તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા:કોલેજિયન, વેપારી, નોકરિયાત અને કારીગર જોડાયા છે મહેસાણાના ગોવિંદ માધવ મંદિરની ટિફિનસેવામાં

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા શહેરમાં 4 સપ્તાહથી કોરોના સંક્રમિતોના પરિવારોને પહોંચાડે છે ટિફિન

મહેસાણા શહેરમાં કોરોના મહામારીમાં હોમ આઇસોલેટ અને હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓને સવાર-સાંજ ગરમા ગરમ ભોજન પહોંચાડવાનું ઉમદા કાર્ય કૃષ્ણના ઢાળમાં આવેલા ગોવિંદ માધવ મંદિરથી યુવાનોની ટીમ કરી રહી છે. આ ટીમમાં એમએનો અભ્યાસ કરતો કોલેજિયન હિમાલય પટેલ પણ છે અને વેપારી રાજુભાઇ પ્રજાપતિ પણ છે.

ખાનગી નોકરી કરતા જયંતિભાઇ દેસાઇ સહિત બજરંગ વ્યાયામ શાળાના યુવાનો પણ છે, જે સવારથી જ અહીં હાજર થઇ જાય છે અને ભોજન પાર્સલ તૈયાર કરી મોઢેરા રોડ, વિસનગર રોડ, રાધનપુર રોડ, પાલાવાસણા ચોકડી એમ ચાર રૂટમાં રિક્ષા લઇને દર્દીના ઘરે ટિફિન પહોંચાડવા નીકળી જાય છે અને બપોરે 12.30 વાગ્યા સુધીમાં તો કામ પૂર્ણ પણ કરી દે છે.

ગોવિંદ માધવ મંદિરના ટ્રસ્ટી સુજલભાઇ શાહે કહ્યું કે, આ મારું કામ, આ તારું કામ નહીં, પણ આ આપણું કામ છે એવા ટીમવર્કથી આ સેવાયજ્ઞ સફળ થઇ રહ્યો છે. સવાર -સાંજ 200-200 દર્દીના ઘરે ભોજન પહોંચાડીએ છીએ. ટ્રસ્ટના આર્થિક સહયોગ અને આયોજનમાં બજરંગ વ્યાયામ શાળાના 15 યુવાનોની ટીમે દર્દીઓને પાર્સલ પહોંચાડવાની જવાબદારી ઉપાડી લીધી છે.

કોરોનાની પહેલી લહેર બાદ હવે બીજી લહેરમાં પણ મંદિર ટ્રસ્ટ અને ટીમ ટિફિન સેવામાં છેલ્લા 4 સપ્તાહથી કાર્યરત છે. હાલ કન્સ્ટ્રક્શન કામ બંધ હોઇ કારીગર કનુભાઇ કડિયા કરિયાણું સામાન લઇ આવવું વગેરે કામકાજમાં સેવારત છે.

રસોઇયા રમેશભાઇ ત્રિવેદીએ કહ્યું કે, આ સેવાકાર્યમાં પ્રસંગો કરતાં સ્વેચ્છાએ રસોઇયા ટીમ કામગીરી કરી રહી છે. રિક્ષાચાલક અનિલ પ્રજાપતિએ કહ્યું કે, હોસ્પિટલો અને ઘરે સારવારના દર્દીઓને દોઢ કલાકમાં તો પાર્સલ પહોંચી જાય છે.

અન્ય સમાચારો પણ છે...