એવોર્ડ માટે પસંદગી:વિજાપુરની જેપુર પ્રાથમિક શાળાના શિક્ષક અને કહોડાનાં શિક્ષિકાને ચિત્રકૂટ પારિતોષિત અપાશે

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ અને સામાજિક ઉત્તર દાયિત્વ બદલ એવોર્ડ માટે પસંદગી
  • મોરારીબાપુ દ્વારા દર વર્ષે જિલ્લામાંથી એક શિક્ષકને આ એવોર્ડ અપાય છે

રાજ્યમાં દર વર્ષે જાણિતા કથાકાર મોરારીબાપુ દ્વારા દરેક જિલ્લામાંથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકને ચિત્રકૂટ પારિતોષિક એનાયત કરવામાં આવે છે. કોરોનાના બે વર્ષ મુલત્વી રખાયેલા આ પારિતોષિક આ વર્ષે 11 મેના રોજ એનાયત કરાનાર છે. મહેસાણા જિલ્લામાં વિજાપુરની જેપુર શાળાના શિક્ષક અને ઊંઝાની કહોડા પ્રા.શાળાનાં શિક્ષિકાની એવોર્ડ માટે પસંદગી થઇ છે. વર્ષ 2020ના ચિત્રકૂટ એવોર્ડ માટે વિજાપુર તાલુકાની જેપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક રાકેશકુમાર ભક્તિભાઇ પટેલની પસંદગી કરાઇ છે.

તેમના માર્ગદર્શન હેઠળ શાળાના 60 વિદ્યાર્થીઓએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી એનએમએમએસ પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવી કુલ રૂ. 22 લાખની શિષ્યવૃત્તિ મેળવી છે. ગુણોત્સવ-2ના બાહ્ય મૂલ્યાંકનમાં શાળાએ એ+ ગ્રેડ 89. 87 ટકા પરિણામ સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે કોરોનાકાળમાં પે સેન્ટરની 13 શાળાઓના શિક્ષકોએ રાકેશભાઇના માર્ગદર્શનમાં સ્વૈચ્છિક રૂ.1,11,700 ફાળો એકત્ર કરી બે ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન લાવી સામાજિક ઉત્તર દાયિત્વ નિભાવ્યું હતું.

કોરોનામાં ત્રણ મહિના એનએમએમએસના ઓનલાઇન ક્લાસ લઇ વિદ્યાર્થીઓને તૈયારી કરાવી હતી. આ શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ બદલ તેઓ આ એવોર્ડ માટે પસંદ થયા છે. જ્યારે વર્ષ 2021ના ચિત્રકૂટ એવોર્ડ માટે ઊંઝા તાલુકાની કહોડા ગામની પ્રા. કુમાર શાળાનાં શિક્ષિકા પટેલ શ્રેયાબેન રમણભાઈની પસંદગી કરાઇ છે. તેમણે કોરોનાકાળમાં ઓનલાઇન શિક્ષણ, શેરીશિક્ષણની સાથે શિષ્યવૃત્તિ માટેની એનએમ એમએસ પરીક્ષા માટે તૈયાર કરાવી હતી. ત્રણ વર્ષ વિજ્ઞાન મેળામાં બાળકો રાજ્ય કક્ષાએ પહોંચ્યા છે અને આ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ બદલ તેઓ ઇન્સપાયર્ડ એવોર્ડથી સન્માનિત થયાં છે. વર્ષ 2020-21માં દિવાળી વેકેશનમાં ગામમાં માસ્ક વિતરણ સાથે લોકજાગૃતિ કાર્યો કર્યા. આ ઈનોવેશનની નોંધ શિક્ષકોની સંવેદન કથા પુસ્તક લેખમાં સ્થાન મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...