તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મહેસાણામાં સિટીબસને હજુ 2 મહિના લાગશે, 8 રૂટમાં દોડશે

મહેસાણા16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નગરપાલિકા દ્વારા પવિત્ર શ્રાવણ મહિનામાં સિટી બસ દોડતી થાય તેવું આયોજન, 4 એજન્સીઓ સાથે બેઠક કરી
 • એજન્સીની 90 દિવસની માંગણી સામે વર્કઓર્ડર પછી 60 દિવસમાં સિટી બસ ચાલુ કરી દેવાની શરત નક્કી કરાઇ

મહેસાણા નગરપાલિકામાં 5 વર્ષ પહેલાં શરૂ કરાયેલી સિટીબસ માંડ એક વર્ષમાં જ બંધ કરી દેવાઇ હતી. ત્યારે હાલના સત્તાધિશો હવે કાચું ન કપાય તે માટે આગોતરા આયોજન સાથે આગળ વધી રહ્યા છે. ટેન્ડર આવે તે પહેલાં મંગળવારે 4 એજન્સી સાથે સત્તાધિશોએ બેઠક યોજી પરામર્શ કર્યો હતો. જેમાં 8 મિનિ સિટી બસ નવી બનાવવી પડે તેમ હોઇ એજન્સીઓ દ્વારા વર્કઓર્ડર મળ્યા પછી સિટી બસ ચાલુ કરવા વધુ સમયનું સૂચન કરાતાં ચર્ચાના અંતે 60 દિવસમાં સિટી બસ લાવવાની રહેશે તેમ સુચવાયું હતું.

નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઉપપ્રમુખ કાનજી દેસાઇ, કારોબારી ચેરમેન કૌશિક વ્યાસ, ટ્રાન્સપોર્ટ ગેરેજ કમિટી ચેરમેન પ્રહલાદ પટેલની ઉપસ્થિતિમાં ચાર એજન્સીઓ ગુરુકૃપા, ભાન્ડુ, જે.જે.પવલ અને ક્રિયાના પ્રતિનિધિએ કેટલીક શરતો બસસેવા શરૂ કરવામાં મુશ્કેલી સર્જી શકે તેમ હોઇ સૂચનો કર્યા હતા.

જેમાં રૂટમાં બસ 150 કિમીથી વધુ ચાલે તો પરવડે તેમ હોવાનું તેમજ 28 થી 34 બેઠકવાળી મિનિબસ નવી બનાવવી પડે તેમ હોઇ વર્કઓર્ડર પછી 30 દિવસમાં 8 બસ ન મળે તેમ એકસૂરમાં જણાવ્યું હતું. સત્તાધિશોએ શ્રાવણ માસમાં સિટી બસ દોડતી થાય તેવા પ્રયાસમાં ચર્ચાના અંતે વર્કઓર્ડરથી બે મહિનામાં સિટી બસસેવા શરૂ કરવા નક્કી કરાયું હતું.

