મહેસાણા શહેરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્ટાર રેટિંગ માટે બે સદસ્યોની કેન્દ્રીય ટીમ મુલાકાતે આવી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઇ કામગીરી તેમજ લોક પ્રતિભાવો મેળવી રહ્યા છે. શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ સ્ટાર રેટિંગના પેરામીટર્સ મુજબ કેન્દ્રીય ટીમના બે પ્રતિનિધિઓ મોબાઇલ લોકેશન આધારે વિવિધ વિસ્તારમાં રોજિંદી રોડ સફાઇ, ડોર ટુ ડોર કચરા કલેક્શન, લોક ફરિયાદો, ફીડબેક, ગંદા પાણી નિકાલની વ્યવસ્થા, ઘનકચરા નિકાલની વ્યવસ્થા સહિતના માપદંડો આધારે સ્થળ મુલાકાત લઇ સર્વેક્ષણ કરી રહ્યા છે.
ગાંધીનગર ઝોન પ્રાદેશિક કમિશ્નર કચેરીના અધિક કલેકટર ગઢવીએ મહેસાણા પાલિકાની આકસ્મિક મુલાકાત લઇ વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે મોડલ ફાયર સ્ટેશન માટે સીઓ સાથે નાગલપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વધારાની જગ્યાની મુલાકાત લીધી હતી. તેમજ હાલના પાલિકાના ફાયર સ્ટાફને વિભાગીય સ્ટાફમાં સમાવેશ કરવા જરૂરી સૂચન કર્યા હતા. જ્યારે શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વ્યક્તિગત ઘર બાંધકામ સહાયમાં મંજૂર 1157 પૈકી 577 આવાસ પૂર્ણ થયા છે.
જ્યારે બાકીના 580 આવાસોનાં કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. પીએમ સ્વનીધિ યોજનામાં વધુ શહેરી ફેરિયાઓને વિના વ્યાજે લોન સહાયમાં આવરી લેવા માર્ગદર્શન આપ્યું હતું. શહેરમાં આ યોજના હેઠળ 1038 ફેરિયાને લોન અપાઇ છે. વેરા પ્રોત્સાહક વળતર યોજનામાં કુલ રૂ.2.85 કરોડ વેરા વસુલાત અને 3761 મિલકત ધારકોએ આ યોજનાનો લાભ લીધો હોઇ કામગીરીની સમીક્ષા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.