મહેસાણામાં એરોડ્રામ રોડ સાઇડ કાચી કેનાલ કાઢી એરોડ્રામમાં પાકી કેનાલ કરાયા પછી બહારની સોસાયટીઓના રસ્તેથી આવતા વરસાદી પાણીનો જોઇન્ટ દૂર કરાતાં આગામી ચોમાસાને લઇ વિસ્તારના રહીશો ચિંતામાં મૂકાયા છે. વધુ વરસાદ પડે તો રાજકમલ પેટ્રોલ પંપથી સહકારનગર સાઇડની 40 જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઇ રહેવાની ભીતિ સેવાઇ રહી છે.
ત્યારે એરોડ્રામ ઓથોરિટી દીવાલમાં કેનાલ સુધી હોલ કરી વરસાદી પાણી નિકાલનો માર્ગ નહીં આપે તો આ 40 સોસાયટીને ચોમાસામાં પાણી ભરાવાની મુસીબતનો સામનો કરવો પડે તેવો ઘાટ સર્જાયો છે. આ અંગે વિસ્તારના કોર્પોરેટર અને શાસક પક્ષના નેતા કિર્તીભાઇ પટેલ દ્વારા નગરપાલિકામાં મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરાઇ હતી અને સત્વરે એરોડ્રામ ઓથોરિટી સાથે વાત કરી વરસાદી પાણીનો કેનાલમાં નિકાલ માટે માર્ગ આપવા રજૂઆત કરવા સુચન કર્યું હતું.
મહેસાણા શહેરમાં રાજકમલ પેટ્રોલ પંપથી સહકાર નગર સાઇડની નિલકંઠ, મનમોહન, પુષ્પકુંજ, વલ્લભપાર્ક, હીલનગર, ગાયત્રી, સેટેલાઇટ સહિત 40 જેટલી સોસાયટીઓથી અગાઉ ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ એરોડ્રામ કેનાલથી થતો હતો. પરંતુ આ કેનાલમાં ગટરનું પાણી આવતું હોવાની રાડ સાથે એરોડ્રામ ઓથોરિટી દ્વારા જોઇન્ટ કાપી દીવાલ કરી દેવાઇ હોઇ હવે આ સોસાયટીઓના વરસાદી પાણી નિકાલની સમસ્યા ચોમાસામાં માથુ ઉંચકી શકે છે. ચોમાસામાં વધુ વરસાદ થાય તો સોસાયટીઓના રસ્તા ડૂબમાં આવી શકે અને ઘરોમાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા છે.
જોકે, આ અંગે નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે ટૂંક સમયમાં વિસ્તારમાં સર્વે કરી પાણી નિકાલની વ્યવસ્થા અંગે ચકાસણી કરાશે અને ત્યાર પછી એરોડ્રામ ઓથોરિટીને મળી વરસાદી પાણી નિકાલ માર્ગ માટે વિનંતી કરશે. સરકારી જગ્યામાં જ કેનાલ બનાવેલી હોઇ રાજકમલ સાઇડથી વરસાદી પાણી નિકાલનો ઢાળ એરોડ્રામ થઇ કમલપથ કેનાલ, ખારી નદી જતો હોઇ પાણીનો સરળતાથી નિકાલ થઇ જાય છે.
કેનાલમાં પાણી નિકાલ માટે હોલ ખુલ્લો કરવા વાત કરીશું
આ અંગે વિસ્તારના કોર્પોરેટર અને શાસક પક્ષના નેતા કિર્તીભાઇ પટેલે કહ્યું કે, હવે ચોમાસામાં વરસાદ આવે તો 40 જેટલી સોસાયટીઓના પાણીના નિકાલમાં મુશ્કેલી સર્જાઇ શકે છે. એટલે એરોડ્રામ ઓથોરિટીને કેનાલમાં પાણી નિકાલ માટે હોલ ખુલ્લો કરવા વાતચીત કરવાના છીએ.
વરસાદી લાઇનનો કેનાલ માર્ગ હોઇ દીવાલમાંથી હોલ કરી આપે એટલે પહેલાની જેમ વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઇ શકે તેમ છે. જો સોસાયટીઓમાંથી વરસાદી પાણી નિકાલ માટે એરોડ્રામ કેનાલ માર્ગ ન આપે અને સોસાયટીઓ ડૂબમાં જાય એવી સ્થિતિ સર્જાય તો નાછૂટકે આ દીવાલ તોડીને પણ વરસાદી પાણીનો નિકાલ કરવો પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.