ખાતમુહૂર્ત:મહેસાણા-1ની જેમ 2માં પણ સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવો ગ્રાન્ટની ચિંતા ન કરો,જમીન નક્કી કરો : નીતિનભાઇ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા શહેરમાં થનાર રૂ.5.36 કરોડના કામોના ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાને સૂચન
  • ખારી નદીને ચોખ્ખી રાખવા તેમજ રિચાર્જનું આયોજન કરાઇ રહ્યું છે

મહેસાણા શહેરમાં વરસાદી પાણી નિકાલની લાઇન, બગીચા, સીસી રોડ અને સંરક્ષણ દીવાલના રૂ. 5.36 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત રવિવારે મહેસાણાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મોઢેરા રોડ પર યોજાયેલા સમારોહમાં નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં નામના થાય એવા મહેસાણામાં ક્રિકેટ ગ્રાઉન્ડને આખરી ઓપ અપાયો છે, સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ, યોગરૂમ મહેસાણા-1માં બનાવ્યું છે.

મહેસાણા-2માં નવી ટીપી સ્કીમ પડે છે તેમાં જમીન મળે તો અહીં પણ મોટું કામ કરવાનું વિચારી રહ્યા છીએ. 5-10 હજારનો પ્લોટ નક્કી કરો, આપણી સરકાર છે એટલે ગ્રાન્ટની ચિંતા ન કરો. ખારી નદીને ચોખ્ખી રાખવાનું પ્લાનિંગ, રિચાર્જનું આયોજન કરાઇ રહ્યું છે. તેમણે કહ્યું કે, શહેરમાં વસ્તી વધી, સોસાયટી, ફ્લેટો થયા, પુલ સુધી બાંધકામો વિસ્તર્યા. આ સ્થિતિમાં પાણી નિકાલ ક્યાં કરવો તે તકલીફ હતી. હવે સિક્સલેન હાઇવે બની રહ્યો છે, જેમાં બંને સાઇડ મોટી ગટર લાઇન નંખાઇ હોઇ ઝડપથી પાણી નિકાલ થઇ શકશે.

સોમનાથ ચોકડીથી માનવ આશ્રમ અને અવસર પાર્ટીપ્લોટથી રાધે એક્ઝોટીકા સુધીમાં ભરાતા વરસાદી પાણી આ લાઇનથી ખારી નદીમાં ઉતારવામાં આવશે. રાવળ યોગી સમાજના આગેવાનોએ રૂ. 48 લાખના ખર્ચે સ્મશાનની દીવાલનું કામ શરૂ થતાં નીતિનભાઇનું અભિવાદન કર્યું હતું. કાર્યક્રમમાં પાલિકાના સફાઇ કામદારોને જાકીટ વિતરણ કરાયાં હતાં.

પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલે પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન ખોડભાઇ પટેલ, ઉપપ્રમુખ કાનજીભાઇ દેસાઇ, કારોબારી ચેરમેન કૌશિક વ્યાસ, ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, પૂર્વ પ્રમુખ રોહિત પટેલ, આગેવાન જગદીશ શ્રીમાળી, શહેર ભાજપ પ્રમુખ મુકેશ પટેલ સહિત આગેવાનો, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...