે તેવું કહેવા છતાં મશીન મૂકેલ નથી.
 • 5. ડેરીના હોદ્દેદારો અને અધિકારીઓએ ફેડરેશનની કોઇપણ જાતની પરવાનગી વિના પુન્હાના હરિયાણા ખાતે પ્લાન્ટ ભાડે લઇ ઘી લાવવામાં આવે છે. આ પ્લાન્ટ 2016થી ભાડે રાખેલો છે અને હાલ પણ કાર્યરત છે. અહીંથી જે ટેન્કરમાં ઘી આવે તે સૌપ્રથમ મહેસાણા ખાતે દૂધસંઘની લેબોરેટરી મારફતે ચેક કરવામાં આવે છે, જ્યાં ઓકે મળ્યા બાદ તે ઘી પેક કરવાનું હોય છે. પરંતુ દૂધ સંઘના ચેરમેન આશાબેન ઠાકોર સહિતના મેળાપીપણામાં લેબોરેટરી ટેસ્ટમાં ઘીની ભેળસેળ હોવાની જાણ છતાં ઘીનુ પેકિંગ કરી બેચ નંબર આપી વેચાણ વેપાર કરવા માટે તૈયાર રાખતા હતા. જે સ્થળ ઉપર જપ્ત કરેલા જથ્થા ઉપરથી પુરાવા મળશે.
 • 6. ફેડરેશનના 11 જુલાઇના પત્ર મુજબ તેમને લીધેલા 172 બેચના સેમ્પલમાંથી 118 બેચના સેમ્પલ ભેળસેળયુક્ત ઘીવાળા મળેલ છે, તેના ઉપરથી ફલિત થાય છે કે આવું ઘી ઘણા સમયથી આવતું હશે અને દૂધ સંઘના હોદ્દેદારો અને અધિકારીઓ દ્વારા તથા પુન્હાના પ્લાન્ટના અધિકારોની મીલીભગતના લીધે આવું ઘીમાં ભેળસેળ કરવાનું કૌભાંડ ચાલતું હતું અને બનાવટી ઘીનો વેપાર થતો હતો.
 • 7. રાજસ્થાન પોલીસે ગત 29 જૂને પકડેલ ઘીનું ટેન્કર જ્યારે મહેસાણા દૂધસાગર ડેરીમાં આવ્યું સંસ્થાના હોદ્દેદારો અને અધિકારીઓએ આ બાબતની જાણ ફેડરેશનને કરવાના બદલે અંધારામાં રાખેલા. પરંતુ આ ટેન્કરની ચોરીની જાણ થતાં ફેડરેશનના અધિકારીઓએ મહેસાણા દૂધ સંઘમાં આવીને ટેન્કરમાંથી ઘીના લીધેલા સેમ્પલના રિપોર્ટ મુજબ અંદાજીત 16 ટકા પામ ઓઇલની ભેળસેળ જાણવા મળેલ અને દૂધ સંઘના ગોડાઉનમાં પેકિંગ થયેલા ઘીના સ્ટોકની 172 જેટલી બેચોના સેમ્પલ પણ ફેડરેશનના અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા. જેના પ્રથમ રિપોર્ટમાં 24 બેચના સેમ્પલમાંથી 31 જેટલી બેચમાં ભેળસેળ માટે વપરાતા acetame નામના કેમિકલની ભેળસેળ હોવાનું જણાઇ આવેલ. જે આરોગ્ય માટે હાનિકારક છે.
 • 8. ફેડરેશને ગત 3 જુલાઇએ દૂધસંઘ મહેસાણાના ચેરમેન આશાબેન ઠાકોરને પત્ર લખી ઘીમાં ભેળસેળ હોઇ આ તમામ માલ સ્થગિત કરવાનું જણાવી બધા જ ઘીના જથ્થા પર stock on hold for further testing જેવું લખવાનો આદેશ કરેલો. ત્યાર બાદ ફેડરેશને 11 જુલાઇએ પત્ર લખીને જણાવેલ કે, ફેડરેશન દ્વારા લીધેલા કુલ 172 જેટલી બેચોના સેમ્પલના ટેસ્ટીંગ કરતાં તેમાંથી 118 જેટલી ઘીની બેચમાં ભેળસેળયુક્ત ઘી મળેલ છે તેમ જણાવેલ. આ 118 જેટલી બેચના ઘીનો કુલ જથ્થો 600 મેટ્રિક ટન અને તેની કુલ કિંમત અંદાજીત 40 કરોડ જેટલી થાય છે તેવું જણાવી તમામ માલ સ્થગિત કરવાનું જણાવવા છતાં પત્રને અવગણીને કોઇ કાયદેસર કાર્યવાહી કરેલ નહીં અને ટેન્કરમાં રહેલા ઘીનો નાશ કરવાના બદલે ટેન્કર કોન્ટ્રાકટરને પરત આપી દીધેલ. જે મહેસાણા પોલીસે મિલાવટ પહેલાં જ પકડી લીધેલ.
અન્ય સમાચારો પણ છે...