વ્યાજ માફીનો લાભ:વ્યવસાયવેરા બાકીદારો હવે 31 માર્ચ સુધી વ્યાજ માફીનો લાભ લઇ શકશે

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરી વિસ્તારમાં વ્યવસાય વેરામાં પાલિકાના ઘણા બાકીદારોના વેરા બાકી હોઇ અને વ્યાજ ચઢતું હોઇ બાકીદારો પાછલા વર્ષોનો વ્યવસાય વેરો ભરી શકે અને પાલિકામાં વેરાની આવક થાય તેવા હેતુથી વ્યવસાય વેરા સમાધાન યોજના વધુ ત્રણ મહિના એટલે કે 31 માર્ચ સુધી લંબાવાઇ છે. હવે કરદાતાઓ વ્યાજ-પેનલ્ટીમાંથી માફીનો લાભ મેળવી શકશે.

સરકાર દ્વારા ગત ઓક્ટોબરથી ડિસેમ્બર દરમ્યાન વ્યવસાય વેરા સમાધાન યોજના લાગુ કરાઇ હતી. બાદમાં મહેસાણા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ દ્વારા ડિસેમ્બરમાં વ્યવસાય વેરા સમાધાન યોજનાની અવધિ પૂર્ણ થતી હોઇ લંબાવવા ગુજરાત નગરપાલિકા પરિષદના માધ્યમથી સરકાર સુધી રજૂઆત કરાઇ હતી. ખાસ કરીને વ્યવસાયમાં 18 ટકા વ્યાજ સાથે બાકી રકમ ચઢતી હોઇ ઘણા વ્યવસાયકારોએ વ્યવસાય બંધ કર્યા પછી પણ વેરો ભરવામાં ઉદાસીન રહ્યા છે. ત્યારે આવા વ્યવસાયકારો વ્યાજ, પેનલ્ટીના બોજામાંથી મુક્ત બને અને વેરાની મૂળ રકમ ભરીને બાકી વેરામાંથી મુક્તિ મેળવી શકે તે માટે સરકારે 31 માર્ચ સુધી યોજના લંબાવી છે.
મહેસાણામાં 15,200 વ્યવસાયકારોનો ~12 કરોડનો વેરો બાકી

ડિસેમ્બર સુધીમાં મહેસાણા પાલિકામાં 2032 વ્યવસાયકારોએ બાકી રૂ.1.32 કરોડ વેરો ભરી રૂ.39 લાખના વ્યાજથી મુક્તિ મેળવી છે. હજુ 15200 વ્યવસાયકારોથી રૂ.12 કરોડની વસુલાત બાકી હોઇ આ વ્યવસાયકારો વેરા રકમ ભરીને વ્યાજ પેનલ્ટી માફીનો લાભ મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...