ભાજપે સોમવારે રાત્રે જાહેર કરેલી ચોથી યાદીમાં પણ જિલ્લાની એકમાત્ર બાકી ખેરાલુ બેઠકના ઉમેદવારનું નામ નથી. ફોર્મ ભરવા આડે માત્ર ત્રણ દિવસ બાકી છે, છતાં આંતરિક જૂથબંધીને કારણે ઉમેદવારનું કોકડું ગુંચવાયેલું રહ્યું છે. તેની વચ્ચે બહારના ઉમેદવારનું નામ ચર્ચામાં આવતાં સોમવારે સ્થાનિક લોકોએ આયાતી ઉમેદવારનો વિરોધ દર્શાવતાં કયા ઉમેદવારને ટિકિટ આપવી તેને લઈ પક્ષમાં ભારે મૂંઝવણ ઊભી થઈ છે.ક્ષત્રિય અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ ધરાવતી ખેરાલુ બેઠક પર પાટણના સાંસદ ભરતસિંહ ડાભી તેમના ભાઈને લડાવવા માગે છે, સામે અજમલજી ઠાકોરનું જૂથ તેમનો વિરોધ કરી રહ્યું છે.
સામે પક્ષે કોંગ્રેસ દ્વારા ચૌધરી સમાજના મુકેશ દેસાઈને ઉમેદવાર તરીકે જાહેર કરી મોટો દાવ રમવામાં આવ્યો હતો. આથી ભાજપ જાતિવાદી સમીકરણ ગોઠવવામાં મોડું પડ્યું છે. ભાજપે જૂથબંધીમાં પરોવાયેલા ભરતસિંહ ડાભી અને અજમલજી ઠાકોરના બે જૂથોને બાદ કરતાં કોંગ્રેસમાંથી આવેલા અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યા રેખાબેન ચૌધરીનું નામ જાહેર થાય તે પૂર્વે જ સ્થાનિક સંગઠન અને કાર્યકરોએ મહેસાણા ખાતે ભાજપ કાર્યાલય કમલમ ખાતે દોડી આવી માત્ર સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવા રજૂઆત કરી હતી.
આમ, ફોર્મ ભરવાના ત્રણ દિવસ બાકી હોવા છતાં આ બેઠક પર ઉમેદવારનું કોકડું સોમવાર મોડી સાંજ સુધી ગુંચવાયેલું હતું. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ઉમેદવાર મુકેશ દેસાઈ 2017માં અપક્ષમાં ચૂંટણી લડી 38000 જેટલા મત ખેંચી ગયા હતા. જેને લઇ ભાજપ સક્ષમ ઉમેદવાર શોધી રહ્યો છે.
કોંગ્રેસ હજુ મહેસાણા, બહુચરાજી, ઊંઝા અને વિસનગરમાં ઉમેદવાર શોધે છેકોંગ્રેસ હજુ મહેસાણા, બહુચરાજી, ઊંઝા અને વિસનગર બેઠક પર ઉમેદવાર શોધી રહી છે. આ ચારે બેઠકો પાટીદાર અને ઠાકોર-ક્ષત્રિય પ્રભુત્વવાળી છે. ખેરાલુમાં ચૌધરી સમાજને, કડીમાં અનુ. જાતિ અને વિજાપુરમાં ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે. એ જોતાં હવે જ્ઞાતિનાં સમીકરણો ગોઠવવા મૂંઝવણમાં પડ્યો છે. મહેસાણામાં પાટીદાર સામે પાટીદાર કે ક્ષત્રિયને લઇ કોકડું ગુંચવાયું છે. બહુચરાજીમાં સિટિંગ ધારાસભ્ય છતાં હજુ સુધી જાહેરાત કરાઇ નથી. ભાજપે ઠાકોરને મેદાનમાં ઉતારતાં ભરતજી ઠાકોરને ઉતારવા કે કોઇ પાટીદારને અજમાવવા તેને લઇ વિચારણા ચાલી રહી છે. વિસનગર અને ઊંઝામાં નવો ચહેરો આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.