વડોસણ જૂથઅથડામણ કેસ:કોંગ્રેસી અમૃતજી ઉર્ફે ભોપાજી ઠાકોરની ધરપકડ; ગામમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો, બંને પક્ષે 5 ઘાયલ, 12 સામે ફરિયાદ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોસણ ગામના ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. - Divya Bhaskar
વડોસણ ગામના ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.
  • જિ. પં.ના ઉપપ્રમુખ અંબાલાલ ઠાકોર અને અમૃતજી ઠાકોરના માણસો વચ્ચે અથડામણ થઈ હતી
  • વાડામાં તાર ફેન્સિંગ મામલે ભાજપ-કોંગ્રેસી અગ્રણીઓનાં બંને જુથ વચ્ચે ધારિયા-લાકડીથી અથડામણ

મહેસાણા તાલુકાના વડોસણમાં વાડામાં તારનું ફેન્સિંગ કરવા બાબતે મહેસાણા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અંબાલાલ ઠાકોર અને કોંગ્રેસ અગ્રણી અમૃતજી ઉર્ફે ભોપાજી ઠાકોરના માણસો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન બંને પક્ષોના 5 લોકો ઈજાગ્રસ્ત થતાં સિવિલમાં ખસેડાયા હતા. તાલુકા પોલીસે બંને પક્ષોના 12 લોકો સામે ગુનો નોંધીને કોંગ્રેસ અગ્રણી અમૃતજી ઉર્ફે ભોપાજીની ધરપકડ કરી હતી.

વડોસણ ગામમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અંબાલાલ ઠાકોરનો પુત્ર જિતેન્દ્ર વાડામાં તાર ફેન્સિંગ કરતો હતો, એ દરમિયાન ગામના અમૃતજી ઉર્ફે ભોપાજી ઠાકોર અને તેમના માણસો સાથે બોલાચાલી થતાં બંને જૂથના લોકો વચ્ચે લાકડી અને ધારિયા વડે મારામારી થઈ હતી. મારામારી દરમિયાન મહેશ ઉર્ફે ટીનાજી ભીખાજી ઠાકોર વચ્ચે પડતાં તેમને તથા દશરથજી ઠાકોરને માથામાં ધારિયુ વાગ્યું હતું. 108 દ્વારા સિવિલમાં ખસેડાયા હતા. મહેશ ઉર્ફે ટીનાજી ઠાકોરે અમૃતજી ઉર્ફે ભોપાજી ઠાકોર, તેમના પુત્ર આકાશ ઠાકોર સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામાપક્ષે વિષ્ણુ ગગાજી ઠાકોરે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અંબાલાલ ઠાકોર, તેમના પુત્ર જિતેન્દ્ર ઠાકોર સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. વિષ્ણુ ઠાકોરે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે અંબાલાલ ઠાકોર, તેમનો પુત્ર જિતેન્દ્ર સહિતના 6 લોકો તાર ફેન્સિંગ કરતા હતા એ જમીન ગ્રામપંચાયતની હતી અને એ જગ્યા ઉપર ફૂલછોડ વાવેલા હોવાથી ફેન્સિંગ કરવાની ના પાડતા અંબાલાલ ઠાકોરે આ જગ્યા અમારી છે તેમ કહીને બોલાચાલી કરી હતી.

ત્યાર બાદ લાકડી અને ધારિયા વડે હુમલો કરાતાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આમ, વાડામાં તાર ફેન્સિંગ બાબતે બંને જૂથના માણસો વચ્ચે મારામારી થતાં તાલુકા પોલીસે બંને પક્ષોના 6-6 મળીને કુલ 12 લોકો સામે ગુનો નોંધ્યો હતો. વડોસણના બંને રાજકીય અગ્રણીઓ અને તેમના દીકરા સામે ફરિયાદ નોંધીને કોંગ્રેસ અગ્રણી અમૃતજી ઉર્ફે ભોપાજી ઠાકોરની ધરપકડ કરાતાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

વિષ્ણુજી ઠાકોર ફરિયાદના આરોપી
1.ઠાકોર અંબાલાલ કુંવરજી
2.ઠાકોર જિતેન્દ્ર અંબાલાલ
3.ઠાકોર દશરથ હરચંદજી
4.ઠાકોર મહેશ ઉર્ફે ટીનાજી ભીખાજી
5.ઠાકોર પ્રવીણ સોમાજી
6.ઠાકોર કાંતિજી ધુળાજી

મહેશ ઠાકોરની ફરિયાદના આરોપી
1.ઠાકોર અમૃતજી ઉર્ફે ભોપાજી બાબુજી
2.ઠાકોર બનાજી ગલાબજી
3.ઠાકોર અરવિંદ બનાજી
4.ઠાકોર કરણ કીર્તિજી
5.ઠાકોર વિનુજી ગગાજી
6.ઠાકોર આકાશ અમૃતજી ઉર્ફે ભોપાજી