ધરપકડ:કડીના નાનીકડીની ખાનગી કંપનીના કર્મીના આપઘાત કેસમાં 2 સામે ગુનો

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાવલુ પોલીસે એકની ધરપકડ કરી બીજાને વોન્ટેડ જાહેર કર્યો
  • સુસાઇડ નોટમાં 2 શખ્સોની હેરાનગતિથી આપઘાત કર્યાનો ઉલ્લેખ

કડી તાલુકાના નાનીકડી નજીકની ખાનગી કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા કર્મચારીએ 3 માસ અગાઉ ઝેરી દવા પીને કરેલા આપઘાત મામલે બાવલુ પોલીસે 2 શખ્સો સામે ફરિયાદ નોંધીને એક શખ્સની ધરપકડ કરી છે. મૃતકે લખેલી સુસાઇડ નોટની એફએસએલમાં ખરાઈ કરાવતા તેના હસ્તે લખાઈ હોવાનુ સાબિત થતા પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.

વિરમગામના વણી ગામના અને કડીમાં રહેતા મહેશભાઇ હમીરભાઈ પરમાર નાનીકડી નજીક ખાનગી કંપનીમાં ૧૨ વર્ષથી ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. ગત 1 ઓક્ટોબર 2021 ના રોજ કણઝરીની સીમમા સુસાઇડ નોટ લખી ઝેરી દવા પીને તેઓએ આપઘાત કર્યો હતો. બાવલુ પોલીસે સુસાઇડ નોટ કબજે લઈ ગાંધીનગર એફએસએલમાં મોકલી હતી. જેમાં સુસાઇડ નોટ મૃતકે લખી હોવાનુ સાબિત થતા બાવલુ પોલીસે સુસાઇડ નોટના આધારે કડીના ઈરાણાના ગૌતમ શીવાભાઈ ચૌહાણ અને ગાંધીનગરના આશિષ બાબુલાલ બેન્કર સામે ગુનો નોંધીને ગૌતમ ચૌહાણની ધરપકડ કરી લીધી છે.

જ્યારે ગાંધીનગરના આશિષ બેન્કરને વોન્ટેડ જાહેર કરાયો છે. બાવલુ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ. એન. દેસાઈએ કહ્યું કે, નાની કડી નજીકની આઈઆરએમ એન્ટરપ્રાઈઝ લીમીટેડ કંપનીમાં આશિષ બેન્કર એજીએમ એચઆર અને લીગલનો હોદ્દો ધરાવતા હોવાનુ અગાઉ લેવાયેલા નિવેદનમાં લખાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...