બુટલેગરોનો આતંક:મહેસાણાના ટીબી રોડ પર દારૂના ધંધાની હરીફાઇમાં બુટલેગરોનો આતંક, તોડફોડ

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારા વિદ્યાલયની બાજુમાં શકરાજી ઠાકોર અને દિનેશ હવેલીના માણસો વચ્ચે મારામારી
  • બી ડિવિઝન પોલીસે બંને જૂથની માત્ર અરજીઓ લેતાં પોલીસની કામગીરી સામે સવાલો

મહેસાણા શહેરના ટીબી રોડ ઉપર ધારા વિદ્યાલયની બાજુમાં 100 થી 150 માણસોના ટોળાએ દિનેશ હવેલીના મકાનમાં તેમજ વાહનોમાં તોડફોડ કરીને રીતસરનો આતંક મચાવ્યો હતો. વિદેશી દારૂના ધંધાની હરીફાઈમાં શકરાજી અને દિનેશના માણસો વચ્ચે થયેલી મારામારીના પરિણામે વિસ્તારના નાગરિકો ભયભીત બન્યા હતા. જો કે, આ ઘટના અંગે ફરિયાદ નોંધીને અટકાયતી પગલાં લેવાના બદલે બંને પક્ષોની અરજીઓ લઈને સંતોષ માનતા પોલીસની કામગીરી અંગે નાગરિકોમાં તર્કવિતર્ક સર્જાયા હતા.

તા.2-10-2021ને શનિવારના રોજ રાત્રે પરશુરામ ગાર્ડનની બાજુની ઝૂંપડપટ્ટીમાં દારૂના વેચાણ મામલે કેટલાક શખ્સોએ તલવાર અને ધારિયાથી તોફાન કરીને આતંક મચાવ્યો હતો. જ્યારે સોમવારે બપોરે દિનેશ હવેલીના ઘરમાં શકરાજી ઠાકોરના માણસોએ હુમલો કરતાં ઈકો અને બાઈકની તોડફોડ કરી હતી. ભાજપના કોર્પોરેટરની રજૂઆત બાદ મોડી સાંજે ટીબી રોડના છાપરાઓમાં પોલીસે કોમ્બીંગ હાથ ધર્યુ હોવાની માહિતી મળી હતી.

અસામાજીક તત્વોની હેરાનગતિ મુદ્દે રજૂઆત
ટીબી રોડ વિસ્તારના ભાજપના કોર્પોરેટર જનક બ્રહ્મભટ્ટે એસપીને લેખિત રજૂઆત કરીને અસામાજીક તત્વોની હેરાનગતિ દૂર કરવા માગણી કરી છે. શનિવારે-સોમવારે જાહેર રોડ ઉપર બુટલેગરોએ તોફાન કર્યું હોવાથી તેવા તત્વોને જેલ હવાલે કરીને બે નંબરના ધંધા બંધ કરાવાની માંગ કરી હતી.

બંદોબસ્ત ગોઠવાયો નથી
બી ડિવિ. PI બી.એમ.પટેલે કહ્યું કે, ઘટનાની જાણ થતાં બંને પક્ષોની અરજી લીધી છે. બંને પક્ષો ફરિયાદ નહીં કરીને અંદરો અંદર સમાધાન કરવા માંગતા હતા. વિસ્તારમાં કોઈ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...