અનલોકમાં મોત વધ્યાં:ઉ.ગુ.માં મોતનો આંક 100 પાર,24 દિવસમાં 57નો જીવ ગયો

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોરોનાગ્રસ્ત યુવતીની ધારપુર સિવિલમાં સિઝેરિયન ડિલિવરી, બાળકને જન્મ આપ્યો - Divya Bhaskar
કોરોનાગ્રસ્ત યુવતીની ધારપુર સિવિલમાં સિઝેરિયન ડિલિવરી, બાળકને જન્મ આપ્યો
  • લોકડાઉનના 68 દિવસમાં 26 મૃત્યુ, અનલોકના 36 દિવસમાં 81એ જીવ ગુમાવ્યો
  • સૌથી વધુ મોત મોડાસામાં 19, પાટણમાં 15, કડીમાં 9, પાલનપુર-ડીસામાં 5-5, મહેસાણામાં 3 મોત
  • લોકડાઉનમાં મૃત્યુદર 4.90 ટકા હતો, અનલોકમાં વધી 9.41 ટકા થયો, રિકવરી દર ઘટી 54.80 ટકા

ઉત્તર ગુજરાતમાં રવિવારે વધુ 52 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા, જ્યારે એક દર્દીનું મોત થયું. આ સાથે દર્દીઓનો કુલ આંક  1390 થયો. જ્યારે લોકડાઉનથી અત્યાર સુધીના 104 દિવસમાં કુલ 107 દર્દીઓ જિંદગીનો જંગ હારી ચૂક્યા છે. જેમાં સૌથી વધુ મોત મહેસાણામાં 32, પાટણ અને અરવલ્લી જિલ્લામાં 25-25, બનાસકાંઠામાં 15 અને સાબરકાંઠામાં 10 લોકોનો સમાવેશ થાય છે. ઉ.ગુ.માં કોરોના હોટસ્પોટ બનેલા મોડાસા શહેરમાં 19, પાટણ શહેરમાં 15, કડી શહેરમાં 9, પાલનપુર અને ડીસા શહેરમાં 5-5, મહેસાણા શહેરમાં 3 મોત તેમજ હિંમતનગર શહેરમાં 2 વ્યક્તિનાં મોત કોરોનામાં થયાં છે.

કોરોનાગ્રસ્ત યુવતીની ધારપુર સિવિલમાં સિઝેરિયન ડિલિવરી, બાળકને જન્મ આપ્યો
ડીસાની 35 વર્ષીય કોરોનાગ્રસ્ત સગર્ભા યુવતીની તબિયત બગડતાં ધારપુર સિવિલ હોસ્પિટલમાં  સારવાર માટે દાખલ કરાઇ હતી. રવિવારે ગાયનેક ર્ડા.નીધી અને ર્ડા. હિતેશ પટેલે કોરોના ઓપરેશન થિયેટરમાં પીપીઇ કીટ પહેરી સિઝેરિયન ડિલિવરી કરાવી હતી. યુવતીએ તંદુરસ્ત 3 કિલો વજનના બાળકને જન્મ આપ્યો હતો. બાળકના 3 દિવસ બાદ મંગળવારે કોરોનો રિપોર્ટ કરાશે.

1લી જુલાઇ મોતનો દિવસ બન્યો
ઉ.ગુ.માં 1લી જુલાઇ મોતનો દિવસ બની રહ્યો. આ દિવસે સૌથી વધુ 7 લોકોનાં મોત થયાં. ત્યાર બાદ 5 મોત 7 જૂને નોંધાયાં હતાં. 4 મોત 11 જૂન અને 28 જૂને તેમજ 3 મોત 30 મે, 1, 2, 6, 10, 13, 22, 24 અને 26 જૂને તેમજ 3 જુલાઇએ નોંધાયા. જ્યારે 2 મોત 5, 18 અને 29 મે, 9, 17, 23, 25 અને 29 જૂન તેમજ 4 જુલાઇએ નોંધાયાં હતાં.

છેલ્લા 36 દિવસમાં 455 દર્દી સાજાં થયાં
લોકડાઉન 24 માર્ચથી 31 મે સુધીમાં માત્ર 26 લોકોનાં મોત થયાં હતાં. પરંતુ અનલોક ઉ.ગુ.માટે અનલકી સાબિત થયો હોય તેમ માત્ર 36 દિવસમાં અધધ... 81 લોકોનાં મોત થયાં. તો 68 દિવસમાં 379 લોકો સાજા થયાં, જ્યારે 36 દિવસમાં 455 દર્દીઓ સાજાં થયાં હતાં. 

પ્રથમ 10 કેસ 48 દિવસમાં નોંધાયાં
ઉ.ગુ.માં પ્રથમ 10 કેસ લોકડાઉન 24 માર્ચથી 48 દિવસમાં નોંધાયાં હતાં. જેમાં પ્રથમ કેસ 15 દિવસ બાદ 7 એપ્રિલે અને 10મો કેસ  10મેએ. ત્યાર બાદ 20મો કેસ 62મા દિવસે, 30મો કેસ 71મા દિવસે, 40મો કેસ 76મા દિવસે, 50મો કેસ 80મા દિવસે, 60મો કેસ 86મા દિવસે, 70મો કેસ 92મા દિવસે, 80મો કેસ 95મા દિવસે, 90મો કેસ 99મા દિવસે અને 100મો કેસ 102 દિવસે નોંધાયો હતો. સૌથી ઝડપી 10 કેસ 26 જૂનથી 30 જૂન તેમન 1 જુલાઇથી 3 જુલાઇ વચ્ચે માત્ર 3 દિવસના ગાળામાં નોંધાયાં. જ્યારે સૌથી ઓછા 10 કેસ 7 એપ્રિલથી 10મે વચ્ચે 34 દિવસમાં નોંધાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...