ઊંઝા-સિદ્ધપુર હાઇવે પર બ્રાહ્મણવાડા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઇ રહેલી ઇકો ગાડીનું આગળનું ટાયર ફાટતાં બેકાબૂ બની સાઇડમાં ઊભેલી રિક્ષાઓ સાથે અથડાઇ હતી. જેમાં રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિનું મોત થયું હતું. આ મામલે ઊંઝા પોલીસે ઇકોચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે બસ સ્ટેન્ડ આગળ રિક્ષા (જીજે 02 વાય 6408) પડી હતી અને તેમાં 23 વર્ષીય સંજયકુમાર માનસંગજી ઠાકોર બેઠો હતો. આ દરમિયાન હાઇવે પરથી પૂરઝડપે પસાર થયેલી ઇકો ગાડી (જીજે 02 સીપી 9174)નું આગળનું ટાયર ફાટતાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં તે બસ સ્ટેન્ડ આગળ પડેલી રિક્ષાઓ સાથે અથડાઇ હતી.
રિક્ષામાં બેઠેલા સંજય ઠાકોરને માથામાં, કપાળના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યુ હતું. આ બનાવ અંગે મક્તુપુર ગામના વિજયજી લક્ષ્મણજી ઠાકોરે ઊંઝા પોલીસ મથકમાં ગાડીચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.