મતદાન જાગૃતિ:મહેસાણાથી 50થી વધુ સાયક્લિસ્ટ સાથે કલેકટરે 100 કિમીની યાત્રા કરી, મતદારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા

મહેસાણા17 દિવસ પહેલા

લોકશાહીના આ સૌથી મોટા ઉત્સવ ચૂંટણીમાં મતદાન પ્રત્યેની જાગૃતિ ફેલાવવા માટે મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા ઓછા મતદાન વિસ્તારમાં વધુ મતદાન થાય તે માટે અનોખી પહેલ કરી છે. જિલ્લાનો એકપણ મતદાતા મતદાનથી બાકાત ન રહે તેવું આયોજન જિલ્લા ચુંટણી પંચ દ્વારા સ્વીપની વિવિધ પ્રવૃતિઓ થકી કરાઇ રહ્યું છે.મતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારી ઉદિત અગ્રવાલના માર્ગદર્શન અને પ્રેરણાથી સાયક્લ ક્લબના સહયોગથી મહેસાણાથી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

100 કિલોમીટરની યાત્રા કરી પ્રોત્સાહિત કરાયા
મહેસાણાથી ઊંઝા-ઊપેરા-જાસ્કા-સૂંઢિયા-વડનગર-વિસનગરથી મહેસાણાની આ 100 કિલોમીટર સાયકલ યાત્રામાં 50થી વધુ સાયક્લીસ્ટો જોડાયા હતા મહેસાણા જિલ્લામાં ઓછુ મતદાન થતું હોય તેવા વિસ્તારોમાં સાયકલ યાત્રાથી મતદાન જાગૃતિનો અનોખો પ્રયાસ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છેઉપેરા ગામે જિલ્લા કલેકટરે ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે લોકશાહીમાં ચૂંટણી પ્રકિયાનું અનેરું મહત્વ છે. દેશનાં નાગરિકો ચૂંટણીની પ્રક્રિયા બાબતે જેટલાં જાગૃત બને તેટલી જ લોકશાહી મજબૂત બને તે માટે લોકોને પણ મતદાન કરવા માટે તેમણે પ્રેરણા આપી હતી.

આ ઉપરાંત ચૂંટણી પંચના અવસર” અન્વયે સિગ્નેચર કેમ્પેઇન બેનર પર જિલ્લા કલેકટરે “આવનારી 05 ડિસેમ્બરના રોજ હું મારો મત અવશ્ય આપીશ તમે પણ આપજો” ના સદેશ સાથે સહી કરી હતી જેના પગલે ગ્રામ્યજનોએ પણ હોંશે-હોંશે “અવશ્ય મતદાન કરવા”નો સંકલ્પ લીધા હતા.જિલ્લા કલેકટર સાથે નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળાએ પણ મતદાન જાગૃતિ માટે 04 કલાકથી વધુ સમય 100 કિલોમીટરની સાયકલયાત્રા સાથે નાગરિકોને મતદાન મહાદાનનો સંદેશ આપ્યો હતો.

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યુવાઓને મતદાન કરવા અંગે પ્રેરિત થવા નવતર અભિગમ હાથ ધરવામાં આવેલ છે. જે અતંર્ગત મહેસાણા જિલ્લામાં વિવિધ સ્થળોએ સેલ્ફી ઝોનમાં સાયક્લીસ્ટોએ મતદાન કરવા અંગેની સેલ્ફી લઇ અન્યોને પણ મતદાન કરવા અંગે જાગૃત કર્યા હતા.મતદાન જાગૃતિના આ અનોખી પહેલની સાયકલ યાત્રામાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ સાથે નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, મહેસાણા સાયકલ ક્લબ એસોશિયેશનના સાયક્લીસ્ટો સહિત સ્વીપના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...