કોંગ્રેસનો દબદબો:આ બેઠકો પર કોંગ્રેસનું વર્ચસ્વ તોડવા ભાજપના પ્રયાસો, મંદિરોની 10 બેઠકો... જ્યાં વોટર ધર્મ નહીં કર્મ જુએ છે

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

હિન્દુત્વની પ્રયોગશાળા ગણાતા ગુજરાતમાં જ્યાં હિન્દુ તીર્થધામો આવેલાં છે તેવી 10 બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસનો દબદબો છે. અહીં ભાજપનું હિન્દુત્વ કાર્ડ બહુ ચાલતું નથી. આથી જ આ બેઠકો કબજે કરવા ભાજપે આ ચૂંટણીમાં બે ધારાસભ્યોને તોડી, 3 પૂર્વ ઉમેદવારોને રિપીટ કરી અને 4 નવા ચહેરાને મેદાને ઉતારી નવો વ્યૂહ અપનાવ્યો છે. એટલું જ નહીં, આ બેઠકો ઉપર પ્રચારનો દોર ખુદ વડાપ્રધાને સંભાળ્યો છે. ચૂંટણી પહેલાં અંબાજીમાં રેલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, બાદમાં બહુચરાજીમાં મોઢેરા સોલાર વિલેજ લોકાર્પણ કાર્યક્રમ કર્યા હતા. સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારની શરૂઆત સોમનાથથી કરી, તો ચોટીલા જ્યાં આવેલું છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સભા ગજવી ચૂક્યા છે.

સોમનાથથી બહુચરાજી સુધીની બેઠકોની સ્થિતિ...

1 અંબાજી, દાંતા
લાખો શ્રદ્ધાળુઓનાં આસ્થાનું કેન્દ્ર અંબાજી, દાંતા બેઠકમાં આવે છે. અહીં 1998 થી 2017 સુધીમાં યોજાયેલી પાંચે ચૂંટણીમાં કોંગ્રેસ જીતી છે. આ વખતે કોંગ્રેસે ધારાસભ્ય કાંતિ ખરાડીને ત્રીજીવાર ટિકિટ આપી છે. તો ભાજપે લધુભાઇ પારગી નવા ચહેરાને ઉતાર્યો છે.

2 ખેડબ્રહ્મા બેઠક
નાના અંબાજી તરીકે જાણીતા તીર્થધામ ખેડબ્રહ્મામાં 24 વર્ષથી કોંગ્રેસનું શાસન છે. સળંગ ત્રણવાર જીતેલા અશ્વિન કોટવાલ અહીંથી ભાજપના ઉમેદવાર છે. કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.
3 ચોટીલા બેઠક
અહીં છેલ્લી 5 ચૂંટણીમાં ભાજપને 2012ને બાદ કરતાં એકે વખત જીત મળી નથી. આ વખતે કોંગ્રેસે ધારાસભ્ય ઋત્વિક મકવાણાને, તો ભાજપે ગત ટર્મમાં પરાજિત શામજી ચૌહાણને ટિકિટ આપી છે. તેઓ 2012માં ધારાસભ્ય હતા.

4 સોમનાથ બેઠક
પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા સોમનાથમાં 1998 અને 2007માં ભાજપ જીત્યો હતો. 2002, 2012 અને 2017માં આ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી. 2012માં વિજેતા જશા બારડને ભાજપે 2017માં ટિકિટ આપી. પરંતુ કોંગ્રેસના વિમલ ચુડાસમા સામે હારી ગયા. કોંગ્રેસે વિમલ ચુડાસમાને રિપીટ કર્યા છે, તો ભાજપે માનસિંહ પરમાર નવો ચહેરો ઉતાર્યો છે. ગીર સોમનાથ જિલ્લાની તમામ ચાર બેઠક કોંગ્રેસે જીતી હતી. આ બેઠકો જીતવા ભાજપ મરણિયો છે.

