તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેરાનગતિ:સિવિલના ટ્રોમા સેન્ટરની લિફ્ટ બંધ હોઇ પગથિયાં ચડી રહેલી પ્રસૂતાં નીચે પટકાઇ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લિફ્ટ તૈયાર હોવા છતાં લાયસન્સના અભાવે ચાલુ નહીં કરી શકાતાં પ્રસૂતાઓને હેરાનગતિ
  • નંદાસણની પ્રસૂતાને ટ્રોમા સેન્ટરના પ્રથમ માળે લઈ જતાં ચક્કર ખાઇને ફસડાઈ પડતાં દોડધામ

મહેસાણા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના પ્રથમ માળે પ્રસૂતાને ચાલીને લઈ જવાતી હતી, ત્યારે ચક્કર આવતાં ફસડાઈ પડી હતી. જેથી પ્રસૂતાને સ્ટ્રેચરમાં સુવડાવીને લઈ જવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 માસથી ટ્રોમા સેન્ટરની લિફ્ટ તૈયાર હોવા છતાં લાયસન્સના અભાવે બંધ હોઇ પ્રસૂતાઓએ હેરાન થવું પડે છે.

નંદાસણ ગામનાં રીયાનાબાનુ મુનાવરભાઈ ગોરીને સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતિ કરાવાઇ હતી. પરંતુ બ્લડિંગ થતું હોઇ મહેસાણા સિવિલમાં લવાયાં હતાં. અહીં ટ્રોમા સેન્ટરના પ્રથમ માળે ગાયનેક વોર્ડમાં દાખલ કરવા પ્રસૂતાને પગથિયાં ચઢાવીને લઈ જવાતાં હતાં, ત્યારે 11 પગથિયાં ચઢ્યા બાદ ચક્કર આવતાં તે ફસડાઈ પડી હતી. જેથી સ્ટાફ દોડી આવ્યો હતો અને સ્ટ્રેચરમાં લઈ ગયો હતો અને ગાયનેક વોર્ડમાં પ્રસૂતાને દાખલ કરાઇ હતી.

બે દિવસમાં ટેસ્ટિંગ બાદ લિફ્ટ શરૂ કરી દેવાશે : પીઆઇયુ
લિફ્ટના લાયસન્સ બાબતે ઈન્ચાર્જ સિવિલ સર્જન ડો. પી.એમ. જોશીએ કહ્યું કે, હજુ સુધી લિફ્ટનું લાયસન્સ આવ્યું નથી, લાયસન્સ મળેથી લિફ્ટ શરૂ કરાશે.
જ્યારે સિવિલના પીઆઈયુ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર અનિલ પરમારે કહ્યું કે, લિફ્ટનું લાયસન્સ બે દિવસથી આવી ગયું છે. બુધવારે કે ગુરૂવારે ટેસ્ટિંગ બાદ લિફ્ટ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવશે.

અગાઉ 3 મહિલાને નીચે જ પ્રસૂતિ કરાવવી પડી હતી
26 જુલાઈએ નાની દાઉ ગામની પ્રસૂતાને પગથિયાં ચડીને ગાયનેક વોર્ડમાં લઈ જતી વખતે પીડા ઉપડતાં 11 નંબરના રૂમમાં પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. તે જ દિવસે અન્ય બે પ્રસૂતાને સ્ટ્રેચરમાં 25 પગથિયાં ચડી પ્રથમ માળે ગાયનેક વોર્ડમાં લઈ જવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...