સ્થાનિક ઉમેદવારની માગ:વિસનગર વિધાનસભા સીટ પર આપ દ્વારા સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માગ, કાર્યકરોએ રાજીનામાંની ચીમકી ઉચ્ચારી

મહેસાણા3 મહિનો પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકારણમાં દિવસેને દિવસે ગરમાવો જોવા મળી રહ્યો છે. તમામ પક્ષોએ મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે, કેટલીય જગ્યાએ ઉમેદવારના નામને લઈ ખેંચતાણ જોવા મળી રહી છે. પોતાના સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેમજ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવી તેવી અનેક જગ્યાએ જે તે પાર્ટી સમક્ષ માગ કરવામાં આવી છે. ત્યારે વિસનગર વિધાનસભા સીટ ઉપરથી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ લેખિતમાં રજૂઆત કરીને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માગ કરી છે તેમજ જો આમ કરવામાં નહી આવે તો કાર્યકર્તાઓ રાજીનામાં આપી દેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યું હતું કે, વિસનગરના સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવામાં નહીં આવે અને સંગઠન બહારના કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે તો તમામ કાર્યકર્તાઓ હોદ્દા પરથી રાજીનામાં આપશે. હાલમાં વિસનગર વિધાનસભા બેઠક પરથી ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાની વાતો વહેતી થતા હવે સ્થાનિક કાર્યકરો પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.
પાર્ટી નક્કી કરી શકતી નથી ચૂંટણી આવી છે દિવસો ઓછા છેઃ પૂર્વ તાલુકા પ્રમુખ
પૂર્વ તાલુકા પ્રમુખ હિરેન પટેલે જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી વિસનગરમાં આમ આદમી પાર્ટી તરફથી ટિકિટ કોને મળશે એ કઈ નક્કી નથી. ચૂંટણીની તૈયારીના થોડા દિવસ બાકી રહ્યા છે. ત્યારે હજુ સુધી આમ આદમી પાર્ટી કોઈ ઉમેદવાર જાહેર કરતી નથી. વિસનગરથી સેન્સ લીધા બાદ બેથી ત્રણ નામ ઉપર મોકલ્યાં હતા પરંતુ પાર્ટીનું કોઈ રિએક્શન જ નથી પ્રદેશમાંથી કાઈ કહેવામાં આવતું નથી અમે હાલ કાર્યકર્તા તરીકે ફરજ બજાવીએ છીએ. અમારી માંગ હતી કે, પ્રશાંતભાઈને ટિકિટ મળે અને ઉત્સાહથી ચૂંટણી લડીએ. જેથી સો ટકા વિસનગરની સીટ કબજે થઈ શકે જોકે, હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. વધુમાં જણાવ્યું કે, સ્થાનિકને ટીકીટ મળે તે માટે અમે તનતોડ મહેનત કરશું તેમ છતાં બહારના કોઈ વ્યક્તિને ટિકિટ આપશે તો અમે પાર્ટીને સ્પોર્ટ કરશું નહી.
લેટર તો લખ્યો પણ ઉપર પહોંચ્યો કે નથી પહોંચ્યો તેની વિગત નથીઃ સંગઠન મંત્રી
વિધાનસભા સંગઠન મંત્રી જે વિસનગર વિધાનસભા સંગઠન મજબૂત કરવાની જવાબદારી હર્ષદ ભાઈને આપાઈ છે ત્યારે કાર્યકરોના રાજીનામાં આપવાની ચર્ચાને લઇ દિવ્ય ભાસ્કરને તેઓએ જણાવ્યું હતું કે, વિસનગર બહારના કોઈ ઉમેદવારને ટીકીટ અપાશે તો રાજીનામા પડશે મામલે અમે પત્ર લખીને આપ્યો છે પણ એ કાગળ ઉપર પહોંચ્યો કે નથી પહોંચ્યો એની કોઈ માહિતી અમારી પાસે નથી એવું કહી શકાય કે લેટર ઉપર પહોંચ્યો જ નથી.
હોદ્દેદારોએ લેખિતમાં રજૂઆત કરી
લેટરમાં જણાવ્યાં પ્રમાણે વિસનગર વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટીની ટિકિટ સંગઠન બહારના વ્યક્તિને ફાળવવામાં આવે તેવી હિલચાલ ચાલી રહી હોવાનું સ્થાનિક કાર્યકરોને જાણવા મળ્યું છે તેમજ લેટરમાં જણાવ્યું છે કે, ટિકિટ વાછુંકો અને સંગઠનના હોદ્દેદારો સર્વાનુમતે ચાર નામ ઠરાવીએ છીએ તેમજ જો વિસનગર વિધાનસભા સીટ પર ચાર નામ સિવાય અન્ય કોઈને ટિકિટ ફાળવવામાં આવશે તો 13 તારીખના બપોર 1 કલાક સુધી જાહેર ન થાય તો અમે ચૂંટણી લડીશું નહી તેમજ હોદ્દા પરથી રાજીનામા આપીશું જેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
​​​​​​​વિસનગરમાં ટિકિટ માટે ચાર નામ ઉપર મોકલ્યા
વિસનગર વિધાનસભા સીટ ઉપર આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ સંગઠનના ચાર ઉમેદવારોને ટિકિટ માટે નામ જાહેર કર્યા છે જેમાં પટેલ યોગેશકુમાર, કૌશિકકુમાર પટેલ, જશવંત અને પટેલ જયંતીભાઈનું નામ આપ્યું છે. જો આ ચાર નામો સીવાય સંગઠન બહારના કોઈને ટિકિટ આપવામાં આવશે તો વિસનગરના સ્થાનિક આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો રાજીનામું આપવાના મૂડમાં પણ આવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...