કામ બાકી:10.50 કરોડમાં ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર ,પણ લાઇટીંગ કામ અધૂરું

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર ગુજરાતમાં સૌથી મોટુ સુવિધા સંપન્ન ક્રિક્રેટ પ્લે ગ્રાઉન્ડ કમ સ્ટેડિયમ મહેસાણા શહેરમાં તૈયાર થઇ ગયું
  • સમયમર્યાદા પૂર્ણ થયા પછી પણ હજુ રાત્રિ મેચ માટે 4 મોટા હાઇમાસ્ક લાઇટના ટાવર, સ્કોરબોર્ડ સ્ક્રિન સહિત 50 % ઇલેક્ટ્રીક કામ બાકી

ઉત્તર ગુજરાતમાં સૌથી મોટુ સુવિધા સંપન્ન ક્રિક્રેટ પ્લે ગ્રાઉન્ડ કમ સ્ટેડિયમ મહેસાણા શહેરમાં તૈયાર થઇ ગયું છે. અને હાલ ઇલેક્ટ્રિકલ કામગીરી ચાલી રહી છે. એજન્સીને આ કામગીરી એક વર્ષમાં પૂર્ણ કરવાની હતી પરંતુ સમયમર્યાદા પૂર્ણ થયા પછી પણ હજુ રાત્રિ મેચ માટે 4 મોટા હાઇમાસ્ક લાઇટના ટાવર, ક્રિકેટ સ્કોરબોર્ડ સ્ક્રિન સહિત 50 ટકા ઇલેક્ટ્રીકલ કામ બાકી રહ્યુ છે.

બીજી તરફ સત્તાધીશો દ્વારા શહેરીજનોને ક્રિકેટમાં મોટા ચાર્જ ન ચૂકવવા પડે તે માટે એજન્સી મારફતે ગ્રાઉન્ડ સંચાલનનું ટેન્ડર રદ્દ કરાયા પછી નવેસરથી પાલિકા કક્ષાએથી ગ્રાઉન્ડ સંચાલન માટેની નક્કર ફોરફ્યુલા કે નિયમો પણ હજુ સુધી તૈયાર કર્યા નથી. ત્યારે મહેસાણાના ક્રિકેટ રસીકો કેવી રીતે અને ક્યારે નવા મેદાનમાં રમશે તેવા આયોજનને આખરી ઓપ આપવાનું અધ્ધરતાલ રહ્યું છે.

મહેસાણા નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં લોન સાથે પીચ તૈયાર કરી દેવામાં આવી છે, ચોમાસામાં ઘાસ ઉગી નીકળતા હવે ઘાસ કટીંગ કરવાનું બાકી છે. મેદાન ફરતે કમ્પાઉન્ડવોલ, પેવેલીયન, ખેલાડીઓ માટેના ચેંજીગ રૂમ, સાવર રૂમ, વોશરૂમ સહિતની સુવિધાઓ સાથે રૂ. 10.50 કરોડના ખર્ચે સિવિલ વર્ક પૂર્ણ થતાં ગ્રાઉન્ડ તૈયાર થયું છે.

જ્યારે રૂ. 4 કરોડમાં એજન્સીને અપાયેલ ઇલેક્ટ્રિકલ કામગીરી અધૂરી છે. જેમાં ગાયત્રી પ્રા.લી. અમદાવાદ એજન્સીને સોપેલ આ કામગીરીની એક વર્ષની સમયમર્યાદા 15 જુલાઇએ પૂર્ણ થતાં વધુ ત્રણ મહિનનો મુદ્દત વધારો પાલિકા પાસે માગેલો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ પાલિકા હસ્તક મોટાભાગનું ક્રિકેટ સંચાલન રાખવા પાલિકાના પદાધિકારીઓ આયોજન કરવા લાગ્યા છે.

કોવિડ-સામગ્રી ભાવ વધારામાં કામ વિલંબિતનું કારણ ધર્યું
કોવિડ અને સામગ્રીના ભાવ વધારાના કારણે કામ વિલંબિત થયાનું કારણ આગળ ધરીને સમય વધારો માગ્યો હોવાનું પાલિકાના સૂત્રોએ કહ્યું હતું. જેમાં કેબલ નેટવર્ક, પેનલનું ઇલેક્ટ્રિક વર્ક થયું છે અને રાત્રી મેચ રમી શકાય તે માટે ચાર બાજુએ હાઇમાસ્ક લાઇટિંગના ટાવર ઉભા કરવામાં આવશે.

10 દિવસમાં ગ્રાઉન્ડ સંચાલન ફોર્મ્યુલા બનશે
પાલિકાની કારોબારી સમિતિના ચેરમેન કૌશિકભાઇ વ્યાસે કહ્યું કે, અગાઉ ગ્રાઉન્ડ સંચાલન માટેનું ટેન્ડર રદ્દ કરેલુ છે. હવે મોટાભાગે પાલિકા રાહે સંચાલન કરવા માટે જરૂરી નિયમો, વ્યવસ્થા તેમજ દિવસમાં કેટલો સમય એજન્સીને ટ્રેનિંગ કેમ્પ માટે ચલાવવા આપવું.

નગરપાલિકાએ ક્રિકેટ ગ્રાઉન્ડ વ્યવસ્થા સંભાળવા અંગે પ્લાનિંગ વિચારણામાં લેવાઇ રહ્યું છે અને તેના ભાગરૂપે આગામી દશ દિવસમાં અગાઉ ટેન્ડરો ભરેલા તે કોચિંગ સંચાલકોને રૂબરૂ બોલાવી બેઠક યોજી અભિપ્રાયો મેળવીને ગ્રાઉન્ડ સંચાલન પ્લાનિંગ તૈયાર કરી દેવાશે. રમત ગમત કમિટી ચેરમેન ર્ડા. મિહીરભાઇ પટેલે કહ્યું કે, મોટાભાગે ક્રિકેટ ગ્રાઉન્ડ સંચાલન પાલિકા ચલાવશે. ક્રિકેટ મેચ ફી, ટુર્નામેન્ટ ફી પાલિકા નક્કી કરશે. સિક્યુરિટી, સફાઇ, પાણી વગેરે પાલિકા રાહે થાય તેવું આયોજન રહેશે.

અન્ય સમાચારો પણ છે...