કોરોના સરકારી કચેરીઓમાં:એન્ટીજન ટેસ્ટમાં 66 સરકારી કર્મચારીઓને કોરોના

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરજદારોના સંપર્કમાં આવતા દરેક કર્મચારીઓનો કોરોના ટેસ્ટ થશે, હાલ રોજ 50 કર્મીઓના ટેસ્ટ કરાય છે
  • જિલ્લામાં અત્યાર સુધીમાં બેન્ક, મામલતદાર, તાલુકા પંચાયત, પોલીસ અને પોસ્ટઓફિસના 1353 કર્મીઓનો ટેસ્ટ કરાયો

સતત અરજદારોના સંપર્કમાં રહેતા સરકારી કર્મચારીઓને હવે કોરોનાનું સેમ્પલ આપવું ફરજિયાત બન્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં બેંક, મામલતદાર, તાલુકા પંચાયત, પોલીસ અને પોસ્ટ ઓફિસમાં કામ કરતા 1353 પોલીસ કર્મીઓના ટેસ્ટ કરાયાં છે. જેમાં 66 કર્મીઓ પોઝિટિવ આવતાં સંક્રમણ અટકાવવા તમામને આઇસોલેટ કરાયા છે. મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું કે, સરકાર તરફથી ટેસ્ટીંગ વધારવા મળેલી સૂચના અંતર્ગત અરજદારો થકી કર્મચારીઓ સંક્રમિત બનવાની શક્યતા હોઇ દરેકના સેમ્પલ લેવાશે.

આરોગ્ય વિભાગ દ્વારા સરકારી કચેરીઓમાં તબક્કા વાર રોજ 50 કર્મચારીઓનો એન્ટીજન ટેસ્ટ થઇ રહ્યો છે. 763 બેંક કર્મીના સેમ્પલ લેવાયાં હતાં, જેમાં સૌથી વધુ 43 કર્મીઓ સંક્રમિત બન્યા છે. જ્યારે જિલ્લાની 9 મામલતદાર કચેરીઓમાં 303 સેમ્પલ પૈકી 7 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. તાલુકા પંચાયતોમાં 132 પૈકી 3, પોલીસ વિભાગમાં 62 પૈકી 10 પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. જ્યારે પોસ્ટ ઓફિસોમાં 93 કર્મચારીઓનાં સેમ્પલ લેવાયાં હતાં, જે પૈકી 3નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હજુ જિલ્લાની અનેક કચેરીઓમાં સેમ્પલિંગનું કામ બાકી છે, ત્યારે વડનગર, ઊંઝામાં હવે પછી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાશે. એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ માત્ર આઇસોલેટ, પોર્ટલ પર ચઢતા નથી વધુમાં વધુ સંક્રમિતોને શોધવા તંત્રએ એન્ટીજન ટેસ્ટની માત્રા વધારી છે, પરંતુ તેમાં જે પોઝિટિવ આવે તેને સરકારના પોર્ટલ પર ચઢાવાતા નથી. માત્ર તેને આઇસોલેટ કરી મેડિકલ સારવાર અપાય છે. જ્યારે આરટીપીસીઆર ટેસ્ટમાં જે પોઝિટિવ આવે તે જ કેસોને પોર્ટલ પર ચઢાવાતાં હોઇ કેસોની સંખ્યા તંત્રના ચોપડે ઓછી જણાઇ રહી છે.

ટેસ્ટ પહેલાં રિપોર્ટને લઇ કર્મીઓમાં ફફડાટ
મહેસાણા મામલતદાર કચેરીમાં સેમ્પલિંગ દરમિયાન પરસેવે રેબઝેબ ક્લાર્કને પૂછ્યું કે ડર લાગે છે. તો જવાબ આપ્યો કે, પોઝિટિવ રિપોર્ટ આવશે તો તે વિચારથી જ ધ્રૂજી ઊઠ્યો છું. 14 દિવસ સુધી મારી સાથે મારો પરિવાર પણ ક્વોરન્ટાઇન થાય અને આડોશી પાડોશીઓનું સાંભળવાનું જુદું. જ્યારે અન્ય એક કર્મચારીએ કહ્યું કે, સંક્રમિત અરજદારો અમને ચેપ લગાવી બિન્દાસ્ત ફરી રહ્યા છે અને ભોગવવું અમારે પડે છે.

કોરોનાથી બચવા અવનવા કિમિયા | કોઇએ પાટલીઓ ગોઠવી તો કોઇ ઘેરથી પાણી લઇને આવે છે
{ મહેસાણા બહુમાળી ભવનની તમામ ઓફિસોમાં પ્રવેશદ્વાર પાસે ખુરશી, લાકડાની પાટલી મૂકીને આડશ ઉભી કરાઇ છે.
{ અરજદારને ઓફિસ બહાર જ ઉભો રાખી પટાવાળા મારફતે કાગળ લેવાય છે અને દૂરથી જ સમસ્યા સાંભળવામાં આવે છે.
{ મોટાભાગના કર્મચારીઓ ઘરેથી જ પાણી લઇને આવે છે.
{ બહુમાળી ભવનમાં 5 બ્લોકમાં એકબીજાની લોબીમાં જવા માટેના તમામ રસ્તા એટલે કે શોર્ટકટ બંધ કરી દેવાયા છે.
{ અરજદારને પેન ના આપવી પડે તે માટે ટેબલ પાસે દોરીથી પેન બાંધીને લટકાવી દેવાય છે.
{ મહેસાણા મામલતદાર કચેરીમાં બે પૈકી એક દરવાજો બંધ.

આંકડો પોર્ટલ પરનો | ડૉ કટર, નર્સ સહિત 42 આરોગ્ય કર્મચારીઓ કોરોના સંક્રમિત બની ચૂક્યા છે
મહેસાણા જિલ્લામાં સતત આરોગ્યલક્ષી કામગીરી કરતો મેડિકલ સ્ટાફ સૌથી વધુ કોરોના સંક્રમિત બન્યો છે. અત્યાર સુધીમાં 42 જેટલા ર્ડોકટર, નર્સ સહિતના મેડિકલ સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 7 પોલીસકર્મીઓ અને 14 જેટલા પોલીસે અટકાયત કરીને રિપોર્ટ કરાવેલા આરોપીઓ સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, આ આંકડો માત્ર આરોગ્ય વિભાગના પોર્ટલ ઉપર ચઢેલા સ્ટાફનો છે, બાકી ઘણા કર્મચારીઓ ઓફ ધ રેકોર્ડ સંક્રમિત થઇ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...