ચૂંટણીનું પરિણામ:ઉનાવામાં ઊંઝા એપીએમસીના સેક્રેટરીના પુત્ર ચિરાગ પટેલની 1788 મતથી જીત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
6 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં સમર્થકો ઉમટ્યા હતા. - Divya Bhaskar
6 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં સમર્થકો ઉમટ્યા હતા.
  • ઊંઝા તાલુકાના 6 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર
  • સમરસ સહિત 5 મહિલાઓ સરપંચ પદનો​​​​​​​ કાર્યભાર સંભાળશે

ઊંઝા તાલુકાના 6 ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી બંસીધર પ્રાથમિક શાળામાં યોજાઈ હતી. મત ગણતરીને લઈ સવારથી ગણતરીના સ્થળની બહાર ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મતગણતરી સ્થળે અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જેમાં ઉનાવા ગ્રામ પંચાયતમાં ઊંઝા એપીએમસીના સેક્રેટરી વિષ્ણુભાઇ પટેલના પુત્ર ચિરાગ પટેલની 1788 મતની જંગી લીડથી જીત થઇ હતી.

ઊંઝા તાલુકાના ઉનાવા, બ્રાહ્મણવાડા, અમૂઢ, ભુણાવ, ભાંખર, લક્ષ્મીપુરા ઐઠોર ગ્રામ પંચાયતની મત ગણતરીને લઈ ઉમેદવારો તેમના સમર્થકો સાથે વહેલી સવારથી જ ઉમટી પડયા હતા. ચૂંટણીનું પરિણામ આવતા વિજેતા ઉમેદવારો તેમના સમર્થકો અબીલ ગુલાલની છોળો વચ્ચે ઢોલ નગારા સાથે તેમનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. ઉનાવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઊંઝા એપીએમસીના સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલના પુત્ર ચિરાગ 1788 વોટની લીડથી વિજેતા બન્યા હતા.

કડી તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં 19 ગ્રા. પં.ની મત ગણતરી સંપન્ન

નંદાસણમાં મહેમુદાબીબી સૈયદ, બુડાસણમા આશાબેન રબારી જીત્યા
કડી તાલુકાની 19 ગામ પંચાયતોની મત ગણતરી શહેરના દેત્રોજ રોડ સ્થિત અમૃત વિધાસંકુલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાઇ હતી.સવારે નવ કલાકે થી શરૂ કરી સાંજના 4:53 કલાકે શાંતિપૂર્ણ માહોલમા મતદાન ગણતરી સંપન્ન થઈ હતી.વેકરા પંચાયત સરપંચની એક મતે જીત થઈ હતી. કડીની 19 ગામ પંચાયતોમાં સરપંચ પદ માટે 52 ઉમેદવારો અને કુલ 61 વોર્ડના સભ્યો માટે 140 ઉમેદવારો મેદાને પડ્યા હતા.રવિવારે ચૂંટણી થયા બાદ મંગળવારે કડીના દેત્રોજ રોડ સ્થિત અમૃત વિધાસંકુલ ખાતે મત ગણતરી હાથ ધરાઇ હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે નવ કલાકે મતદાન ગણતરી નરસિંહપુરા ગામથી શરૂ કરી છેલ્લે સાંજે 4:53 કલાકે નંદાસણ ગામ પંચાયતની ગણતરી પૂર્ણ કરાઈ હતી. તાલુકાની સૌથી મોટી રાજપુર ગામ પંચાયતના રસાકસીભર્યા ચૂંટણી જંગમા ઈસ્માઈલખા પઠાણ ઉર્ફે બટી માત્ર 32 વર્ષની ઉંમરે સરપંચ પદે વિજેતા બન્યા તેમના પર પૈસા ઉછાળી ટેકેદારોએ ઉમળકાભેર સ્વાગત સાથે ઉંચકી લીધો હતો. વેકારા ગામ પંચાયતના સરપંચ અમૃતાબેન બાબુભાઈ સેનમા 01 મતે વિજેતા બન્યા હતા.

