કોંગ્રેસની બહુમતી:સતલાસણા તાલુકા પંચાયતની રાણપુર બેઠક કોંગ્રેસે જાળવી રાખી

મહેસાણા, સતલાસણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના કનુ બારોટ ભાજપના શામજી ચૌધરી સામે 175 મતે જીત્યા
  • કોંગ્રેસને 1537 મત, ભાજપને 1362 મત અને આપને 159 મત મળ્યા

સતલાસણા તાલુકા પંચાયતની રાણપુર બેઠક કોંગ્રેસે જાળવી રાખી છે. કોંગ્રેસના કનુ બારોટે ભાજપના શામજી ચૌધરીને 175 મતે હરાવ્યા હતા. ગત માર્ચમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનાં રેવાબા જોરાવરસિંહ પરમાર વિજેતા થયાં હતાં, જેમનું કોરોનાથી અવસાન થતાં ખાલી પડેલી બેઠક માટે આ પેટાચૂંટણી યોજાઇ હતી.

ભાજપ શાસિત સતલાસણા તાલુકા પંચાયતની રાણપુર બેઠકની પેટાચૂંટણીમાં મંગળવારે યોજાયેલી મત ગણતરીમાં કોંગ્રેસના કનુભાઈ ચીમનભાઈ બારોટને 1537 મત, ભાજપના શામજીભાઈ નાથુભાઈ ચૌધરીને 1362 મત અને આપના ગણેશભાઈ મોહનભાઈ પરમારને 159 મત મળ્યા હતા. તેથી કોંગ્રેસના કનુ બારોટને 175 મતે વિજેતા જાહેર કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે, ગત માર્ચમાં યોજાયેલી સતલાસણા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ 16 બેઠકો પૈકી કોંગ્રેસને 8, ભાજપને 7 અને અપક્ષને 1 બેઠક મળી હતી અને કોંગ્રેસ સત્તા રચે તેવું ચિત્ર બન્યું હતું. જોકે, તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની છેલ્લી ઘડીએ દૂધ મંડળીના વર્ષ 2013ના ઉચાપતના કેસમાં કોંગી સદસ્ય વસંતભાઇ જોશીને પોલીસે ઉઠાવી લેતાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા હતા. જેને પગલે કોંગ્રેસના ઉમેદવારે હાઈકોર્ટમાં કરેલી જાહેરહિતની અરજીની સુનાવણી પૂર્ણ થતાં આ કેસ ચુકાદા ઉપર છે. ત્યારે કોંગ્રેસે રાણપુરની બેઠક જાળવી રાખતાં સતલાસણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી જળવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...