તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:અભ્યાસક્રમ બદલાતાં ધો.4 ગુજરાતી, ધો.8 સમાજવિદ્યા, ધો.9,11,12માં કમ્પ્યુટરનાં પુસ્તકો બજારમાં મળતાં નથી

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં પુસ્તકો માટે સ્ટેશનરીની દુકાનો પર વાલીઓની રઝળપાટ
  • અંગ્રેજી માધ્યમમાં ધો.7 અને ધો.10માં સામાજિક વિજ્ઞાન, ધો.9,11, 12માં કમ્પ્યુટરનાં પુસ્તકો પણ આવ્યાં નથી

નવા શૈક્ષણિક સત્રનો આરંભ થઇ ગયો છે, પરંતુ વિદ્યાર્થીઓને પૂરતાં પુસ્તકો ન મળતાં એક થી બીજી સ્ટેશનરીની દુકાનોમાં વાલીઓ રઝળપાટ કરી રહ્યા છે. હજુ ધોરણ 4માં ગુજરાતી, ધોરણ 8માં સમાજવિદ્યા, ધોરણ 9, 11 અને 12માં કમ્પ્યુટરનાં ગુજરાતી માધ્યમનાં પુસ્તકો બજારમાં મળતાં નથી. તો અંગ્રેજી માધ્યમમાં પણ બદલાયેલા કોર્સમાં કેટલાક વિષયોના પુસ્તકો ન મળતાં વાલીઓ પૂછપરછ કરવા આવે છે.

સ્ટેશનરી બજારમાં નોટબુકો અને પુસ્તકોની ખરીદી માટે વિદ્યાર્થી-વાલીઓનો ધસારો શરૂ થયો છે. પરંતુ ગુજરાતી માધ્યમમાં ધો.4 ગુજરાતી, ધો.8 સમાજવિદ્યા, ધો.9, 11 અને 12માં કમ્પ્યુટર વિષયોનો અભ્યાસક્રમ બદલાયો હોઇ નવાં પુસ્તકો આવ્યા નથી. તેમજ અંગ્રેજી માધ્યમમાં ધો.7 અને ધો.10માં સામાજિક વિજ્ઞાન, ધો.9, 11 અને 12માં કમ્પ્યુટર તેમજ ધો.3માં અંગ્રેજી, ધો.6માં ગણિત તેમજ ધો.11 અને 12માં કોમર્સના પુસ્તકો આવ્યા નથી તેમ તેમ મહેસાણાના વેપારી કલ્પેશભાઇ શાહ અને સંજયભાઇ શાહે જણાવ્યું હતું.

ગ્રાન્ટેડ શાળાઓ માટે નવાં પુસ્તકો હજુ ફાળવાયાં નથી
પાઠ્યપુસ્તક મંડળ દ્વારા અંગ્રેજી માધ્યમની સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ માટે ધો. 9 થી 12નાં પુસ્તકો ફાળવાયાં નથી એટલે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વિદ્યાર્થીઓને એક મહિનો પુસ્તકો મોડા મળે તેવા સંકેતો છે. મહેસાણા અને ખેરવા સ્થિત અંગ્રેજી માધ્યમની 2 શાળાઓને પુસ્તકો ફાળવાતાં હોય છે. જોકે, મહેસાણા એસવીએસ કક્ષાએ હજુ પૂરતાં પુસ્તકો ફાળવાયાં નથી. ગુજરાતી માધ્યમમાં પણ બધા પુસ્તકો આવતાં અઠવાડિયું લાગશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ધો.3થી 8ની પે સેન્ટર શાળાઓને આજથી પુસ્તકો ફાળવાશે
મહેસાણા તાલુકામાં નાગલપુર ખાતેના કેન્દ્રથી 17 પે સેન્ટર શાળાઓને બુધવારથી ધોરણ 3 થી 8ના બાળકોની સંખ્યા મુજબ પુસ્તકોના સેટ વિતરણ શરૂ કરાશે. પે સેન્ટર શાળામાંથી જે-તે વિસ્તારની શાળાઓ પુસ્તકો મેળવી બાળકોને પહોંચાડશે. નવા અભ્યાસક્રમમાં ત્રણેક પુસ્તકને બાદ કરતાં તમામ પુસ્તકો આવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...