કાંસા એનએના વોર્ડ નં.16માં રિકાઉન્ટ બાદ એક મતે જીત
વિસનગર તાલુકાની કાંસા એનએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે ચર્ચાસ્પદ રહેલ વોર્ડ નં.16માં રણજીતભાઇ નારાયણભાઇ બારોટ, મનોજકુમાર દિલીપસિંહ બારોટ, કલ્પેશકુમાર જ્યંતિલાલ પટેલ અને રવિ કનૈયાલાલ પટેલ એમ ચાર ઉમેદવારો હતા. જેમાં રણજીતભાઇ બારોટને 246 અને મનોજકુમાર દિલીપસિંહ બારોટને 245 મત મળતાં ચૂંટણી અધિકારીએ રણજીતભાઇને વિજેતા જાહેર કર્યા હતા. જેમાં મનોજકુમારે રિકાઉન્ટીંગની માંગણી કરતાં ચૂંટણી અધિકારી દ્વારા પુન: મત ગણતરી હાથ ધરાઇ હતી. જેમાં રણજીતભાઇમાંથી એક મતપત્રક ફાટેલું હોઇ તેને અમાન્ય ગણતાં બંને મુખ્ય હરીફોના સરખા 245 મત થયા હતા. ત્યાર બાદ મનોજભાઇના મતપત્રકોની ગણતરીમાં એક મતપત્રકમાં અંગૂઠો મારેલો હોઇ તેને પણ અમાન્ય ગણતાં તેમના 244 મત થતાં રણજીતભાઇને રિકાઉન્ટીંગ બાદ પણ એક મતે વિજેતા જાહેર કરાયા હતા.

જગાપુરામાં પૂર્વ મામ.નાં પત્ની જીત્યા, 4 યુવા સરપંચ બન્યા
વડનગર તાલુકાની 7 ગ્રામ પંચાયતમાં યોજાયેલી ચૂંટણીનું મંગળવારે પરિણામ જાહેર કરાયું હતું. જેમાં વિજેતા બનેલા ઉમેદવારોએ વિજયોત્સવ મનાવ્યો હતો. સવારથી ઉમેદવારોના સમર્થકો સાથે મત ગણતરી કેન્દ્ર પર ઊમટી પડ્યા હતા. જગાપુરા ગામમાં પૂર્વ મામલતદાર રજુજી ઠાકોરનાં પત્ની શારદાબેન ઠાકોર સરપંચ પદે વિજયી બન્યા હતા. આ ઉપરાંત, ચાર યુવા ઉમેદવારો સરપંચ પદે વિજયી બન્યા છે. મામલતદાર આર.ડી. અઘારાની અધ્યક્ષતા હેઠળ મત ગણતરી યોજાઈ હતી. મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી મત ગણતરી સાંજ સુધી ચાલુ રહી હતી.

જોટાણા ગ્રા. પંચાયતમાં ત્રિપાંખિયા જંગમાં પૂર્વ સરપંચના પતિની હાર, વિષ્ણુભાઈ રબારી સામે હૈદરભાઈ ટાંક 419 મતે જીત્યા

જોટાણામાં સૌથી વધુ 419 મતની લીડ અને ભટારીયામાં સૌથી ઓછા 52 મતની પાતળી લીડથી હાર-જીત
જોટાણા તાલુકાની 7 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરી અહીંની ડૉ. એન.પી. પટેલ પોલિટેકનિક કોલેજમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઇ હતી. જોટાણા ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચના પતિ વિષ્ણુભાઈ ભીખાભાઇ રબારી સહિત ત્રણ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ હતો. જેમાં હૈદરભાઈ કેશુભાઈ ટાંકની 419 મતની લીડથી જીત થઇ હતી. તેમના સમર્થકોએ મત ગણતરી કેન્દ્ર બહાર લોકોને મિઠાઈ વહેંચી ઊજવણી કરી હતી. તાલુકામાં સૌથી મોટી 419 મતની લીડથી જોટાણાના હૈદરભાઈ ટાંક, જ્યારે ભટારીયા ગ્રામ પંચાયતમાં વિજયાબેન મધુસુદનભાઈ પરમાર 52 મતની સૌથી ઓછી સરસાઈથી જીત્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...