સિટીબસના આઠ કામચલાઉ રૂટ

 • તોરણવાળી ચોકથી રાધનપુર ચોકડી, દ્વારકા પુરી ફ્લેટ, ચવેલીનગર, આસ્થા ફ્લેટ, રાધે એક્ઝોટીકા, અવસર પાર્ટીપ્લોટ, દેદિયાસણ.
 • તોરણવાળીથી પાંચ લીમડી, ગંજબજાર, બી.કે. સિનેમા, મોઢેરા ચોકડી, લકીપાર્ક, ટહુકો, અવસર પાર્ટીપ્લોટ, દેદિયાસણ ગામ.
 • તોરણવાળીથી છુવારા, રેલવે સ્ટેશન, રાધનપુર ચોકડી, દ્વારકાપુરી ફ્લેટ, સાઇક્રિષ્ણા હોસ્પિટલ, રાજધાની ટાઉનશીપ, શાહીબાગ, નેળિયું, ડીમાર્ટ બાયપાસ ચોકડી.
 • તોરણવાળીથી પાંચ લીમડી, ગંજબજાર, સર્વોદય બેંક, ચકેશ્વરી ફ્લેટ, પ્રજાપતિ વાડી, ઋતુરાજ, આશીર્વાદ ચોક, ગાયત્રી મંદિર, નાગલપુર પાટિયા, મોઢેરા ચોકડી, બી.કે. ગંજ.
 • તોરણવાળીથી પાંચ લીમડી, ગંજબજાર, બી.કે. સિનેમા, મોઢેરા ચોકડી, નાગલપુર પાટિયા, વાઇડ એન્ગલ, આરટીઓ પાલાવાસણા ચોકડી.
 • તોરણવાળીથી ફુવારા, સિવિલ, પોલીસ હેડક્વાર્ટર, ઝુલેલાલ ચોકડી, બિલાડી બાગ, હિરાનગર, સિદ્ધાર્થ વિદ્યાલય, સોમનાથ મંદિર.
 • તોરણવાળીથી ટાઉનહોલ, હૈદરીચોક, પરા તળાવ, અંબાજી ચોક, સરકારી વસાહત, ગાયત્રી મંદિર, જીઇબી, માનવ આશ્રમ ચોકડી, એન.જી. સ્કૂલ.
 • સરક્યુલર રૂટ

એજન્સીના સૂચન, નગરપાલિકાના જવાબ એજન્સી : કોન્ટ્રાક્ટનો સમય 5ના બદલે 7 વર્ષનો કરો નગરપાલિકાનો જવાબ : સમયગાળો 5 વર્ષનો જ રહેશે એજન્સી : વર્કઓર્ડરથી 30 દિવસમાં બસો મૂકવાની શરત છે, નવી બસો મૂકવાની હોઇ 60 થી 90 દિવસ આપો. નગરપાલિકા : મહત્તમ 60 દિવસમાં સિટી બસ લાવવાની રહેશે. એજન્સી : સિટી બસના દર રૂ.5 અને 10ની વાત છે પણ સીએમયુબીએસની ગાઇડ લાઇન મુજબ ટિકિટ દર રાખવા પડશે. નગરપાલિકા : ટિકિટ દર કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટની ગાઇડ લાઇન મુજબ રાખીશું, પણ મહિલા અને દિવ્યાંગો માટે ફ્રી રહેશે. એજન્સી : ટેન્ડરમાં રૂટ, કિમી, કેટલી ટ્રીપ અને ટાઇમિંગની ફ્રિકવન્સી જણાવી નથી, જણાવો તો ભાવ ભરવામાં અનુકૂળ રહે. નગરપાલિકા : હાલ કામચલાઉ 8 રૂટ છે, જેમાં ફેરફારને અવકાશ રહી શકે, લઘુતમ 8 બસ સંખ્યા રહેશે, જરૂરિયાતમાં વધુ કરી શકાશે. એજન્સી : બે વર્ષ જૂની બસ મૂકી શકાય પણ આ સ્પે.કેટેગરીની બસ હોઇ નવી જ લાવવી પડે તેમ છે. જેમાં જીપીસીબીની પરવાનગીનું શું? નગરપાલિકા : એજન્સીએ જ પરવાનગી મેળવવાની રહેશે. એજન્સી : બસની બહાર જાહેરાતની સાથે અંદરની સાઇડ ટેલિવીઝન સ્ક્રિનની પરવાનગી આપો. નગરપાલિકા : અંદર સ્ક્રિન લગાવી શકશો. એજન્સી : જૂના અનુભવ પ્રમાણે કોઇ કારણ વગર અગાઉ ટેન્ડર રદ કરેલા તો આમાં શું વ્યવસ્થા. નગરપાલિકા : ટેન્ડર રદ કરવાની સત્તા પાલિકાની રહેશે. એજન્સી : કુદરતી કે મહામારી જેવી આફતમાં બસસેવા બંધ રહે તો મંજૂર ભાવના 65 ટકા પેમેન્ટ બસ નિભાવણી, કર્મીઓના પગાર કરવા આપવા. નગરપાલિકા : આ પાસાઓને ધ્યાને રાખી ભાવ ભરવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...