તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાએ વાલીની કમાણી ઘટાડી:ધો-10 સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ભણનારા સંતાનોને હવે ધો-11માં ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ અપાવ્યો

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના પછી મોંઘવારીમાં ખર્ચા કાપ, ઓનલાઇન શિક્ષણના કારણે શાળા પસંદગી બદલાઇ

કોરોનાકાળ ધંધા-રોજગાર અને નોકરીમાં અનેક લોકોને વત્તા ઓછા પ્રમાણમાં આવકમાં ડામ આપી ગયો છે. હાલ કોરોના હળવો થયો છે પણ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધતાં ખર્ચનો આંકડો વધી ગયો છે. જેમાં શિક્ષણ પણ બાકાત નથી. હાલ ધો.11માં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે મહેસાણા શહેરમાં 100 થી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10માં સેલ્ફ ફાઇનાન્સ શાળામાં ભણ્યા, પરંતુ હવે ધો.11માં ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. હજુ પણ આવા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે.

ધો.10 પછી જે સેલ્ફ ફાયનાન્સ શાળામાં ભણ્યા તેમાં જ કેમ પ્રવેશ ન લીધો, ગ્રાન્ટેડમાં પ્રવેશ કેમ તે અંગે વાલીઓના વિચારો જાણ્યા, તો કોરોનાએ કમાણીને અસર કરી અને હાલ પણ ઓનલાઇન શિક્ષણ જ ચાલે છે તો ખોટો સેલ્ફ ફાઇનાન્સમાં ધો.11-12 પાછળ રૂ.બે લાખ જેટલી ફીનો ખર્ચ શા માટે કરવો. હજુ કોરોનાની ત્રીજી લહેરની સંભાવના પણ છે. ક્યારે શાળાઓ વિદ્યાર્થીઓ માટે ખુલશે તે હજુ સ્પષ્ટ નથી.

આવામાં ખોટા ખર્ચ ટાળી રહ્યા છીએ. કોરોનાએ આવક ઘટાડી છે અને ઓનલાઇન શિક્ષણ, ગ્રાન્ટેડમાં શિક્ષણ સ્તર પહેલાં કરતાં સુધાર જેવા કારણો પણ સામે આવી રહ્યા છે. મહેસાણાની નાલંદા હાઇસ્કૂલના આચાર્ય ર્ડા. પરેશભાઇ પટેલે કહ્યું કે, ખાનગી શાળાઓમાંથી આ વર્ષે અમારી ગ્રાન્ટેડ શાળામાં ધો.11માં 70 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે.

કોરોના કાળમાં કમાણી ઓછી થઇ
સંયુક્ત ફેમિલીમાં અમે બે ભાઇઓનાં ચાર બાળકો છે. ગાડી કન્સલ્ટિંગનો વ્યવસાય છે. કોરોનામાં એકાદ વર્ષથી ધંધામાં કમાણી ઓછી થઇ છે. સેલ્ફ ફાઇનાન્સમાં ખર્ચા વધી જાય એટલે ધો.10 સુધી દીકરીને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ભણાવી, હવે ગ્રાન્ટેડમાં પ્રવેશ લીધો છે. તેની સહેલીઓ પણ સેલ્ફ ફાઇનાન્સથી ગ્રાન્ટેડ શાળામાં આવી છે. - યોગેશભાઇ પ્રજાપતિ, વાલી

ખાનગી નોકરીમાં 2 વર્ષથી પગાર વધ્યો નથી
જીઆઇડીસીમાં ખાનગી નોકરી કરીએ છીએ. કોરોનાના કારણે બે વર્ષથી પગાર વધ્યો નથી. આવામાં પ્રાઇવેટ સ્કૂલમાં ફીથી ખર્ચ વધી જાય. દીકરાને સેલ્ફ ફાઇનાન્સથી હવે ગ્રાન્ટેડ શાળામાં એડમિશન કર્યુ છે. તેને ધો.10માં 97 ટકા છે. - મનિષભાઇ પટેલ, વાલી

હવે ગ્રાન્ટેડ સ્કૂલમાં એડમિનશ લીધું છે
આમ પણ હાલ ઓનલાઇન શિક્ષણમાં છોકરાંને ભણવાની મજા આવતી નથી. સરકારીમાં મૂકો કે ખાનગીમાં બધે ઓનલાઇન તો સરખું જ ભણવાનું હોય છે. વેપારમાં મંદી છે. આવામાં ખાનગી સ્કૂલનો ખોટો ખર્ચ કરવો તેના કરતાં દીકરાને વધુ સાહિત્ય પાછળ જરૂરી ખર્ચ કરીએ તે સારૂ. ધો.10માં 94 ટકા છે. હવે ગ્રાન્ટેડ સ્કૂલમાં એડમિશન લીધું છું. - દિનેશભાઇ પટેલ, વાલી

અન્ય સમાચારો પણ છે...