કામગીરી:આતંકી હુમલાના એલર્ટ વચ્ચે મહેસાણા જિલ્લામાં મહત્વના સ્થળો પર ચેકિંગ કર્યું

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહુચરાજી મંદિર, મોઢેરા સૂર્યમંદિર, મહેસાણા સહિત બોંબ સ્કવોડની સાથે કામગીરી
  • ત્રણ દિવસ ચાલેલા ચેકિંગમાં કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નથી : પોલીસ

આતંકવાદી હુમલા અંગે રાજ્યમાં અપાયેલા એલર્ટ બાદ મહેસાણા જિલ્લામાં પણ એસઓજીએ બોમ્બ સ્કવોડની ટીમને સાથે રાખી બહુચરાજી મંદિર અને મોઢેરા સૂર્યમંદિર સહિતની મહત્વની જગ્યાઓ ઉપર ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જોકે, કોઈપણ જગ્યાએથી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી ન હતી. ​​​​​​અલકાયદા દ્વારા અપાયેલા આતંકવાદી હુમલાના મેસેજ બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા એલર્ટ અપાયું હતું.

જેને પગલે મહેસાણા જિલ્લામાં પણ એસપી અચલ ત્યાગીના આદેશને પગલે એસઓજીએ બોમ્બ સ્કવોડની ટીમને સાથે રાખી 8, 9 અને 10 તારીખે સતત ત્રણ દિવસ મહત્વની જગ્યાઓ ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું અને શંકાસ્પદ વ્યક્તિઓ ઉપર વોચ પણ ગોઠવી આતંકવાદી હુમલાની સૌથી વધુ જ્યાં શક્યતા હોય છે તેવી ભીડભાડવાળી જગ્યા મહેસાણા શહેરના એસટી ડેપો અને ડી માર્ટ મોલ તેમજ રેલવે સ્ટેશન સહિતની જગ્યાઓ ઉપર પ્રથમ દિવસે, જ્યારે બીજા દિવસે મરતોલી ચેહર માતાજીના મંદિરે, શક્તિપીઠ બહુચરાજી ખાતે બહુચર માતાજીના મંદિર સહિતના ધાર્મિક સ્થાનોમાં અને મોઢેરા સૂર્યમંદિર ખાતે તેમજ ત્રીજા દિવસે સંવેદનશીલ ગણાતા કડીના ગાંધીચોક, બસ સ્ટેન્ડ તેમજ શેફાલી સિનેમા સર્કલ સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ત્રણ દિવસ ચાલેલી આ ચેકિંગ કામગીરીમાં કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી નથી.

અન્ય સમાચારો પણ છે...