કોર્ટનો નિર્ણય:વડનગર પંથકની સગીરા સાથેના દુષ્કર્મ કેસમાં દોષિતને 20 વર્ષ કેદ

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા સ્પે.પોક્સો કોર્ટે આરોપીને રૂ.6 હજાર દંડ ફટકાર્યો
  • અઢી વર્ષ અગાઉ જાસ્કાનો​​​​​​​ યુવક સગીરાને ભગાડી ગયો હતો

વડનગર પંથકના એક ગામની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ કરવાના કેસમાં મહેસાણાની સ્પે. પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષ કેદની સજા અને રૂ.6 હજારનો દંડ ફટકાર્યો હતો. વડનગર તાલુકાના એક ગામની સગીરાને ગત તા.21 મે, 2019ના રોજ જાસ્કા ગામનો ઠાકોર જલાજી ઉર્ફે જયેશજી રમેશજી લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેથી સગીરાના પિતાએ જલાજી ઠાકોર સામે વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી તા.25 મે, 2019ના રોજ ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

આ કેસ મહેસાણાની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સી.બી. ચૌધરીની દલીલો ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ પી.એસ. સૈનીએ આરોપી જલાજી ઉર્ફે જયેશજી રમેશજી ઠાકોરને 20 વર્ષ કેદની સજા અને રૂ.6 હજારનો દંડ ફટકાર્યો હતો.

સગીરા 16 વર્ષથી નાની હોઇ બમણી સજા થઈ
સામાન્ય રીતે દુષ્કર્મના કેસમાં કલમ 376 હેઠળ આરોપીને 10 વર્ષ કેદની સજાની જોગવાઈ છે. પરંતુ, સરકારે વર્ષ 2019માં સુધારો કરી 16 વર્ષથી નાની વયની સગીરાના દુષ્કર્મના કેસમાં કલમ 376 (3) ઉમેરી તેમાં 20 વર્ષ કેદની સજાની જોગવાઈ કરી છે. વડનગરના કિસ્સામાં સગીરાનું અપહરણ થયું ત્યારે ઉંમર 15 વર્ષ 11 માસ અને 20 દિવસની હતી. તેથી સ્પે. પોક્સો કોર્ટે આરોપીને કલમ 376 (3) હેઠળ બમણી સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...