તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્તજારનો અંત...:સિટીબસ શરૂ થતાં કોંગ્રેસેય અભિનંદન આપ્યા: નીતિનભાઇ

મહેસાણા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
મહિલા સશક્તિકરણ : મહિલાઓને મફત મુસાફરી અને તમામ 16 કંડક્ટર મહિલાઓ - Divya Bhaskar
મહિલા સશક્તિકરણ : મહિલાઓને મફત મુસાફરી અને તમામ 16 કંડક્ટર મહિલાઓ
 • મહેસાણા શહેરમાં 8 રૂટો ઉપર અપાયેલાં 60 સ્ટોપેજથી મુસાફરોને સિટીબસ મળી રહેશે
 • જૂની સિવિલના નવિનીકરણ માટે રૂ. 85 કરોડની ગ્રાન્ટ મંજૂર, ઓક્સિજન પ્લાન્ટનું ટૂંકમાં લોકાર્પણ કરાશે : નાયબ મુખ્યમંત્રી

મહેસાણા શહેરમાં કેસરી રંગથી રંગાયેલી નવી 8 સિટીબસ સેવાનો રવિવારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, સિટીબસ સેવા ચાલુ કરવી મોટી વાત નથી પણ મહિલાઓ અને દિવ્યાંગોને મફત મુસાફરી સાથે સેવા આપનાર આ પ્રથમ નગરપાલિકા છે. ત્યારે બહેનો ઘરે નહીં રહે, ભાઇઓની ચિંતા વધશે એમ કહી ઉપસ્થિત શહેરીજનોમાં હળવું હાસ્ય રેલાયું હતું અને નારીશક્તિ માટે આ નવતર વ્યવસ્થા બદલ નગરપાલિકા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, ગઇકાલે મહેસાણાના કોંગ્રેસના એક આગેવાનનો ફોન આવેલ અને અભિનંદન આપ્યા હતા. ભલે રાજકીય રીતે તેમને વિરોધ કરવો પડે પણ ભાજપ, કોંગ્રેસ, આખા શહેરના બધાને આનંદ છે. તેમણે શહેરમાં 5 મહિનામાં જ ભાજપ બોડીની નગરપાલિકાએ કરેલા વિકાસ કામોને બિરદાવી શહેરમાં તાજેતરમાં થયેલા નવિન રોડ, નર્મદા પાણીના અમૃત પ્રોજેક્ટ, મોઢેરા અંડરપાસ સહિતના વિકાસકામોથી શહેરીજનોને અવગત કર્યા હતા.

મહેસાણા શહેરનો ટ્રાફિકનો પ્રશ્ન નિવારવા રૂ. 85 કરોડના ખર્ચે તૈયાર થયેલ રાધનપુર રોડ ગંદાનાળાથી દેદિયાસણ સુધી અઢી કિમીના ટુલેન રોડનું તા.12મીએ લોકાર્પણ થનાર છે, જે રાજ્યમાં ન ભૂતો ન ભવિષ્યતિ બની રહેશે. મહેસાણામાં ફક્ત રસ્તા સિવાય કોઇ કપાત કે રિઝર્વેશન વગર ડીપી મંજૂર કરાયો છે. પરા, નાગલપુર વગેરેમાં જમીન આવતી હતી પણ ખેડૂતોની જમીન ન લેતાં ખેડૂતોને ફાયદો થયો હોવાનું જણાવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ અને પાલિકા પ્રમુખ વર્ષાબેન પટલે શહેરમાં કરાયેલા વિકાસ કામો જણાવ્યા હતા.

સરકાર દ્વારા પાલિકાને ભૂગર્ભ ગટરમાં સફાઇ માટે અપાયેલ રૂ. 45 લાખના રોબોટીક મશીનનું લોકાર્પણ કરી 8 રૂટમાં સિટીબસનું પ્રસ્થાન કરાવ્યું હતું. તોરણવાળી ચોકથી બ્રહ્માણી માતા, ભમ્મરીયા નાળા, ટહુકો પાર્ટીપ્લોટ, દ્વારકાપુરી ફ્લેટ, રાધનપુર ચોકડી સુધી નીતિનભાઇએ સિટીબસમાં મુસાફરી કરી હતી, આ સ્ટેન્ડોએ સ્વાગત કરાયું હતું.

કાર્યક્રમમાં સાંસદ શારદાબેન પટેલ, નટુજી ઠાકોર, ખોડાભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ, ઉપપ્રમુખ કાનજીભાઇ દેસાઇ, કારોબારી ચેરમેન કૌશિક વ્યાસ, ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન પ્રહલાદભાઇ પટેલ, દિપક પટેલ, દેવેશ પટેલ, સંજય બ્રહ્મભટ્ટ, રાજબા દરબાર સહિત નગરપાલિકાના સદસ્યો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સિટીબસ સાથે...

 • 8 રૂટમાં 60 બસ સ્ટોપેજ
 • સિટીબસમાં 34 સીટ
 • લઘુત્તમ રૂ.5, મહત્તમ રૂ.10 ભાડુ
 • મહિલાઓ અને દિવ્યાંગો માટે ફ્રી
 • સવારે 6 થી રાત્રે 10 સુધી ચાલશે
 • શહેરમાં 8 બસ રોજ 1200 કિમી ફરશે
 • મોબાઇલ એપથી રૂટ-સમય જાણી શકાશે
 • સિટી બસમાં સીસીટીવી કેમેરા, એલઇડી
 • છાત્રો અને સિનિયર સિટીઝન્સ માટે પાસ
 • બે શિફ્ટમાં 16-16 ડ્રાઇવર-કંડક્ટર
 • તમામ 16 મહિલા કંડક્ટર

શહેરના વિકાસકામો|ભૂગર્ભ ગટર લાઇનના રૂ.120 કરોડના પ્રોજેક્ટ

 • જૂની સિવિલના નવિનીકરણ માટે રૂ. 85 કરોડ ગ્રાન્ટ મંજૂર
 • સિવિલમાં તૈયાર ઓક્સિજન પ્લાન્ટનું ટૂંકમાં લોકાર્પણ કરાશે
 • રૂ.85 કરોડમાં રાધનપુર રોડ નાળાથી અવસર પાર્ટીપ્લોટ આરસીસી રોડ
 • મોઢેરા ચોકડી ટ્રાફિક સમસ્યા હલ કરવા રૂ.100 કરોડમાં અંડરપાસનું કામ ચાલુ
 • માનવઆશ્રમ સહિત વિસ્તારને નર્મદાના પાણી માટે 45 કરોડનો અમૃત પ્રોજેક્ટમાં કામ ચાલુ
 • અટલ સ્ટ્રીટલાઇટ યોજનામાં સોસાયટીઓને સ્ટ્રીટલાઇટ બિલમાંથી મુક્તિ
 • લોકભાગીદારીથી સોસાયટીઓમાં સીસીટીવી કેમેરાની યોજના
 • સીસી રોડ અને પીવાના પાણીની પાઇપલાઇનના અંદાજે રૂ. 35 કરોડનાં કામો
 • ભૂગર્ભ ગટરલાઇનના રૂ.120 કરોડના પ્રોજેક્ટ
 • વરસાદી વહેળાના રૂ.75 કરોડના પ્રોજેક્ટ
અન્ય સમાચારો પણ છે...