મહેસાણાના દેદિયાસણ વિસ્તારમાં આવેલી નંદનવન ટાઉનશીપ અને નંદનવન સોસાયટી વચ્ચેના વર્ષોથી ચાલી આવતા રસ્તાના વિવાદમાં રહીશો મંગળવારે રાત્રે આમને સામને આવી ગયા હતા. જેને લઇ પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. જેમાં નંદનવન ટાઉનશીપ દ્વારા મુખ્ય રસ્તાનો ગેટ બંધ કરાયો હતો, જ્યારે નંદનવન સિટીના રહીશો આ ગેટથી અવરજવર કરતા હોઇ તેમણે ગેટ બંધ થતાં ગાડીઓ ગેટ આગળ રસ્તામાં મૂકી દીધી હતી. પોલીસની દરમિયાનગીરી બાદ બુધવારે સાંજે ગેટ ખુલ્યો હતો.
નંદનવન સિટીના પ્રમુખ બળદેવભાઇ પટેલે કહ્યું કે, 17 વર્ષથી અમારી સોસાયટીમાં 85 જેટલા મકાનોમાં પરિવારનો વસવાટ છે. જે-તે વખતે મૂળ ખેડૂત માલિકોને એનએ વખતે રસ્તા હક મળેલા, તે બિલ્ડર મારફતે અમને દસ્તાવેજમાં ઉલ્લેખ છે. આમ છતાં, નંદનવન ટાઉનશીપ દ્વારા તેમની સોસાયટીમાં નવો રોડ બનાવ્યો તેમાં અમારી સોસાયટી સાઇડ 10 ફૂટ બાકી હોઇ અવરજવરમાં તકલીફ પડતાં અમે જાતે ત્યાં રોડ કામ પૂર્ણ કર્યું, તો નંદનવન ટાઉનશીપ દ્વારા દરવાજો બંધ કરી દેવાયો છે. અમે પોલીસ બોલાવી હતી, બુધવારે સાંજે દરવાજો ખોલ્યો છે.
પણ અધૂરા રોડનું કામ પૂર્ણ કર્યા પછી તે જગ્યાએ કામ તાજુ હોઇ હાલ ગાડીઓ બહાર મૂકેલી છે. નંદનવન ટાઉનશીપના પ્રમુખ અનિલભાઇ પટેલે કહ્યું કે, અમારી સોસાયટીના રહીશો માટે ગેટ બંધ કરાયો છે. નંદનવન સિટી દ્વારા ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી એનએ કરાયેલ છે, તેના અમારી પાસે પુરાવા છે. અમે સરકારમાં આવેલા છે અને કોર્ટમાં કેસ ચાલે છે. નંદનવન સિટીનો પાછળની સાઇડ રસ્તો ચાલુ છે, છતાં આ યેનકેન પ્રકારે આ સોસાયટીનો ઉપયોગ કરે છે. આ વિવાદ અંગે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો તેમજ કોર્ટ કેસ ચાલે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.