મહેસાણા નગરપાલિકા દ્વારા સ્વમિંગ પુલ સહિત સુવિધા સાથેના રૂ. 6.65 કરોડના ખર્ચે ખુલ્લા મૂકાયેલ અટલ સ્પોર્ટસ સેન્ટરની તકતીમાં શહેર- જિલ્લા ભાજપ પ્રમુખના નામનો વિવાદ સર્જાયો છે. અટલ સ્પોર્ટસ સેન્ટર તેમજ આસ્થા વિહારથી કમળપથ કેનાલ ઉપર રોડના નિમંત્રણ કાર્ડ, હોર્ડિગ્સ અને તક્તીમાં ભાજપ પ્રમુખના નામ અને હોદ્દા લખીને પાલિકાના ખર્ચે રાજકિય પાર્ટીનો પ્રચાર, પ્રસાર કરવાનો પ્રયત્ન કરાયો હોઇ તાત્કાલિક તક્તીઓ દૂર કરવી અને લોકાર્પણ ખર્ચ નગરપાલિકામાંથી નહીં ચૂકવવા વિપક્ષના નેતા કમલેશ સુતરીયા સહિત તમામ સાતે કોંગી નગરસેવકોએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.
ભાજપે કોંગ્રેસને આયનો બતાવ્યો
કારોબારી ચેરમેન કૌશિક વ્યાસે કહ્યું કે, પાલિકામાં કોગ્રેસની બોડી વખતે તોરણવાળી ચોકમાં મહેસાજી ચાવડાની પ્રતિમા લગાવાઇ ત્યારે તક્તીમાં તે વખતના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી હિમાંશુ પટેલનું નામ લખેલું છે. જે વિરોધ કરે તે પહેલાં તોરણવાળી પ્રતિમાએ નામો દેખી આવે. કાર્યક્રમમાં કયા મહેમાનો બોલાવવા એ પાલિકા પ્રમુખનો અધિકાર છે. કોંગ્રેસ માત્ર પ્રસિદ્ધિ માટે ખોટા વિરોધ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.