જિલ્લા કલેક્ટર દ્વારા કોવિડ ગાઈડલાઈન અંતર્ગત ચૂંટણી યોજવા મંગળવારના રોજ મંજૂરી અપાતાં વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજવા માટેનો માર્ગ હવે મોકળો થયો છે. ઉલ્લેખનીય છે કે, બજાર સમિતિની ચૂંટણી માટે નિયત સમય થઈ ગયો હોવા છતાં જાહેરનામું બહાર નહીં પડતાં તાજેતરમાં આ અંગે હાઇકોર્ટમાં રિટ થઈ હતી અને હાઇકોર્ટે રાજ્યના નિયામક અને જિલ્લા રજીસ્ટ્રાર સહિત 4 જણાને નોટિસો પણ પાઠવી હતી.
આગામી 4 સપ્ટેમ્બરના રોજ વિજાપુર બજાર સમિતિની વર્તમાન બોડીની મુદત પૂર્ણ થતી હોઇ જૂન મહિનામાં જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા બજાર સમિતિની ચૂંટણી યોજવા માટેનો જાહેરનામા સહિતનો કાર્યક્રમ રાજ્ય નિયામકને મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો.
પરંતુ, સહકારી ક્ષેત્રમાં યોજાતી ચૂંટણીઓમાં કોવિડ ગાઈડ લાઈનના પાલન સાથે ચૂંટણી કરાવવીનો પરિપત્ર અમલમાં હોઇ કોવિડ ગાઈડ લાઈન અંતર્ગત ચૂંટણી કરવા માટે જિલ્લા કલેક્ટરની મંજૂરી ન લીધી હોવાથી તે પરત આવ્યું હતું. ત્યાર બાદ કોવિડ ગાઈડલાઈન અંતર્ગત ચૂંટણી કરાવવા કલેક્ટરની મંજૂરી મળ્યા બાદ ચૂંટણીનું જાહેરનામું બહાર પડી શકે તેમ હોવાથી નિયત સમય થઈ ગયો હોવા છતાં ચૂંટણીનું જાહેરનામું બહાર પડાયું ન હતું.
બીજી તરફ, બજાર સમિતિની યોગ્ય સમયે ચૂંટણી યોજવા વિજાપુરના નાગરિક દ્વારા હાઇકોર્ટમાં રીટ દાખલ કરાઈ હતી. જેને પગલે હાઇકોર્ટે રાજ્યના નિયામક અને જિલ્લા રજીસ્ટ્રાર સહિત 4 વ્યક્તિઓને નોટિસ પાઠવી આગામી 10 ઓગસ્ટના રોજ હાજર રહેવાનો આદેશ કર્યો હતો.
દરમિયાન, મંગળવારના રોજ જિલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલ દ્વારા કોવિડ ગાઈડ લાઈન અંતર્ગત એપીએમસીની ચૂંટણી યોજવા માટેની મંજૂરી જિલ્લા રજીસ્ટ્રારને આપતાં હવે વિજાપુર એપીએમસીની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે અને આગામી અઠવાડિયામાં બજાર સમિતિની ચૂંટણીના કાર્યક્રમ સાથેનું જાહેરનામું પણ બહાર પડી શકે છે.
બજાર સમિતિની ચૂંટણી પર સમગ્ર તાલુકાની મીટ
વિજાપુર તાલુકામાં બજાર સમિતિની ચૂંટણીનું પરિણામ વિધાનસભાની ચૂંટણી માટેના સ્થાનિક નેતાઓના રાજકીય સમીકરણો નક્કી કરતું હોવાથી આ ચૂંટણી ઉપર રાજકારણીઓની તો ઠીક પરંતુ તાલુકાની મીટ મંડાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.