રાજકીય અગ્રણીએ જવાબ માંગતા કર્મચારીઓએ કહ્યું "માસ્ક નહીં પહેરીએ તમારે જે કરવું હોય તે કરી લો"
મહેસાણા જિલ્લા કલેકટર કચેરીના પ્રાંગણમાં આવેલી જિલ્લા તિજોરી કચેરીના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની કોરોના તેમજ કોરોના ગાઈડલાઈન મુદ્દે બેદરકારી જોવા મળી હતી. અહીં જાણે કે સાહેબોનું રાજ ચાલતું હોય તેમ કોરોના ગાઇડ લાઇનને કચરાપેટીમાં નાખીને અહીંના સરકારી બાબુઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. જેમાં આ કચેરીમાં પ્રવેશ કરનાર તમામને માસ્ક પહેરવું ફરજિયાત હોવા છતાં અહિના કર્મચારીઓ વિના માસ્કે કામ કરતા જોવા મળ્યા હતા.
સરકાર અને તેમના વહીવટી તંત્ર દ્વારા સરકારી કચેરીઓમાં પ્રવેશ અંતર્ગત કોરોનાની રસી લીધેલી હોવી જોઈએ અને માસ્ક વગર કોઈને પણ પ્રવેશ ન આપવો તેવો આકરો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. જોકે આ તમામ નિયમો આમ જનતાને જ લાગુ પડતા હોવાની વધુ એક વખત સાબિતી અહીંની જિલ્લા તિજોરી કચેરીમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓએ આપી દીધી છે. મોઢા પર માસ્ક લગાવ્યા વગર કામ કરતા અહીંના સરકારી બાબુઓ એ ભૂલી ગયા છે કે કચેરીમાં કામ અર્થે આવતાં અરજદારો અને ખાસ કરીને પેન્શન બાબતે આવતા વડીલો આપનામાંથી જ કોઈ પાસેથી કોરોના જેવા ગંભીર રોગનો ચેપ લઈ ઘરે જશે અને તેમનો જીવ જોખમમાં મુકાશે તેની જવાબદારી કોણ લેશે તેવા પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.
જિલ્લા તિજોરી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ માસ્ક શા માટે નથી બાંધતા તે અંગે તેમની પાસેથી મહેસાણા પાલિકાના પૂર્વ પ્રમુખ અને રાજકીય અગ્રણી જયદીપસિંહ ડાભીએ જવાબ માંગતા અહીંના સાહેબો ‘લાજવાને બદલે સામે ગાજવા લાગ્યા હતાં’ અને કહી દીધું હતું કે અમે માસ્ક નહીં પહેરીએ તમારે જે કરવું હોય તે કરી લો. નોંધનીય છે કે કોંગ્રેસ રાજકીય અગ્રણીએ સોશિયલ મીડિયામાં આના ફોટો પણ વાયરલ કર્યા હતા.
હવે પ્રશ્ન અહીં એ થાય છે કે રાજ્યના મુખ્યપ્રધાન અને આરોગ્ય મંત્રી કોરોનાથી બચવા અંગે લોકોને ગમે એટલા ભાષણો આપે કે પછી જનજાગૃતિ માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરે, પરંતુ જ્યાં સુધી તેમની જ સરકારના આવા કર્મચારીઓ બેદરકારી દાખવતા રહેશે ત્યાં સુધી તમે જે કંઈ પણ જનતા માટે કરશો તે બધું જ પાણીમાં પડ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ થતી જોવા મળશે. આથી આવા સરકારી કર્મચારીઓને સરકારી નિયમોથી અત્યંત કડક રીતે બાંધી નિયમ પાલન કરાવવાની જરૂરિયાત ઉભી થઈ છે. જેથી ગાઈડલાઈનનું સર્વત્ર પાલન થઈ શકે અને લોકો સુરક્ષિત રહી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.