ચૂંટણી ચિત્ર સ્પષ્ટ:ખેરાલુમાં ભાજપના, બહુચરાજીમાં કોંગ્રેસના બાગીએ ફોર્મ પાછું નહીં ખેંચતાં પક્ષોને પડકાર

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લાની 7 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ-આપના 7-7, અપક્ષ 25, અન્ય પક્ષના 17 મળી 63 ઉમેદવારો
  • મહેસાણા​​​​​​​, વિસનગર, કડી, વિજાપુર અને ઊંઝામાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો, જ્યારે ખેરાલુ અને બહુચરાજીમાં ચતુષ્કોણિય જંગ જામશે

જિલ્લામાં વિધાનસભાની 7 બેઠકમાં સોમવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે હરીફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. 7 બેઠકો પર કુલ 63 ઉમેદવારો રહ્યા છે. ખેરાલુ અને બહુચરાજીને બાદ કરતાં અન્ય 5 બેઠકો પર મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે. અન્ય પક્ષ અને અપક્ષ ઉમેદવારો કેટલું જોર મારે છે તે પણ આ ચૂંટણીમાં રસપ્રદ બની રહેશે. ઉલ્લેખનિય છે કે, સોમવારે છેલ્લા દિવસે 7 બેઠકમાં કુલ 19 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેને લઇ આ તમામ બેઠકમાં 15 કરતાં ઓછા ઉમેદવારો હોઇ ચૂંટણી તંત્રએ એક બેલેટ યુનિટનો ઉપયોગ કરવો પડશે.

મહેસાણા, કડી, વિજાપુર, ખેરાલુ, ઊંઝા, વિસનગર અને બહુચરાજી બેઠકમાં છેલ્લી ઘડી સુધી અપક્ષોને સમજાવવાના પ્રયાસો મુખ્ય રાજકીય પક્ષો દ્વારા થયા હતા. જેને લઇ ચૂંટણી કચેરીઓમાં ફોર્મ પરત ખેંચવા માટે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને હરખપદુડા થઇ ચૂંટણીમાં ઝંપલાવતા ઉમેદવારો પૈકી છેલ્લી ઘડીએ પીછેહઠ કરવાનું મન બનાવી ચૂકેલા અપક્ષોએ ફોર્મ પરત ખેંચ્યાં હતાં. ફોર્મ પરત ખેંચયા બાદ હવે મહેસાણા બેઠકમાં સૌથી વધુ 13 ઉમેદવારો છે. જેમાં 8 અપક્ષનો સમાવેશ છે. ત્યાર પછી બહુચરાજી અને વિસનગર બેઠકમાં 10-10 ઉમેદવારો છે. ખેરાલુ અને કડીમાં 8-8 તેમજ ઊંઝા અને વિજાપુરમાં 7-7 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

મહેસાણા, વિસનગર, કડી, વિજાપુર અને ઊંઝામાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ રહેશે તેમ મનાય છે. જ્યારે બહુચરાજી બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, આપ ઉપરાંત મહેસાણા તા.પં.ના પૂર્વ ઉપપ્રમુખ ભાવેશ પટેલે અપક્ષ ઉમેદવારી કરી છે અને તેઓ આ મતક્ષેત્રમાં સૌથી વધુ પાટીદાર મત ધરાવતા ચોર્યાસી સમાજમાંથી આવતા હોઇ અહીં ચતુષ્કોણિય જંગ જામવાના સંકેતો સાંપડી રહ્યા છે.

આવી જ બીજી બેઠક ખેરાલુની છે. અહીં ભાજપ, કોંગ્રેસ અને આપ ઉપરાંત અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપના પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના સગાભાઇ રામસિંહજી શંકરજી ઠાકોર મેદાનમાં છે. આ બેઠકમાં સૌથી મોટી વોટબેન્ક ઠાકોર સમાજના 65 હજારથી વધુ મત છે. ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવાર ચૌધરી સમાજના હોઇ અહીં ખરાખરીનો ચતુષ્કોણિય જંગ નક્કી છે.

છેલ્લા દિવસે 17 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં હવે હરીફ ઉમેદવારોના બેલેટપત્રો તૈયાર થશે
જિલ્લા ચૂંટણી તંત્રના સૂત્રોએ કહ્યું કે, સોમવારે અંતિમ દિવસે મહેસાણા બેઠકમાં 4, કડી બેઠકમાં 4, વિસનગરમાં 3, વિજાપુરમાં 3, બહુચરાજીમાં 2, ઊંઝામાં 2 અને ખેરાલુ બેઠકમાં 1 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. હવે બેઠકવાઇઝ હરીફ ઉમેદવારોના ચૂંટણી ચિન્હ સાથે બેલેટપત્રો તૈયાર કરાશે. ચૂંટણીપંચના માર્ગદર્શન મુજબ બેલેટપત્રો સૂચિત પ્રેસમાં છપામણીમાં જશે અને ઉમેદવારોના નામ સાથે તૈયાર થઇને આવ્યા પછી સર્વિસ મતદારોને ત્યાં ટપાલ મતદાન માટે રવાના કરાશે.

પાટણ જિલ્લાની 4 બેઠકો પર 43 ઉમેદવારો ચૂંટણી જંગમાં
​​​​​​​પાટણ જિલ્લામાં વિધાનસભાની ચાર બેઠકો માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અવધિ સોમવારે પૂરી થવા પામી હતી. જેમાં ભરાયેલા કુલ 50 ફોર્મ પૈકી 7 ફોર્મ પાછા ખેંચાયા હતા. હવે ચાર બેઠકો પર 43 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે. સૌથી વધુ 16 ઉમેદવારો પાટણ બેઠક ઉપર ચૂંટણી મેદાનમાં છે. જ્યારે સિદ્ધપુર બેઠક ઉપર 9, ચાણસ્મા બેઠક ઉપર 7 અને રાધનપુર બેઠકો પર 11 ઉમેદવારો ચૂંટણીમાં રહ્યા છે. પાછલી ચૂંટણી કરતા 5 ઉમેદવારો આ વખતે વધ્યા છે. બાકીની ત્રણેય બેઠક ઉપર પાછલી ચૂંટણી કરતાં ઉમેદવારોની સંખ્યા ઘટી છે.

ચૂંટણીમાં હરીફ ઉમેદવારોનું ચિત્ર

બેઠકઉમેદવાર
મહેસાણા13
વિસનગર10
બહુચરાજી10
ખેરાલુ8
કડી8
વિજાપુર7
ઊંઝા7
કુલ63

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...