રહીશોમાં ભયનો માહોલ:મહેસાણામાં વધુ 3 મકાનોનાં તાળાં તોડી રૂ. 1.50 લાખની રોકડ, 13 તોલા સોનાના દાગીના ચોરાયા

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનવ આશ્રમ વિસ્તારની દિવ્ય રેસીડન્સીમાં તસ્કરો રૂ. 6.85 લાખ ચોરી ગયા
  • પરિવાર રાત્રે ઓસરીમાં સૂતા હતા અને તસ્કરો પાછળના દરવાજેથી ઘૂસ્યા

મહેસાણા શહેરના માનવ આશ્રમ વિસ્તારની દિવ્ય રેસીડન્સીમાં ત્રાટકેલા તસ્કરો એક જ રાતમાં ત્રણ મકાનોનાં તાળાં તોડી રૂ.1.50 લાખની રોકડ તેમજ 13 તોલા સોનાના દાગીના સહિત રૂ.6,85,700ની મત્તા ચોરી જતાં રહીશોમાં ભયનો માહોલ છવાયો છે. મૂળ બહુચરાજીના ગાંભુ ગામના અને હાલ શહેરમાં દિવ્ય રેસીડન્સીમાં રહેતા મનીષભાઇ ગોવિંદભાઇ સુથાર રાત્રે પરિવાર સાથે ઘરની ઓસરીમાં સૂઇ ગયા હતા.

તે દરમિયાન તસ્કરો ઘરના પાછળના દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસી મુખ્ય દરવાજાને અંદરથી બંધ કરી તિજોરીમાંથી સોના-ચાંદીના રૂ.41,200ના દાગીના તેમજ રૂ.52,500 રોકડ મળી રૂ.93,700ની મત્તા ચોરી ગયા હતા. જ્યારે તેમના પડોશી દિલીપજી ભેમાજી ઠાકોરના ઘરનો પાછળનો દરવાજો ખોલી અંદર ઘૂસી સોના-ચાંદીના રૂ.3.70 લાખના દાગીના તેમજ રૂ.93 હજાર રોકડ મળી કુલ રૂ. 4.65 લાખની મત્તા ચોરી ગયા હતા.

આ ઉપરાંત, બીજા પડોશી કિરીટકુમાર ભીખાભાઇ પટેલના ઘરનો પાછળનો દરવાજો તોડી તિજોરીમાંથી સોના-ચાંદીના રૂ.1.22 લાખના દાગીના અને રૂ.5 હજાર રોકડ મળી કુલ રૂ.1.27 લાખની મત્તા ચોરી ગયા હતા. જે અંગે મનીષભાઇ સુથારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તસ્કરોનું પગેરું શોધવા પ્રયાસ કર્યા હતા, જોકે કોઇ કડી મળી ન હતી.

3 ઘરમાંથી આટલી ચોરી

  • મનીષભાઇ સુથારના ઘરેથી કુલ રૂ. 41200ના દાગીના તેમજ રૂ. 52500 રોકડની ચોરી
  • દિલીપજી ઠાકોરના ઘરેથી કુલ રૂ. 372000ના દાગીના અને રૂ. 93000 રોકડની ચોરી
  • કીરીટકુમાર પટેલના ઘરેથી કુલ રૂ. 12200ના દાગીના અને રૂ. 5000 રોકડની ચોરી
અન્ય સમાચારો પણ છે...