છેતરપિંડી:એફએક્ષ બુલ્સ કંપનીમાં રોકાણ કરાવી રૂ. 24.80 લાખની ઠગાઈ, 2 સામે ગુનો

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અંબાસણના રહીશની પોલીસમાં અરજી બાદ 8 મહિને ફરિયાદ

મહેસાણાના મોઢેરા ચાર રસ્તા પાસે શ્યામમોલમાં આવેલી એફએક્સ બુલ્સ કંપનીના સંચાલકોએ રૂ. 24.80 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ અંબાસણના રહીશે નોંધાવતાં ચકચાર મચી છે. અંબાસણના ઈન્દિરાનગરમાં રહેતા પ્રકાશભાઈ શંકરભાઈ પરમાર ઓએનજીસીની એસ્મીક સર્વે યુનિટ બરોડામાં સુપરવાઈઝર છે. તેમણે મોઢેરા ચોકડી પાસે શ્યામમોલના ત્રીજા માળે ચાલતી એફએક્સ બુલ્સ કંપનીમાં વર્ષ 2019માં ટુકડે-ટુકડે રૂ.24,80,000નું રોકાણ કર્યું હતું.

રોકાણ બાદ અઢી વર્ષ થવા આવ્યા છતાં પણ વળતર નહીં ચૂકવતાં તેમણે 26 ડિસેમ્બર, 2020ના રોજ લાંઘણજ પોલીસને છેતરપિંડી અંગે અરજી કરી હતી. જે અરજી અનુસંધાને મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 8 મહિના બાદ બુધવારે એફએક્સ બુલ્સ કંપનીના સંચાલકો સુથાર દિક્ષિત કાંતિલાલ (રહે. તિરૂપતિ ટાઉનશીપ, નાગલપુર, મહેસાણા) અને ચૌધરી પ્રદિપ સાલુભાઈ (રહે.ગોકળગઢ, તા.જોટાણા, હાલ રહે. સંતોષનગર સોસાયટી, બસ સ્ટેન્ડ સામે, વિસનગર) સામે રૂ.24.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.

પહેલાં ‌વિશ્વાસ કેળવ્યો પછી છેતરપિંડી
અંબાસણના પ્રકાશ પરમારે ફોરેક્ષ ટ્રેડિંગનું કામકાજ કરતી એફએક્સ બુલ્સમાં વર્ષ 2018માં રૂ.10 લાખનું રોકાણ કર્યું હતું. એક મહિના પછી નફા પેટે રૂ.1.20 લાખ ચૂકવી સંચાલકોએ વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ રૂ. 24.80 લાખનું રોકાણ મેળવી છેતરપિંડી કરી હતી.

કંપનીના સંચાલકો સામે બીજી ફરિયાદ
એફએક્સ બુલ્સ કંપનીના સંચાલકો દિક્ષિત સુથાર અને પ્રદિપ ચૌધરી સામે મંગળવારે વણાગલાની યુવતીને આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો નોંધાયો હતો. બુધવારે અંબાસણના રહીશે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.