5 જગન્નાથ મંદિર, જમાલપુર (અમદાવાદ)
ભાજપનો ગઢ ગણાતા અમદાવાદ શહેરની આ એકમાત્ર એવી બેઠક છે જ્યાં છેલ્લી 5 ટર્મમાં ભાજપ માત્ર 2012માં જીતી શક્યો છે. બેઠક છે જમાલપુર. 2012માં આ બેઠક બની હતી. અહીં ભગવાન જગન્નાથજીનું મંદિર આવેલું છે. અહીંથી અષાઢી બીજે નીકળતી રથયાત્રાની ગણના જગન્નાથપુરી અને કોલકાતા પછી ત્રીજી સૌથી મોટી યાત્રા તરીકે થાય છે. તેમાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે. પરંતુ લઘુમતી બહુલતાને કારણે અહીં ભાજપ ફાવી શકતો નથી. ભાજપના ભૂષણ ભટ્ટ અને કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા ત્રીજી વખત અહીંથી સામસામે મેદાનમાં છે. 2012માં ભાજપ તો 2017માં કોંગ્રેસ જીત્યો હતો.

6 ડાકોર, ઠાસરા બેઠક
ડાકોર ધામ ઠાસરા બેઠકમાં આવે છે. આ બેઠક ત્રણ ટર્મથી કોંગ્રેસ પાસે છે. 2007 અને 2012માં જીસીએમએફના ચેરમેન રામસિંહ પરમાર જીત્યા હતા. 2017માં ભાજપે તેમને ટિકિટ આપી, પરંતુ કાંતિભાઈ પરમાર સામે પરાજિત થયા. આ વખતે કોંગ્રેસે કાંતિભાઈ પરમારને રિપીટ કર્યા, તો ભાજપે રામસિંહના પુત્ર યોગેન્દ્રસિંહ પરમારને નવા ચહેરા તરીકે અજમાવ્યા છે.

7 માતાના મઢ, અબડાસા
ગુજરાતમાં માતાના મઢ તરીકે જાણીતું આશાપુરા ધામ કચ્છની અબડાસા બેઠકમાં આવે છે. અહીં 2002 અને 2007માં ભાજપની જીત થઈ હતી. 2012માં કોંગ્રેસમાંથી જીતેલા છબીલ પટેલને 2017માં ભાજપે ટિકિટ આપી. પણ તે કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજા સામે હારી ગયા. ભાજપે ફરી દાવ મારી પ્રદ્યુમનસિંહ જાડેજાને જ ખેંચી લઇ આ વખતે ટિકિટ આપી છે. કોંગ્રેસે મામદ જતને ઉમેદવાર બનાવ્યા છે. આ વખતે ભાજપે પ્રચાર માટે કેન્દ્રીયો મંત્રીઓ, સાંસદો સહિતના સ્ટાર પ્રચારકોને આ તથા અન્ય બેઠકો પર ઉતાર્યા છે.

8 માતૃગયા તીર્થ, સિદ્ધપુર
ભારતવર્ષમાં માતૃગયા તીર્થ તરીકે જાણિતા સિદ્ધપુરની બેઠક 1998 અને 2007માં ભાજપ જીત્યો હતો. 2002 અને 2012માં કોંગ્રેસમાંથી જીતેલા બળવંતસિંહ રાજપૂતને ભાજપે આ વખતે અહીંથી ઉમેદવાર બનાવ્યા છે. તેમનો મુકાબલો ધારાસભ્ય ચંદનજી ઠાકોર સામે છે.

9 ઉમિયા ધામ, ઊંઝા
કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીના ધામ ઊંઝાની બેઠક ભાજપનો ગઢ છે. 5 ચૂંટણીમાં માત્ર 2017માં પાટીદાર આંદોલનના કારણે કોંગ્રેસનાં આશાબેન પટેલ જીત્યાં હતાં. જેઓ પાછળથી ભાજપમાં સામેલ થઈ ગયાં હતાં. આ વખતે ભાજપે કિરીટ પટેલ, તો કોંગ્રેસે અરવિંદ પટેલ નવા ચહેરાને તક આપી છે.

10 બહુચરાજી બેઠક
બહુચરાજી, અહીં બહુચર માતાજીનું પ્રસિદ્ધ સ્થાનક આવેલું છે. નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર 2002માં ભાજપ તો 2017માં કોંગ્રેસ જીત્યો હતો. આ ચૂંટણીમાં ભાજપે સુખાજી ઠાકોરને, તો કોંગ્રેસે ભોપાજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે.

અન્ય સમાચારો પણ છે...