દેવેન્દ્ર તારકસ
લાંબી રાહ અને બળવાના એંધાણને લઇ કોંગ્રેસે આખરે બુધવારે ઉત્તર ગુજરાતના ઉમેદવારોની છેલ્લી યાદી જાહેર કરી દીધી. બેચરાજી અને બાયડ બેઠકના ચાલુ ધારાસભ્યને કાપી કોંગ્રેસે મોટો દાવ રમ્યો છે. પાલનપુર અને દિયોદરમાં કોંગ્રેસ સિટિંગ ધારાસભ્યની ટિકિટ કાપવાનું જોખમ ન લઇ શકી. કાંકરેજ માં ઉગ્ર વિરોધ છતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના ભાઈને ટિકિટ અપાઈ છે. ભિલોડા બેઠક પર અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુ પારધીને તક મળી છે.
મહેસાણા જિલ્લાની ચારે બેઠકો પર કોંગ્રેસે ભાજપના ઉમેદવારને જોઈ જ્ઞાતિવાદને સામે રાખીને જ ઉમેદવાર ઉતાર્યા છે. વિસનગરમાં ભાન્ડુના અને હાલ અમદાવાદ રહેતા કિરીટ પટેલને ટિકિટ આપી છે. 1995માં ભાજપમાંથી જીત્યા પછી રાજપા, 1999માં અપક્ષ, 2002માં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા કિરીટ પટેલ 2014માં ગાંધીનગરમાં અડવાણી સામે લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. મહેસાણામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો વિરોધ કરનારા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પી.કે. પટેલને ટિકિટ આપી કોંગ્રેસે નવું ગતકડું કર્યું છે.
ઊંઝામાં અરવિંદભાઈ પટેલનું નામ અચંબામાં નાખે એવું છે. બેચરાજીમાં આખરે ભરતજી ઠાકોરને કાપી કોંગ્રેસે તેમને ઘરે બેસાડી દીધા છે. જૂના જોગી ભોપાજી ઠાકોર ભાજપના સુખાજી ઠાકોર સામે ટક્કર લેશે. બનાસકાંઠામાં મહેશ પટેલ અને શિવા ભૂરિયાની ટિકિટ કાપવાની હિંમત કોંગ્રેસ નહીં કરી શકી. કાંકરેજમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાઈને ટિકિટ આપવાથી કોંગ્રેસ ફસાઈ ગઈ છે.
સાબરકાંઠાના પ્રાંતિજમાં મજબૂત ઉમેદવારની શોધમાં થાકેલી કોંગ્રેસે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ બહેચરસિંહ રાઠોડ પર પસંદગી ઉતારી છે. બાયડથી શંકરસિંહ વાઘેલાના પુત્રને ટિકિટ આપવાની મથામણમાં વર્તમાન ધારાસભ્ય જશુભાઈ પટેલ કપાયા છે. ભાજપથી નારાજ ધવલસિંહ ઝાલા જો અપક્ષ ફોર્મ ભરે તો ભાજપની મુસીબત વધી શકે છે.
કોંગ્રેસના ઉમેદવારો
1.ઊંઝા અરવિંદ અમરતલાલ પટેલ
2.વિસનગર કિરીટ પટેલ
3.બેચરાજી ભોપાજી ઠાકોર
4.મહેસાણા પી.કે. પટેલ
5.પાલનપુર મહેશ પટેલ
6.દિયોદર શિવા ભુરિયા
7.કાંકરેજ અમૃત ઠાકોર
8.ભિલોડા રાજુ પારઘી
9.બાયડ મહેન્દ્રસિંહ વાઘેલા
10.પ્રાંતિજ બહેચરસિંહ રાઠોડ
મહેસાણામાં આપના ઉમેદવાર સોગંદનામાના બધા પાનામાં સહી કરવાનું જ ભૂલી ગયા...?
મહેસાણા બેઠકમાં આપના ઉમેદવારે બુધવારે પ્રાન્ત કચેરીએ ફોર્મ રજૂ કર્યુ હતું. ફોર્મ સાથે રજૂ કરેલા સોગંદનામાના દરેક પાનામાં ઉમેદવારની સહી જરૂરી હોય છે પણ આ ઉમેદવારના સોગંદનામાના પાનામાં સહી જોવા ન મળતાં ચૂ઼ટણી અધિકારી દ્વારા ઉમેદવારને નોટીસ પાઠવીને નવુ સોગંદનામુ કરવા કરવા અંગે જાણ કરાઇ હતી.\nમહેસાણા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિશાંતભાઈ ધનજીભાઈ પટેલ( ભગત પટેલ )દ્વારા બુધવારે સમર્થકો સાથે ચૂ઼ટણી અધિકારી કચેરીએ પહોચીને ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.ઉમેદવારે ફોર્મ સાથે આવક,મિલકત, ગુના,શિક્ષણ સહિત નિયત ફોર્મેટ મુજબની વિગતો સોગંદનામામાં રજુ કરવાની હોય છે અને તેના દરેક પાના ઉપર ઉમેદવારની સહી જરૂરી હોય છે.જોકે આપના ઉમેદવારના સોગંદનામાના પાનાઓમાં સહી જ નહોતી. ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારને નોટીસ આપીને આ અંગે જાણ કરાઇ હોવાનું સુત્રોએ જણાવ્યુ હતું.ગુરુવારે બપોરે 3 સુધી ઉમેદવારીની અંતિમ અવધી હોઇ ત્યાં સુધીમાં નવુ સોગંદનામુ ઉમેદવાર રજૂ કરી શકશે.
ખેરાલુમાં ભાજપે ધારાસભ્યને કાપી સરદારભાઇ ચૌધરીને ટિકિટ આપી
ફોર્મ ભરવાના 24 કલાક પૂર્વે બુધવારે ભાજપે જ્ઞાતિવાદી સમીકરણ સાચવવા ખેરાલુ બેઠક પર વર્તમાન ધારાસભ્ય અજમલજી ઠાકોરનું પત્તુ કાપી ફતેપુરા (ખે) ગામના વતની અને સહકારી ક્ષેત્ર અને સંગઠન સાથે સંકળાયેલા સરદાર ચૌધરીનું નામ જાહેર કર્યું હતું. આ પહેલાં મહિલા ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીના નામની ચર્ચા શરૂ થતાં સ્થાનિકોમાં વિરોધનો સૂર ઊઠ્યો હતો. આ બેઠક પર કોંગ્રેસે ચૌધરી સમાજના ઉમેદવારને ટિકિટ આપેલી હોઇ ભાજપે પણ આપી છે.
ચૌધરી અને ક્ષત્રિય-ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી ખેરાલુ બેઠક પર ભાજપનો ફસાયેલો પેચ આખરે ફોર્મ ભરવાના 24 કલાક પૂર્વે ઉકેલાયો છે અને ભાજપ દ્વારા દૂધસાગર ડેરીના ડિરેક્ટર અને સંગઠનમાં રહી ચૂકેલા સરદારભાઈ ચૌધરીને ટિકિટ આપી છે. તેઓ સ્થાનિક ઉમેદવાર હોવાની સાથે કોંગ્રેસે મુકેશ દેસાઇ નામના ચૌધરી ઉમેદવારને ટિકિટ આપી હોઇ જ્ઞાતિ સમીકરણ ગોઠવાયું હોવાનું મનાય છે.
પસંદગીના આ ચાર કારણ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.