આરોગ્ય મંત્રીનો આ દાવો કેટલો સાચો...?:કોરોનાની ત્રીજી લહેર દેખાઈ રહી છે પણ સરકારી કાર્યક્રમોમાં કોરોના ગાઇડ લાઇનનું પાલન થાય છે જ : આરોગ્ય મંત્રી

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા સિવિલમાં ઋષિકેશ પટેલના હસ્તે જુવેનાઈલ ડાયાબિટીસ ક્લિનિકનો પ્રારંભ

એકતરફ નાગરિકોને કોવિડની માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ અને બીજી તરફ સરકારી કાર્યક્રમોમાં કોવિડનાં નિયમોનો ભંગ અંગે પ્રશ્ન કરતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, મીડિયામાં જે ફોટા દેખાડતા હોય છે તે ફોટોગ્રાફી પૂરતો જ માસ્ક કઢાવ્યો હોય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેઈન કરીને જ સરકાર કાર્યક્રમો કરતી હોય છે. આ તસવીર મહેસાણા સિવિલમાં જુવેનાઈલ ડાયાબિટીસ ક્લિનિકના પ્રારંભ સમયની છે. જ્યાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની હાજરીમાં ભીડ સ્પષ્ટ જોઇ શકાય છે. અહીં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જળવાતું દેખાતું નથી.

વડાપ્રધાને આપેલી શિખામણનું પાલન કરવા નાગરિકોને અપીલ
કહેતા ભી દિવાના અને સુનતા ભી દિવાના... કહેવતની જેમ રાજ્યની સરકાર વર્તી રહી હોય તેમ લાગી રહ્યું છે. મહેસાણામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરી નાગરિકોને કોવિડના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. પરંતુ, તેમની ઉપસ્થિતિમાં જ ટાઉનહોલમાં યોજાયેલા જુવેનાઈલ ડાયાબિટીસ ક્લિનિકના શુભારંભ કાર્યક્રમમાં સામાજિક અંતર સહિતની માર્ગદર્શિકાનો કાર્યક્રમમાં ભંગ થતો જોવા મળ્યો હતો.

જુવેનાઈલ ડાયાબિટીસ ક્લિનિકનો શુભારંભ કરાવતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ત્રીજી મહામારી કદાચ દેખા દઈ રહી છે, આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. તમારો પરિવાર, મહોલ્લો, ગામ બચાવવું હશે તો વડાપ્રધાને કરેલી અપીલ મુજબ સામાજિક અંતર જાળવીને માસ્ક પહેરવું જોઈએ. હાથ ધોવા જોઈએ. તેમણે ઉમેર્યુ કે, બીજી લહેર બાદ લગ્ન સમારંભો, બેસણાં, સ્મશાનમાં મોટાપાયે ચાલુ કર્યું છે. તેના કારણે સંક્રમણ ફેલાવાનો ડર સતત રહ્યા કરે છે. રાજ્યમાં 1 કરોડ લોકોને રસીકરણ બાકી છે.

15 થી 18 વર્ષના કિશોર અને 2 થી 15 વર્ષના બાળકોને તેમજ બુસ્ટર ડોઝની તૈયારી શરૂ કરી દીધી છે. ન કરે નારાયણ અને તીવ્રતામાં વધારો થાય તો રાજ્ય સરકારે દવા, બેડ અને ઓક્સિજન સહિતની પૂરતી માત્રામાં વ્યવસ્થા કરી છે. કાર્યક્રમમાં સાંસદ શારદાબેન પટેલ, ધારાસભ્ય રમણલાલ પટેલ, કલેક્ટર ઉદિત અગ્રવાલ, ડીડીઓ ઓમપ્રકાશ, આરોગ્ય અધિકારી તેમજ આરોગ્યની વિવિધ યોજનાના લાભાર્થીઓ હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...