ફરિયાદ:પ્રેમલગ્ન કરનાર વાલમના દંપતીનું અપહરણ કરી ત્રણ દિવસ સુધી ગોંધી રખાતાં ફરિયાદ

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાની ફિલ્મ જેવી કહાની, છુટાછેડાના કાગળમાં સહી કરાવી છોડી મૂક્યો
  • યુવતીના બે ભાઈ અને બનેવી સહિત 5 ​​​​​​​શખ્સો સામે અપહરણ સહિતનો ગુનો

મહેસાણા એરોડ્રામ પાછળ આવેલી આસ્થા સોસાયટીમાંથી પ્રેમલગ્ન કરનારા વાલમ ગામના દંપતી અને મહિલા મળી ત્રણ જણાનું યુવતીના બે ભાઈઓ અને બનેવી કારમાં વીરતા ગામે અપહરણ કરી ગયા હતા. જ્યાં ત્રણેયને ખેતરમાં ગોંધી રાખી માર માર્યો હોવાની ફરિયાદ 5 શખ્સો સામે બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. ફિલ્મી કહાની જેવી ઘટનાની વિગત મુજબ, વિસનગર તાલુકાના વાલમ ગામના હિરેન રાવળે સવા વર્ષ પૂર્વે સુંશી ગામની મિત્તલ નામની યુવતી સાથે નાસી જઈ પ્રેમલગ્ન કર્યા હતા.

6 ડિસેમ્બરે હિરેન, પત્ની મિત્તલ સાથે મહેસાણા એરોડ્રામની પાછળ આવેલી આસ્થા સોસાયટીમાં રહેતાં મિત્તલની ભાભી કિંજલબેનના ફોઈના ઘરે આવ્યા હતાં. જ્યાં તેઓ બેઠાં હતાં, ત્યારે મિત્તલના બંને ભાઈઓ વિકાસ અને ઉમંગ, બનેવી કિશનભાઇ અને વીરતા ગામના લાલાભાઇ રાવળ ગાડી લઈને આવ્યા હતા અને હિરેન, તેની પત્ની મિત્તલ અને ભાભી કિંજલબેનને બળજબરીપૂર્વક કારમાં બેસાડી વીરતા ગામે લાલભાઈના ખેતરમાં લઈ ગયા હતા અને ત્યાં પ્રેમલગ્ન કરનાર હિરેન અને મિત્તલને ગાડીમાંથી ઉતારી લાકડી અને ધોકાથી માર માર્યો હતો.

જેને લઈ હિરેન અર્ધબેભાન જેવી સ્થિતિમાં થઈ જતાં પાંચેય જણા તેને પતરાના શેડમાં ખાટલામાં સુવડાવી હાથ-પગ દોરીથી બાંધીને જતા રહ્યા હતા. બીજા દિવસે સાંજે વકીલને બોલાવી તેની પાસે છુટાછેડાની સહીઓ કરાવી લીધી હતી. ત્યાર બાદ હિરેનને વાલમ મૂકી જઇ હવે મિત્તલને જોઈશ તો મારી નાખીશની ધમકીઓ આપી હતી.દુ:ખાવાની સારવાર કરાવી પત્ની સાથે પોતાનું અપહરણ કરી ગોંધી રાખનારા રાવળ વિકાસ દિનેશભાઈ સુંશી,રાવળ ઉમંગ દિનેશભાઈ સુંશી, કિશન રાવળ રહે.સાતુસણા, રાવળ લાલભાઈ રહે.વીરતા, રાવળ પીન્ટુભાઇ રહે.વીરતા સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...