મુલાકાત:કેન્દ્ર સરકારના "હર ઘર દસ્તક' અભિયાનનો ગુજરાતમાં મહેસાણાથી આરંભ, ઉચ્ચ અધિકારીઓએ 25 ગામ ખૂંદ્યા

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડોર ટુ ડોર રસીકરણ છતાં મહેસાણા જિલ્લામાં 32 ટકાએ બીજો ડોઝ લેવાનો બાકી

કેન્દ્ર સરકારના હર ઘર દસ્તક અભિયાનનો ગુજરાતમાં મહેસાણા જિલ્લાથી આરંભ કરાયો છે. જેમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ સમયસર લેવાયેલા નથી તેવા 25 ગામોની પસંદગી કરાઈ છે. આ અભિયાન ફક્ત બીજો ડોઝ સમયસર લેવા માટે નાગરિકો પ્રોત્સાહિત થાય તે માટે શરૂ કરાયું છે. મહેસાણા બાદ રાજ્યના અન્ય જિલ્લામાં પણ કાર્યક્રમ થનાર છે.

આ અભિયાન અંતર્ગત આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે અને રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ મહેસાણા જિલ્લાની મુલાકાત લીધી હતી. બાદમાં સરકીટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં આશા તથા આરોગ્ય સ્ટાફ સાથે મુલાકાત કરી લાભાર્થીઓ કેવા કારણોસર રસી લેતા નથી તેની વિસ્તૃત ચર્ચા કરી આ પ્રકારના કારણોનું સરળતાથી નિરાકરણ લાવી રસીકરણ પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. બેઠકમાં કલેક્ટર ઉદિત અગ્રવાલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિષ્ણુભાઇ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ મેવડની મુલાકાત લઇ રસીકરણની કામગીરીની ચકાસણી કરી હતી. વિજાપુર તાલુકાના 8, વિસનગર તાલુકાના 8 અને મહેસાણા તાલુકાના 9 મળી 25 ગામોમાં રાજ્ય કક્ષાએથી આરોગ્ય અધિકારીઓએ ઘેર ઘેર મુલાકાત કરી રસીકરણનો પ્રથમ તથા બીજો ડોઝ નહીં લેનાર લાભાર્થીઓને સમજણ આપી હતી.

મુલાકાત લીધેલા ગામોનાં નામ
વિસનગર તાલુકામાં ભાલક, પુદગામ, ઉદલપુર, દઢિયાળ, ઘાઘરેટ, કડા, બોકરવાડા, દેણપ, વિજાપુર તાલુકામાં બામણવા, હિરપુરા, ડાભલા, જંત્રાલ, ખણુંસા, ગેરીતા, રામપુરા, રણસીપુર, મહેસાણા તાલુકામાં અલોડા, હેડુવા (રાજગર), બુટ્ટાપાલડી, દવાડા, ગોરાદ, મેવડ, બિલાડીબાગ આંગણવાડી, ભાસરિયા, અને મગુના.

મુલાકાત સમયે લોકોએ આવા કારણ બતાવ્યા
1. તાવની બીકથી 2. વતનથી અન્ય જગ્યાએ કામધંધા માટે બહારગામ જવાનું હોવાથી 3. મોટાભાગે રસી લીધેલી છે પરંતુ એન્ટ્રી થયેલી નથી અને 4. રસી માટે કોઈ ખાસ વિરોધ નહીં હોવાના કારણો જાણવા મળ્યા.

અન્ય સમાચારો પણ છે...