તહેવાર ટાણે હાલાકી:મહેસાણા જિલ્લાના 1365 GRD જવાનો બે માસના પગારથી વંચિત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં નવરાત્રીનું સમાપન થયા બાદ હવે દિવાળીના તહેવારો નજીક છે ત્યારે ગામડામાં મિલકતોનું રક્ષણ કરતાં જીઆરડી જવાનોને બે માસનો પગાર નહીં ચુકવાતા હાલત કફોડી બની છે. ઓક્ટોબર મહિનાના 15 દિવસ વીતવા છતાં ઓગસ્ટ- સપ્ટેમ્બર-2021નો પગાર નહીં ચુકવાતાં તેની મોંઘવારીના દિવસોમાં ગુજરાન ચલાવવું કઠીન સાબિત થઈ રહ્યું છે.

જિલ્લાના 20 પોલીસ સ્ટેશનોમાં 1365 ગ્રામરક્ષક દળના જવાનોને રૂ. 200 પગાર અને રૂ.30 ભાડું મળી કુલ રૂ.230 પ્રમાણે દૈનિક ભથ્થું આપવામાં આવે છે. એક જીઆરડીને 30 દિવસનો રૂ.6900 જેટલો પગાર થતો હોય છે. દિવાળીના તહેવારો નજીક હોવા છતાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસનો પગાર ચુકવાયો નથી. મોંઘવારીના સમયમાં પરિવારનું ગુજરાન ચલાવવું જીઆરડીના જવાનો માટે અઘરું સાબિત રહ્યું છે.

જીઆરડીના પીએસઆઈ બી.કે. ઠાકોરે ઓગસ્ટના બિલો તિજોરી કચેરીમાં જમા કરી દીધા હોઇ બે-ત્રણ દિવસમાં પગાર થઈ જવાનો દાવો કર્યો હતો. જ્યારે સપ્ટેમ્બરના તમામ પોલીસ સ્ટેશનનાં વાઉચર આવી ગયા હતા. પરંતુ, લાંઘણજ પોલીસ સ્ટેશનના વાઉચર મોડા પડ્યા હોવાથી બિલો મોડા જમા થતાં 10 દિવસ લાગશે.

બે માસનો અંદાજે રૂ.1.40 કરોડ પગાર બાકી
મહેસાણા જિલ્લામાં 1650ના મંજૂર મહેકમ સામે 1365 જીઆરડી જવાનો ફરજ બજાવે છે. તેમને દૈનિક રૂ.230 પ્રમાણે પગાર ચુકવાતાં દર માસે નાઈટ ડ્યુટી માટે રૂ.48 અને દિવસની ડ્યુટી માટે રૂ.22 મળી કુલ રૂ.70 પ્રમાણે પગાર ચુકવાય છે. તેથી બે માસનો કુલ પગાર રૂ.1.40 કરોડ થવા જાય છે.

અન્ય સમાચારો પણ છે...