મહેસાણા શહેરમાં રહેણાંક, કોમર્શિયલ મળી 85 હજાર જેટલા કરદાતાઓ છે, જે પૈકી ચાલુ વર્ષે અત્યાર સુધી 7 મહિનામાં માત્ર 3051 કરદાતાએ ઘરેબેઠાં ઓનલાઇન પાલિકાનો વેરો ભર્યો છે. સરકાર દ્વારા ઘેરબેઠાં ઓનલાઇન વેરો ભરી પાવતી ડાઉનલોડ કરી શકો તેવી વ્યવસ્થા ઇ-નગરની વેબસાઇટથી ઉપલબ્ધ કરાઇ હોવા છતાં અધિકાંશ કરદાતા પાલિકામાં વેરો ભરવા આવતા હોય છે.
નાગરિકો શા માટે ઘેરબેઠાં ઓનલાઇન વેરો નથી ભરતા? તે જાણવા મંગળવારે લાઇનમાં ઊભેલા કરદાતાઓ સાથે વાતચીત કરી હતી. જેમાં મોટાભાગના લોકોએ હાર્ડકોપી મળે એટલે તો કેટલાકે ઓનલાઇન પ્રક્રિયામાં ભૂલથી પૈસા બીજામાં જતાં રહે તેવો ડર વ્યક્ત ર્યો હતો.
-તાવડિયા રોડ હરિકૃષ્ણ બંગ્લોઝમાં રહેતા સુરેશભાઇ સોલંકીએ કહ્યું કે, વેરા બિલમાં દર્શાવેલ ક્યુઆર કોડ સ્કેન મોબાઇલથી ન ખુલ્યું. આવામાં એક મહિનો વીતી ગયો અને 18 ટકા વ્યાજ લાગ્યું. હવે પાલિકા વેરો ભરવા આવ્યા છીએ.
-સોમનાથ રોડના તુલસીભાઇ પરમારે કહ્યું કે, પાલિકામાં રૂબરૂ વેરો ભર્યાની પાવતી મળી જાય. ઘરેથી ઓનલાઇન પ્રક્રિયામાં ભૂલથી પૈસા બીજામાં જતાં રહે તો પાછા ન આવે એટલે પાલિકામાં આવીને વેરો ભરીએ છીએ. -ખુશ્બુ ફ્લેટમાં રહેતા જગદીશભાઇ મોદીએ કહ્યું કે, દીકરી મોબાઇલથી ઓનલાઇન જ લાઇટબિલ ભરે છે. પાલિકાનો વેરો ઓનલાઇન ભરવાનો પ્રયત્ન કર્યો પણ વેબસાઇટ ન ખુલી એટલે પાલિકામાં વેરો ભરવા આવ્યો છું.
-પરાના રહીશ યોગેશભાઇ પટેલે કહ્યું કે, દીકરીએ ઇ-નગર વેબસાઇટથી વેરો ભરતાં એક્સેપ્ટ ન કરતાં રકમ પરત ખાતામાં આવ્યાનો મેસેજ આવ્યો છે. 18 ડિસેમ્બરે ઓનલાઇન પ્રક્રિયા કરેલી અને 6 જાન્યુઆરીએ પરતનો મેસેજ આવ્યો છે એટલે નગરપાલિકામાં વેરો ભરવા આવ્યો છું. -રંગમહેલ રહેતા ગુણવંતભાઇ શાહે કહ્યું કે, ઓનલાઇન ફાવતું નથી એટલે વેરો પાલિકામાં આવીને જ ભરીએ છીએ. ઘરે છોકરો પણ વેરો મોબાઇલમાં ઓનલાઇન ભરી શકે, પણ વેરો ભર્યાની પાવતી જરૂરિયાતમાં કોઇને બતાવવી શકાય. પાલિકામાં વેરો ભરીએ તેની પાવતી મળી રહે એટલે પાલિકામાં વેરો ભરવા આવ્યા તેમ દાળમિલના ખાંચામાં રહેતાં 75 વર્ષીય કોકીલાબેન શાહે કહ્યું હતું. {અમે 70 ઉપરની વયના થયા, ઓનલાઇન ફાવતું નથી. બજારમાં કામકાજે ફરતાં નીકળીએ એટલે પાલિકામાં આવીને વેરો ભરી લઇએ. દશેક મિનિટ લાગે તેમ સિમંધર સોસાયટીમાં રહેતા ડૉ. અશોકભાઇ તિવારીએ કહ્યું હતું. -રિક્ષા ડ્રાઇવર છું અને મારી પાસે સાદો મોબાઇલ છે અને ઓનલાઇન ફાવતું નથી એટલે અમે તો પાલિકામાં જ વેરો ભરવા આવીએ છીએ તેમ યુવાન નઝીરહુસેન બહેલીમે કહ્યું. -વેરો ઘરે મોબાઇલથી દીકરો ઓનલાઇન ભરી શકે છે પણ અમે તો બજાર શાકભાજી લેવા નીકળીએ એટલે પાલિકામાં આવી વેરો ભરી લેતા હોઇએ છીએ. તેમ કર્મચારીનગરનાં પ્રફુલ્લાબેન જોશી અને મધુબેન જોશીએ કહ્યું. - વેરો ભર્યાની પાવતીની સરકારી કામકાજ માટે ડોક્યુમેન્ટ તરીકે જરૂર પડે છે તેવું હુમાબેને કહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.