બેદરકાર તંત્ર:મંજૂરી વાંકે 34 સોસાયટીમાં સીસી રોડનું કામ ટલ્લે

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકાના પદાધિકારીઓની શહેરી વિકાસ મંત્રી સમક્ષ હૈયાવરાળ..સાહેબ, લોકફાળો ભર્યાના 8 મહિના થયા હજુ સૈદ્ધાંતિક મંજૂરી મળી નથી
  • ~27.14 કરોડનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વર્કઓર્ડર આપ્યાને એક વર્ષ થઇ ગયું પણ હજુ શરૂ નથી થયો

મહેસાણા શહેરમાં લોકભાગીદારીથી ખાનગી સોસાયટીઓમાં સીસી રોડ અને પાણીની લાઇનના કામોની શહેરી વિકાસ વિભાગમાંથી સૈદ્ધાંતિક મંજૂરી નહીં મળવાના કારણે લોકફાળો ભર્યાના 8 થી 9 મહિને કામો શરૂ થઇ શક્યા નથી. 34 સોસાયટીઓના કામોની મંજૂરી મળેલી છે, પરંતુ હજુ સૈદ્ધાંતિક મંજૂરી આવી નથી. આ કામો ઉપરાંત અટવાયેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંગે ઘટતું કરવા સોમવારે મહેસાણા ખાતે શહેરી વિકાસ મંત્રી સમક્ષ નગરપાલિકાના પદાધિકારીઓએ સુધારા અને સૂચનો કર્યા હતા.

મહેસાણા સરકીટ હાઉસમાં રાજ્ય કક્ષાના શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયાએ જિલ્લાની નગરપાલિકાઓના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મહેસાણા નગરપાલિકા દ્વારા અંદાજે રૂ.43.51 કરોડના ખર્ચે 651 સોસાયટીઓમાં જનભાગીદારી સ્કીમમાં સીસી રોડના કામ પૂર્ણ કરાયા છે અને વધુ 34 સોસાયટીઓના કામોને મંજૂરી મળી છે, પરંતુ સૈદ્ધાંતિક મંજૂરીમાં શહેરી વિકાસ વિભાગ કક્ષાએથી ખૂબ સમય લાગતો હોઇ સોસાયટીઓએ લોકફાળો ભર્યાના 8 મહિના પછી પણ કામગીરી શરૂ થઇ શકી નથી. તો કામોની ઝડપથી સૈદ્ધાંતિક મંજૂરી આપવા રજૂઆત કરાઇ હતી.

જ્યારે નાગલપુર અને માનવ આશ્રમ વિસ્તારમાં નર્મદા આધારિત પાણી પૂરું પાડવા નાગલપુર ખાતે 20 એમએલડીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથેનો રૂ. 27.14 કરોડનો પ્રોજેક્ટનું કામ જીયુડીએમ દ્વારા જાન્યુઆરી 2021થી પાણી પુરવઠા બોર્ડને સોંપાયું છે. જૂન 2021માં એજન્સીને વર્કઓડર અપાયો હતો અને નગરપાલિકા દ્વારા ગત માર્ચ મહિનામાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જમીન પાણી પુરવઠા બોર્ડને સંપાદન કરી સોંપણી કરાઇ છે. તેના 7 મહિના પછી પણ હજુ સુધી કોઇ કામગીરી થઇ નથી. ત્યારે સત્વરે આ પ્રોજેક્ટનું કામ શરૂ કરાવવા રજૂઆત કરાઇ હતી. મંત્રીએ રૂ.10 કરોડથી વધુના પ્રોજેક્ટ કામો રાજ્ય કક્ષાએથી ઝડપથી કરાવવા પ્રયાસો ચાલુ હોવાનું જણાવ્યું હતું.

9 વર્ષના અંતે પણ એસટીપી પ્લાન્ટનું કામ અધૂરું
મહેસાણામાં જીયુડીસી દ્વારા 9 વર્ષના અંતે પણ એસટીપી પ્લાન્ટની કામગીરી પૂર્ણ થઇ ન હોઇ નગરપાલિકા કક્ષાએથી કરાવવા સુધારા માટે સૂચન કરાયું હતું. એસટીપી પ્લાન્ટનું સિવિલ વર્ક પૂર્ણ થયું છે અને મિકેનિકલ વર્ક પૂર્ણતાએ હોવાનું જીયુડીસીના સૂત્રોએ જણાવ્યું હતું.

સ્ટ્રીટલાઇટ મરામતનું કામ કરતી એજન્સી બદલો
બેઠકમાં શહેરમાં ઇઇએસએલ કંપનીરાહે સ્ટ્રીટલાઇટ મરામત અને નિભાવણીની કામગીરીમાં કંપનીની સર્વિસ સમયસર મળતી ન હોવાની રાજ્યમાં તમામ પાલિકાઓની ફરિયાદો હોઇ આ અંગે રાજ્ય કક્ષાએથી વિચારણા કરવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું. પાલિકામાં ભરતીબોર્ડ બનાવવા, મહેસાણામાં જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બની રહ્યું તેમાં અલગથી મહેકમ મંજૂર કરી કર્મચારીઓની ભરતી કરવા રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...