ફરિયાદ:ખાનગી પ્લોટ અને વાડામાં ગંદકી મામલે 2 શખ્સ સામે પ્રાંતમાં ફરિયાદ

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના વિસનગર લીંક રોડ પર વાડામાં અને ટીબી રોડ પર પ્લોટમાં ગંદકી દૂર કરવા નગરપાલિકાની નોટિસને ના ગણકારતાં કાર્યવાહી કરી

મહેસાણા શહેરમાં ખાનગી માલિકીના ખાલી પ્લોટ, વાડા કે જાહેર સ્થળોની ખુલ્લી જગ્યાએ ગંદકી કરનારા શખ્સોને નોટિસ પછી પણ સફાઇમાં બેદરકાર રહેતાં નગરપાલિકાએ લાલ આંખ કરી છે. તાજેતરમાં વિસનગર લીંક રોડ પર ગેરકાયદે વાડા તેમજ ટીબી રોડની સોસાયટીના એક ખાલી પ્લોટમાં ગંદકીથી મચ્છરોનો ઉપદ્રવ વધતાં રોગચાળાની ભીતિ અંગે થયેલી રજૂઆતના પગલે નોટિસ બાદ નગરપાલિકાએ આ બંને શખ્સો વિરુદ્ધ કલમ 133 અન્વયે ફરિયાદ દાખલ કરી જરૂરી કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીને લેખિત અહેવાલ કરાયો છે.

નગરપાલિકાની સેનેટરી શાખાના સૂત્રોએ કહ્યું કે, શહેરની નવરત્ન સોસાયટી જીઇબીની પાછળ અમરપરાના રહેણાંક વિસ્તારમાં ભીખાભાઇ બિજલભાઇ દેસાઇએ ગેરકાયદે વાડો બનાવી ઉકરડો કર્યો હોઇ તેને હટાવવા વિસ્તારના રહીશે રજૂઆત કરી હતી. જેને પગલે પાલિકાએ ત્રણ વખત ઉકરડો હટાવવા નોટિસ ફટકારી હતી. ઉકરડાના કારણે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ થતાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થાય તેમ છે, ત્યારે ભીખાભાઇ દેસાઇને ઉકરડો હટાવી ગંદકી ના થાય તેની તકેદારી રાખવા નોટિસ છતાં કોઇપણ પ્રકારની કાર્યવાહી ન કરી હોઇ તેમની વિરુદ્ધ કલમ 133 હેઠળ ફરિયાદ પ્રાંત અધિકારી કચેરીમાં કરી છે.

જ્યારે ટીબી રોડ પર સુખેશ્વર સોસાયટીમાં રહેતા ભરતભાઇ પ્રહલાદભાઇ પટેલની માલિકીના નીધિ ફ્લેટની આગળ આવેલા ખાલી પ્લોટમાં ગંદકીથી મચ્છરો થતાં રોગચાળાનો ભય હોઇ સફાઇ કરાવવા વિસ્તારના રહીશે પાલિકામાં રજૂઆત કરી હતી. જેને પગલે નગરપાલિકાએ ભરતભાઇ પટેલને સફાઇ કરાવવા નોટિસ આપવા છતાં કોઇ કાર્યવાહી કે બાંહેધરી ન આપતાં તેમની વિરુદ્ધ કલમ 133 અન્વયે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીને પાલિકાએ લેખિત ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...