મહેસાણા શહેરમાં ફુવારા સર્કલ નજીક સીટી બસના ડ્રાઇવર અને મહિલા કંડક્ટરને અજાણ્યા એક્ટિવા પર સવાર બે શખસોએ હોર્ન વગાડવા મામલે મારમાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સીટી બસના ડ્રાઈવરને અને મહિલા કંડકટરને સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.
મહેસાણા શહેરમાં પાલિકાની MTS રૂટ નં 7ના બસના ડ્રાઈવર યોગી મૌલિક અને મહિલા કંડક્ટર ઠાકોર જયશ્રી એન.જી સ્કૂલથી તોરણવાળી ચોક બસ લઈને આવી રહ્યા હતા. એ દરમિયાન ફુવારા પાસે સીટી બસ આગળ એક એક્ટિવા પર બે ઈસમો સવાર હતા. બસના ડ્રાઈવરે સાઈડ લેવા હોર્ન વગાડતા એક્ટિવા પર સવાર બે લોકોએ પોતાની એક્ટિવા રોડ વચ્ચે મૂકી બસના ડ્રાઈવર મૌલિક યોગી સાથે બોલાચાલી કરી મહિલા કંડક્ટર અને ડ્રાઈવરને માર માર્યો હતો.
બાદમાં ડ્રાઈવરને ધોકા વડે મોઢાના ભાગે મારવા જતા મહિલા કંડક્ટર વચ્ચે પડ્યા હતા. જ્યાં તેમને પણ માર મારી વાર પકડી નીચે પાડી દીધા હતા અને પગના ભાગે ધોકો માર્યો હતો. જોકે, આ ઘટનાને પગલે લોકોના ટોળા જામી જતા હુમલો કરનાર બે એક્ટિવા ચાલક ત્યાંથી ફરાર થઈ ગઈ હતા. ઇજા પામેલા ડ્રાઈવર કંડક્ટરને સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે મહિલા કંડકટરે મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકમાં હુમલો કરનાર બે એક્ટિવા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.