રોષ:મહેસાણાની બાહુબલી સોસાયટીના રસ્તાની માપણી કરી આપવા સિટીસર્વેએ ઠાગાઠૈયા કર્યા

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિટી સર્વે કચેરીએ સરકારી નેળિયું ન હોઇ માપણી કરી આપવા ના પાડી

મહેસાણાના રાધનપુર રોડ પરની બાહુબલી સહિતની પાંચેક સોસા.ને જોડતા રોડ ઉપર દબાણો થતાં એમ્બ્યુલન્સ પસાર થઇ શકતી નથી. દબાણો દૂર કરી રસ્તો પહોળો કરવા રહીશોની રજૂઆતોને પગલે પાલિકાના અધિકારીઓ સિટી સર્વે, DILRના ચક્કર લગાવી રહ્યા છે. પરંતુ એકથી બીજા સર્વે નંબરના રસ્તા હદ નક્કી કરવાની માપણી સીટ નહીં મળતાં કે માપણી કરી આપવા સિટી સર્વે તૈયારી દર્શાવતું ન હોઇ આ કામ ઘાંચમાં પડ્યું છે. નગરસેવક અને ટીપી શાખાની ટીમે હવે જિ.પં.ના પદાધિકારીને સર્વે નંબરો આપી રેકર્ડ ઉપલબ્ધ કરાવવા મથામણ શરૂ કરી છે.

સિટી સર્વેયરને સર્વે નંબરોના લે-આઉટ પ્લાન અને એકથી બીજા સર્વે નંબર રસ્તા હદ નક્કી કરવા માપણી સીટ આપવા કે માપણી કરી આપવાનું કહેતાં ના કહી રહ્યા છે. અમે જિ. પં.પદાધિકારીને મળતાં તેમણે સર્વે નંબર આધારે તપાસ કરાવી રેકર્ડ કઢાવી આપશે તેમ જણાવ્યું હોવાનું નગરસેવક રાકેશભાઇ પટેલે કહ્યું હતું. ટીપી શાખાના સૂત્રોએ કહ્યું કે, OG વિસ્તારમાંથી લોન કેસ, પરવાનગી ચિઠ્ઠી, બિલ્ડીંગ પ્લાન, NA હુકમ કામે અરજદાર પાલિકા આવતા હોય પણ કસ્બા તલાટીથી પાલિકાને રેકર્ડ સુપરત કરાયું ન હોઇ મુશ્કેલી સર્જાય છે. બાહુબલીના અરજદારોએ લેઆઉટ પ્લાન પાલિકાને આપ્યા તે લઇ સિટી સર્વે રાહે માપણીના પ્રયાસો ચાલુ છે.

રાધનપુર રોડ, એનજી રોડ અને રામોસણાનો ઓજી વિસ્તારનો મિલકત રેકર્ડ કસ્બા તલાટીએ આપેલ નથી
રાધનપુર રોડ પરનો બાહુબલી સોસાયટી વિસ્તાર, રામોસણા અને એનજી સ્કૂલ સાઇડનો ઓજી વિસ્તાર સરકારના નોટિફિકેશનથી 14 ઓગસ્ટ 2007થી નગર પાલિકામાં ભળેલો છે. પરંતુ કસ્બા તલાટી દ્વારા નગરપાલિકાને કોઇ રેકર્ડ આપલે નથી. જેથી અરજદાર દ્વારા પરવાનગીની માગણી કરાતી હોય છે તો આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા મામલતદાર, કસ્બા તલાટી પાસે લેખિત માંગણી કરાઇ છે. પરંતુ હજુ કોઇ રેકર્ડ આપેલ નથી તેવો પત્ર ટીપી શાખામાં અરજદારો માટે ચીપકાવી દેવાયો છે.

NA નોંધ કાઢી આપીશું
મહેસાણા સિટી મામલતદાર આર.કે. પંચાલે કહ્યું કે, જે-તે વખતે ઓજી વિસ્તારમાં બિનખેતીના હુકમો જિલ્લા પંચાયત કચેરીથી થતા હતા. ફક્ત તેની નોંધ નકલ મામલતદાર કચેરીએ આવેલી છે. પાલિકા સર્વે નંબરો આપે તો તેના આધારે નોંધ નકલ કાઢી આપીશું.

અન્ય સમાચારો પણ છે...