મિલન:કુટેવ ને વહેમના કારણે દંપતીનું તૂટતું ઘર નારી અદાલતની સમજાવટથી સંધાઇ ગયું

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેવટે પતિ અઢી વર્ષના પુત્ર સાથે પત્નીને રાજીખુશીથી ઘરે લઇ ગયો

જોટાણા પંથકના એક દંપતી વચ્ચે ત્રણેક મહિનાથી કુટેવ અને શકના કારણે થતાં ઝઘડામાં પતિએ બાળક સાથે પત્નીને પિયર મોકલી દીધી હતી. બાદમાં પત્નીએ જોટાણા નારી અદાલતમાં પતિના ત્રાસ અંગે કેસ કર્યો હતો. જેમાં બંને પક્ષકારોને બોલાવી કાઉન્સેલિંગ કરતાં દંપતીનું તૂટતું ઘર બચી ગયું અને રાજીખુશીથી પતિ તેની પત્ની અને અઢી વર્ષના દીકરાને લઇ ઘરે ગયો હતો.

જોટાણા નારી અદાલતનાં કો-ઓર્ડિનેટર જીનલબેન પ્રજાપતિએ કહ્યું કે, એક પરિવારમાં પતિ પત્નીને લગ્ન જીવનમાં અઢી વર્ષનો દીકરો છે. પતિને કુટેવ અને ઘરે મોડા આવતા હોઇ વહેમમાં બંને વચ્ચે ત્રણેક મહિનાથી ઝઘડા થતાં હતા. જેમાં પતિએ દીકરા સાથે પત્નીને તેના પિયર મોકલી દીધી હતી.

જેના એકાદ મહિના પછી આ મહિલાએ નારી અદાલતમાં પતિ ત્રાસ આપતા હોવા અંગે કેસ નોંધાવ્યો હતો. બંને પક્ષકારોને બોલાવી કાઉન્સેલિંગ શરૂ કર્યું, પરંતુ સામાપક્ષ વાળા મહિલાને લઇ જવા તૈયાર નહોતા. ત્યાર પછી ભરણપોષણ માટેની અરજી લીધી હતી. જેમાં એક તબક્કે પતિ ભરણપોષણ આપવા તૈયાર થયો હતો.

જોકે, મહિલાને બાળક ઉછેર સાથે ભરણપોષણમાં ચલાવવું મુશ્કેલ બની રહેશે તેમ કહેતાં હતાં. આ દરમિયાન નારી અદાલતની બહેનોએ ઝઘડાના મૂળમાં બે બેઠકો કરી ભાઇને કુટેવ છોડવા અને મહિલાને ખોટા શક વહેમ ન રાખવા સમજાવ્યા હતા. આખરે આ કવાયત રંગ લાવી અને પતિ તેના દીકરા સાથે પત્નીને લઇ જવા તૈયાર થયો હતો. નારી અદાલતના પ્રયાસોથી એક પરિવાર વીખેરાતો બચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...