તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમાધાન:બિઝનેસમેન અને પરિણીત સ્ત્રી કર્મચારી પ્રેમમાં પડ્યાં પત્નીએ પોલીસની મદદ માગતાં મૈત્રીકરાર રદ કરાવ્યો

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પોલીસ સહાયતા કેન્દ્રના પ્રયાસથી બિઝનેસમેન અને સ્ત્રી કર્મીનો સંસાર તૂટતાં બચી ગયો
  • સ્ત્રી કર્મીના માથામાં સિંદુર પૂરતો બિઝનેસમેનનો ફોટો પત્નીના હાથમાં આવી જતાં ખબર પડી

મહેસાણા જિલ્લાના એક બિઝનેસમેનને ઓફિસમાં સાથી કર્મચારી સાથે પ્રેમસંબંધ બંધાતાં મૈત્રીકરાર કરી સાથે ફરવા લાગતાં પત્નીને જાણ થઈ હતી. આથી પત્નીએ પોલીસ સહાયતા કેન્દ્રની મદદ લેતાં મૈત્રીકરાર કરનાર સ્ત્રી કર્મચારીએ તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે કહી સુખદ સમાધાન કરતાં બિઝનેસમેન અને સ્ત્રી કર્મચારીનો સંસાર તૂટતાં બચી ગયો હતો.

જિલ્લાના એક બિઝનેસમેનને 12 વર્ષના લગ્નજીવનથી બે સંતાનો હોવા છતાં ઓફિસમાં સાથી કર્મચારી સાથે પ્રેમસંબંધ થઈ ગયો હતો. સાથી સ્ત્રી કર્મચારીને પણ એક સંતાન હતું. પરંતુ, તેણીને સાસરિયાંમાં તકલીફ હોઇ પિયરમાં રહી નોકરી કરતી હતી. સ્ત્રી કર્મચારી અને બિઝનેસમેનનો પ્રેમ આગળ વધતાં મૈત્રીકરાર કરી અલગ-અલગ સ્થળોએ સાથે ફરવા પણ લાગ્યા હતા. એક સ્થળ ઉપર બંને ફરવા ગયા ત્યારે બિઝનેસમેન પતિએ સાથી સ્ત્રી કર્મીના માથામાં સિંદુર પૂરતો ફોટો પડાવ્યો હતો. આ ફોટો પત્નીના હાથમાં આવી જતાં તેણીએ કરેલી તપાસમાં બંનેએ મૈત્રીકરાર કર્યા હોવાની જાણ થઈ હતી. તેથી બિઝનેસ મેનની પત્નીએ મહેસાણા પોલીસ સહાયતા કેન્દ્રનો સંપર્ક કર્યો હતો.

સહાયતા કેન્દ્રનાં યામિનીબેન રાઠોડ અને નિલમબેન પટેલે ગૃપ મિટિંગ કરી કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. દરમિયાન મૈત્રી કરારવાળી સ્ત્રી કર્મચારીએ પણ પોલીસ સહાયતા કેન્દ્રનો સંપર્ક કરી બિઝનેસ મેને મૈત્રીકરાર કરી ચિટિંગ કર્યુ હોવાથી ફરિયાદ નોંધવાની માંગ કરી હતી. જોકે, કેન્દ્રનાં સંચાલિકાઓએ બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરાવી સ્ત્રી કર્મચારીએ કરાવેલો મૈત્રીકરાર રદ કરાવ્યો હતો. ત્યાર બાદ સ્ત્રી કર્મચારીને સાસરીમાં ત્રાસ હોવાથી એક સંતાન સાથે પિયરમાં રહેતા હોઇ તેણીના પિતા સાથે મિટિંગ કરી સાસરીમાં વળાવવા સમજાવ્યા હતા.

અંતે, મૈત્રી કરારવાળી સ્ત્રી કર્મચારીએ સાસરીમાં જવાનો નિર્ણય કરી બિઝનેસ મેનને તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે કહી સમાધાન કર્યું હતું. આમ, પોલીસ સહાયતા કેન્દ્રના પ્રયાસથી બિઝનેસ મેનનો અને સાથી સ્ત્રી કર્મચારીનો બંનેનો સંસાર તૂટતાં બચાવી પરિવાર સાથે સુખેથી રહેતા કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...