બહુચરાજીના શક્તિધામ આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ખોટી સહીઓ કરીનેજમીન વેચવાના કાવતરામાં ટ્રસ્ટના જ બે પિતા-પુત્ર ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતાં ચકચાર મચી છે.પોલીસ સૂત્રો મુજબ, બહુચરાજી ખાતે શંખલપુર રોડ પર આવેલા શક્તિધામ આશ્રમની જમીન સંત કંકુબેન દ્વારા બક્ષીસ કરાઇ હતી. જે પૈકીની એક વીઘા જેટલી જમીન વેચાણ કરવા ટ્રસ્ટી એવા શંખલપુર ગામના પટેલ દયાળજી અમથાભાઈ દ્વારા જોઈન્ટ ચેરિટી કમિશનરની કચેરી મહેસાણાની મંજૂરી મેળવવા અરજી કરાઇ હતી.
બાદમાં આશ્રમના સંત કંકુબેન અને ટ્રસ્ટી જેસંગભાઈ કટારિયા દ્વારા ચેરિટી કમિશનરની કચેરીમાં રજૂ કરાયેલી અરજી અને પુરશીસની નકલ મેળવીને જોતાં ખબર પડી હતી કે શક્તિધામ આશ્રમના બે ટ્રસ્ટીઓ પટેલ દયાળજી અમથાભાઈ અને તેમના પુત્ર અનિલ દયાળજીભાઈએ કચેરીમાં 29-9- 2021નો રજૂ કરેલ ઠરાવમાં સંત કંકુબેન સહિતના અન્ય ચાર ટ્રસ્ટીઓ હાજર ન હોઇ અને સહીઓ ન કરી હોવા છતાં તેમની ખોટી સહીઓ કરી હોવાનું બહાર આવ્યું હતું.
આથી, શક્તિધામ આશ્રમના જ ટ્રસ્ટીઓની ખોટી સહીઓ કરી આશ્રમની જમીન વેચવાના કાવતરા મામલે ટ્રસ્ટી કુંવારદના જેસંગભાઈ કટારીયા દ્વારા બહુચરાજી પોલીસ મથકે દયાળજી અમથાભાઈ પટેલ અને અનિલ દયાળજીભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચાર ટ્રસ્ટીઓની ખોટી સહીઓ કરાઇ હતી
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ચેરિટી કમિશનર ખાતે રજૂ કરાયેલા ઠરાવમાં શક્તિધામ આશ્રમના નવ ટ્રસ્ટીઓ પૈકી સંત કંકુબેન, જેસંગભાઈ કટારીયા, સગર નારણભાઈ રામાભાઇ, કટારિયા રતિલાલ બબાભાઈ સહિત ચાર ટ્રસ્ટીઓની ખોટી સહીઓ કરાઇ હોવાનું બહાર આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.