• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Candidates From The Same Caste On 16 Seats: Thakor Against Thakor On 5 Seats, Both Patidars On 3 And Both Chaudhary Candidates On 2

વિધાનસભા સંગ્રામ 2022:16 બેઠકો પર એક જ જ્ઞાતિનાં ઉમેદવારો : 5 બેઠક પર ઠાકોર સામે ઠાકોર, 3માં બંને પાટીદાર અને 2માં બંને ચૌધરી ઉમેદવારો વચ્ચે જંગ

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠા અને સાબરકાંઠામાં એસસી અને એસટી અનામત વર્ગની 3-3 બેઠકો ઉપર પણ ખરાખરીનો રાજકીય રંગ જામશે
  • ​​​​​​​ઉત્તર ગુજરાતની​​​​​​​ 27 બેઠકો પર જ્ઞાતિનાં ચોકઠાં ગોઠવાયાં

ઉત્તર ગુજરાતની વિધાનસભાની 27 બેઠકો માટે 5મી ડિસેમ્બરે મતદાન છે. ઉમેદવારો પત્રો ભરાઈ ગયા બાદ 21મીએ ફોર્મ પરત ખેંચાયા બાદ આખરી ચિત્ર સ્પષ્ટ થશે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ હોય કે કોંગ્રેસ વિકાસ અને પ્રજાકીય પ્રશ્નો મુદ્દે ચૂંટણી લડવાના ભલે ગાણાં ગાતાં હોય, પરંતુ હકીકત એ છે કે અહીં કોઈ મુદ્દા નહીં, પરંતુ માત્ર ને માત્ર જ્ઞાતિવાદ પર મત પડે છે અને એટલે જ ઉમેદવારોની પસંદગીમાં મુખ્ય બંને રાજકીય પક્ષો દ્વારા જ્ઞાતિનાં સમીકરણો ગોઠવાય છે.

આ ચૂંટણીની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતની 27માંથી 16 એટલે કે 60 ટકા બેઠકો એવી છે કે જ્યાં એક જ જ્ઞાતિના ઉમેદવાર સામસામે મેદાનમાં છે. જેમાં 5 બેઠકો પર ઠાકોર સામે ઠાકોર, ત્રણ બેઠકો પર પાટીદાર સામે પાટીદાર અને બે બેઠકો પર ચૌધરી સામે ચૌધરી ઉમેદવાર છે. જ્યારે અનામત કેટેગરીમાં અનુસૂચિત જાતિની ત્રણ અને અનુસૂચિત જનજાતિની ત્રણ બેઠકો છે.

મહેસાણા જિલ્લામાં વિજાપુર સિવાયની 6 બેઠકો પર ભાજપ- કોંગ્રેસના ઉમેદવાર એક જ સમાજના, મહેસાણા, ઊંઝા અને વિસનગરમાં બંને પાટીદાર
મહેસાણા જિલ્લામાં સૌથી વધુ મત પાટીદાર, ઠાકોર, દલિત, દરબાર અને ચૌધરી સમાજના છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે ઉમેદવાર પસંદગીમાં તેને ધ્યાને લીધા હોય તેમ વિજાપુર સિવાયની અન્ય 6 બેઠકો પર બંને ઉમેદવાર એક જ સમાજના છે. મહેસાણા, ઊંઝા અને વિસનગરમાં બંને પાટીદાર, બહુચરાજીમાં બંને ઠાકોર, ખેરાલુમાં બંને ચૌધરી અને કડીમાં બંને અનુસૂચિત જાતિના ઉમેદવાર છે. વિજાપુરમાં પાટીદાર સામે ક્ષત્રિય ઉમેદવાર છે.

પાટણ જિલ્લામાં સૌથી મોટી વોટબેંક ઠાકોર-ક્ષત્રિયની છે. ત્યારબાદ પાટીદાર, રબારી, દલિત અને ચૌધરી સમાજના મતદારો છે. જેને ધ્યાન લઇ ભાજપે બે ઠાકોર, એક રાજપૂત અને એક રબારી સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે બે ઠાકોર, એક રબારી અને એક પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ચાણસ્મા બેઠક પર ઠાકોર સામે ઠાકોર ઉમેદવાર છે. તો સિદ્ધપુરમાં ક્ષત્રિય સામે ઠાકોર ઉમેદવાર છે.

બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ક્ષત્રિય ઠાકોર, ચૌધરી, બ્રાહ્મણ, માળી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પાટીદાર મતદારો છે. જેને ધ્યાને લઈ ભાજપ- કોંગ્રેસ બંનેએ બે-બે ઠાકોર અને બે-બે ચૌધરી ઉમેદવારને ટિકિટ આપી છે. જે પૈકી વાવ અને દિયોદર બેઠક પર ઠાકોર સામે ઠાકોર, જ્યારે ધાનેરામાં ચૌધરી સામે ચૌધરી ઉમેદવાર છે. જ્યારે દાંતામાં એસટી અને વડગામમાં બંને એસસી ઉમેદવારો છે. કાંકરેજમાં ક્ષત્રિય સામે ઠાકોર ઉમેદવાર છે.

સાબરકાંઠા જિલ્લામાં ક્ષત્રિય-ઠાકોર, એસસી, એસટી, પાટીદાર મતદારો વધુ હોઇ ટિકિટ વહેંચણી પણ એ પ્રમાણે કરાઇ છે. જેમાં ભાજપે ક્ષત્રિય, ઠાકોર, એસસી અને એસટીને એક-એક ટિકિટ આપી છે. તો કોંગ્રેસે ઠાકોર, પટેલ, એસસી અને એસટીને ઉમેદવાર બનાવ્યા છે. પ્રાંતિજ બેઠક ઉપર ઠાકોર સામે ઠાકોર, તો ખેડબ્રહ્મામાં બંને એસટી અને ઈડરમાં બંને એસસી ઉમેદવાર છે. હિંમતનગરમાં ક્ષત્રિય સામે પાટીદાર ઉમેદવાર છે.

અરવલ્લી જિલ્લામાં ક્ષત્રિય-ઠાકોર, અનુસૂચિત આદિજાતિ, ચૌધરી મતદારો વધુ હોઇ ભાજપે 2 ઠાકોર અને એસટીને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે એક ઠાકોર, એક ક્ષત્રિય અને એક એસટીને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં મોડાસામાં ઠાકોર સામે ઠાકોર, ભિલોડામાં એસટી સામે એસટી, જ્યારે બાયડમાં ઓબીસી સામે ક્ષત્રિય ઉમેદવાર છે.

અન્ય સમાચારો પણ છે...