મહેસાણા જિલ્લામાં ધોરણ 10 અને 12ના 5 ઝોનના 71 કેન્દ્રોમાં 14 માર્ચથી 57,506 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થનાર છે. 200 બિલ્ડિંગોમાં લેનાર આ પરીક્ષા પર સીસીટીવી કેમેરાની નજર રહેશે. જ્યારે પરીક્ષામાં ગેરરીતિ ડામવા કલેક્ટર સૂચિત વર્ગ 1 અને 2 કક્ષાના અધિકારીઓને કેન્દ્રમાં સ્કવોડ તરીકે મૂકાશે.
બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ મુક્તમને આપી શકે તેવી વ્યવસ્થા કરવા સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ગુરુવારે મળેલી જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકમાં કલેક્ટર એમ નાગરાજને જરૂરી સૂચનાઓ આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ડો. એ.કે. મોઢ દ્વારા ધો.10ના મહેસાણામાં બે અને વિસનગરમાં એક ઝોન તેમજ ધો.12ના મહેસાણા અને વિસનગરમાં એક-એક ઝોનનું પ્લાનિંગ રજૂ કરાયું હતું. પરીક્ષા સ્થળે વાલીઓની ભીડ ન થાય અને કેન્દ્રમાં શાંતિભર્યો માહોલ જળવાઇ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. પરીક્ષા સ્થળે વિદ્યાર્થીઓ સમયસર અવરજવર કરી શકે તે માટે એસટી બસની વ્યવસ્થા કરવા એસટી નિયામકને સૂચના અપાઇ હતી.
જ્યારે કોઇ પરીક્ષાર્થીને આરોગ્યલક્ષી તકલીફ ઉભી થાય તો ત્વરિત નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર મળી રહે તેવું આયોજન કરવા આરોગ્ય અધિકારીને, જ્યારે સવારે 10.15થી સાંજે 6.15 સુધી પરીક્ષા સ્થળોએ વીજળી અવિરત ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવા વીજકંપનીને સૂચના અપાઇ હતી. સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ સર્વેલન્સ હોઇ વીજ સપ્લાય ચાલુ રહે તેની તકેદારી રાખવા કહેવાયું હતું.
પરીક્ષામાં જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરાશે....
વાલીઓ અને વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે 13 માર્ચથી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા કંટ્રોલરૂમ સવારે 7 થી રાત્રે 8 સુધી કાર્યરત રહેશે અને આ દરમિયાન જિલ્લા કક્ષાએ ફોન 02762 221171 નંબર કાર્યરત રહેશે.
દરેક કેન્દ્રમાં પરીક્ષા દરમિયાન થનાર સીસીટીવી રેકોર્ડિંગની સીડી બે ઝોનમાં વ્યૂઇંગ ટીમની ચકાસણીમાં જશે. જ્યાં પરીક્ષાના રેકોર્ડિંગની સીડીઓનું નિરીક્ષણ કરાશે. ચકાસણીમાં કુલ 14 કર્મચારીઓ બે સેન્ટરમાં કાર્યરત રહેશે. જેમાં કોઇ શંકાસ્પદ કેસ જણાશે તો શિક્ષણ બોર્ડને રિપોર્ટ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.